શ્રી રાધા-તત્વ : દેવી ભાગવતમાં રાધાજીના વર્ણનનો ઉલ્લેખ કરાયો છે

01 March 2021 11:45 AM
Dharmik
  • શ્રી રાધા-તત્વ : દેવી ભાગવતમાં રાધાજીના વર્ણનનો ઉલ્લેખ કરાયો છે

રાધા એક રીતે કૃષ્ણથી અવિચ્છિન્ન છે તેના સંયોગ વડે જ ‘બ્રહ્માંડ’ની ઉત્પત્તિ થઇ, આ બ્રહ્માંડને રાધાજીએ જળમાં પધરાવી દીધુ તેનાથી નાખુશ થઇને શ્રીકૃષ્ણે શાપ આપ્યો કે આજથી તું અનપત્થા થઇશ વગેરે કથા નવમા સ્કંધના બીજા અધ્યાયમાં વર્ણવાયેલ છે

‘શ્રી રાધાકૃષ્ણાભ્યાં નમ: । જયાં પણ કયાંય શ્રીકૃષ્ણની પૂજા થાય છે, ત્યાં શ્રી રાધાજીની સાથે જ થાય છે. આ તો જગજાહેર વાત છે.પરંતુ કૃષ્ણ ચરિત્ર નિરૂપક એવા ગ્રંથોમાં શ્રીમદ્ ભાગવત સૌથી વધુ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં શ્રી રાધાની ચર્ચા લગભગ નહીંવત જ છે. પરિણામે કેટલાક લોકોના મનમાં એક સંદેહ થવા લાગે છે કે રાધાની ઉપાસના કૃષ્ણોપાસનાથી પણ ખૂબ નવિન છે. દેવી ભાગવત જોવાથી શ્રી રાધાજીનો દરજજો ખૂબ ઉંચો થઇ જાય છે.આ પુરાણ અનુસાર ‘રાધા’ કેવળ બરસાના નિવાસી વૃષભાનુની પુત્ર માત્ર નથી. જેમ શ્રીકૃષ્ણ પરમાત્માના અવતાર છે તેવી જ રીતે શ્રી રાધા પણ પરાશકિતની અવતાર છે, આદ્યા ‘પ્રકૃતિ’ના પાંચ રૂપો (1) દુર્ગા (2) રાધા (3) લક્ષ્મી (4) સરસ્વતી અને (પ) સાવિત્રી (દેવી ભાગવત 9-1-1)


ગણેશ જનની દુર્ગા રાધાલક્ષ્મી:।
સાવિત્રી ચ સૃષ્ટિ વિ ધૌ પ્રકૃતિ : પંચધા સ્મૃતા ॥


રાધા એક રીતે કૃષ્ણથી અવિચ્છિન્ન છે તેના સાંયોગ વડે જ ‘બ્રહ્માંડ’ની ઉત્પતિ થઇ. આ બ્રહ્માંડને રાધાજીએ જળમાં પધરાવી દીધું તેનાથી નાખુશ થઇને શ્રીકૃષ્ણે શાપ આપ્યો કે આજથી તું અનપત્થા થઇશ વગેરે કથા નવમા સ્કંધના બીજા અધ્યાયમાં વર્ણવાયેલ છે.આ કથાને કપોલ કલ્પિત કહો અથવા જે પણ કંઇ કહો, એટલું તો અવશ્ય માનવું પડશે કે રાધાની ઉપાસના વધુ આધુનિક નથી અને રાધાનો દરજજો મુખ્ય મુખ્ય શકિતઓથી છે જે દરજજો લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતીનો છે તે રાધાનો પણ છે.


મૂળ વાત તો એ છે કે જેટલા ‘દેવો’ આપણે ત્યાં ગણતરીમાં લીધા છે અને જે જે પૂજાને પાત્ર લેખાયા છે, તે સર્વ સાથે તેમની પોતપોતાની શકિતઓની પણ પૂજા જ જરૂરી બતાવવામાં આવી છે. તે એટલે સુધી કે પૂજન વિધિમાં શકિતઓનો જ ઉલ્લેખ સર્વ પ્રથમ આવે છે જેમ કે શ્રી ગૌરીશંકરાભ્યાં નમ:, શ્રી લક્ષ્મીનારાયણાભ્યાં નમ: । શ્રી રાધાકૃષ્ણાભ્યાં નમ:, શ્રી સીતારામાભ્યાં નમ:।
શ્રી રાધાનું સ્વરૂપ તથા વેદમાં શ્રી રાધાનો ઉલ્લેખ સીતા, રાધા, દુર્ગા આ સર્વે ભિન્ન પદાર્થ નથી.મૂળમાં તો એક જ છે, ઉદ્દેશ્યના ભેદને હિસાબે તેમને અલગ અલગ રૂપ ધારણ કર્યા છે. સીતોપનિષદમાં જે સીતાનું સ્વરૂપ વર્ણવાયું છે. તે જ રાધાનું સ્વરૂપ છે. એટલા માટે રાધા ઉપનિષદ નામનું કોઇ અલાયદુ ઉપનિષદ ન હોવાથી કોઇ નુકસાન નથી. વેદમાં રાધાનો ઉલ્લેખ અવશ્ય છે. વેદ અનંત છે, ‘સાધુ’ શબ્દ માત્ર જ વેદ છે. વેદમાં જેનું ‘ઉમા’ના નામથી ગાન કર્યુ છે તે જ બ્રહ્મવિદ્યા રાધાનું સ્વરૂપ છે.


આ બ્રહ્મવિદ્યા સર્વદા પરમાત્માની સાથે વર્તમાન રહે છે. તે કદાપિ પરમાત્માથી અલગ બનીને રહેતી નથી.વેદમાં અનેક સ્થાનોએ તેનો ઉલ્લેખ છે. તે ખરેખર પરમાત્માથી ભિન્ન પદાર્થ નથી. વેદમાં ગાયેલ પરમાત્મન, સોમ નામના અર્થ પર પૂરી રીતે વિચાર કરો. પરમાત્માનું નિત્યગાન અર્થાત વેદરૂપિણી ઉમાની સાથે સદા વર્તમાન રહેવાના કારણે તેમને ‘સોમ’ કહેવામાં આવે છે.આ ઉમા અથવા બ્રહ્મ વિદ્યાના તમે સીતા, રાધા, ગૌરી, સાવિત્રી, પ્રભુતિ જે પણ કંઇ નામ રાખવા ઇચ્છો તે રાખી શકો છો.સર્વવ્યાપી આ સોમને પરિચ્છિન્ન જીવ કઇ રીતે જાણી શકે છે ? કૃષ્ણ યજુર્વેદના આ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


આ કાન્ત સમુદ્ર: પ્રથમે વિધર્મન્ ।
જનયન પ્રજા ભુવનેસ્ય રાજા ॥
વૃપ્ત પવિત્રે અધિ સા નો અવ્યે ।
બૃહત સોમો વા વૃષે સુવાન ઇન્દ્ર: ॥


વેદના ત્રિરૂપર્ણ-મંત્રમાં ઉમા અર્થાત બ્રહ્મવિદ્યાની સાથે વર્તમાન સોમનો ઉલ્લેખ આવે છે.પરમાત્માએ શ્રી કૃષ્ણાવતારમાં જે પ્રેમ ભકિત પરિપાલિની લીલા કરી છે. ત્રિસુપર્ણ મંત્રમાં તેની પ્રસ્કૂટ છબી વર્તમાન છે.સીતા તત્વની વ્યાખ્યાના સમયે તમે સાંભળ્યું હતું કે શ્રી વિષ્ણુ દેહને અનુરૂપ જ પોતાનો દેહ ધારણ કરતા હતા.


કમલેયં જગન્માતા લીલામાનુષ વિગ્રહા
દેવત્વે દેવદેદેયં મનુષ્યત્વે ચ માનુષી
વિષ્ણો દેહાનુરૂમાં વૈકરોત્યે
પાત્મન સ્તનુમ ॥(સ્કંધ પુરાણ-બ્રહ્મા)


વિષ્ણુ ભગવાન જયારે લોકના ઉપકાર અર્થે લીલામાં જે પ્રકારનું રૂપ ધારણ કરેે તે પણ એ સમયે તેને અનુરૂપ રૂપ ધારણ કરે છે.સીતા સમાન રાધા પણ અયોનિસંભવા તથા મુલ પ્રકૃતિરૂપિણી છે સીતા મુલ પ્રકૃતિ રૂપિણી છે. આ વાત સીતોપનિષદમાં છે. તે પ્રણવરૂપિણી હોવાના કારણે જ મુલ પ્રકૃતિ રૂપિણી છે.સીતા મુલ પ્રકૃતિ હોવાના કારણે જેમ સર્વદેવમયી, સર્વવેદમયી, પર્વ શાસ્ત્રમયી સર્વલોકમયી, સર્વશકિતમયી છે, તેવી જ રીતે રાધા પણ મૂલ પ્રકૃતિ રૂપા હોવાના કારણે સર્વવેદમયી, સર્વદેવમયી, સર્વલોકમયી સર્વશકિતમયી છે.રાધા જ ત્રિગુણાત્મક સંસાર છે. તે જ ત્રિગુણાતીત, અખંડ સચ્ચિદાનંદમયી છે. પુરાણાદિ પણ વેદનું જ રૂપ છે. જે ઋષિગણ વેદોના સ્મારક છે. તે જ પુરાણાદિ શાસ્ત્રોના પ્રવકતા છે. એટલે તેઓ એવી કોઇ વાત કહી શકતા નથી કે જે વેદમૂલક ન હોય, વેદમાં જે બીજરૂપથી છે તે જ સઘળા લોકોના ઉપકારાર્થે પુરાણાદિમાં વિસ્તૃત થયેલ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાનું સ્વરૂપ અને ઉત્પત્તિ તત્વનું વર્ણન છે.


ગોલોકવાસિની સેયમત્રકૃષ્ણાજ્ઞયાધુના ।
અયોમિસમ્ભવા દેવી મુલ પ્રકૃતિ રીશ્ર્વરી ॥


નારદ પાંચરાગમાં આપેલા શ્રી રાધાના સહસ્ત્ર નામનો પાઠ કરવાથી રાધાના સ્વરૂપને જાણી શકાશે. આ સીતા અને દુર્ગાથી અભિન્ન છે.બ્રહ્મવૈવર્ત પુરાણમાં પણ રાધા અને દુર્ગાનો અભેદ બતાવાયો છે. (સંકલિત)


Related News

Loading...
Advertisement