રૂા.250માં ખાનગી હોસ્પિટલોમાં વેકસીન મળશે

27 February 2021 03:55 PM
Ahmedabad Gujarat Health
  • રૂા.250માં ખાનગી હોસ્પિટલોમાં વેકસીન મળશે

રાજયમાં સોમવારથી શરૂ થઇ રહેલા વેકસીનેશનના બીજા તબકકા પૂર્વે સરકારની મહત્વની જાહેરાત : નીતિન પટેલની જાહેરાત : વેકસીનના રૂા.150 અને રૂા.100 વહીવટી ચાર્જ વસુલાશે : સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેકસીન અપાશે : ખાનગી હોસ્પિટલની યાદી ટુંક સમયમાં રાજય સરકાર જાહેર કરશે : 60 વર્ષ કે તેથી ઉપરના વ્યકિતઓ ઉપરાંત ગંભીર દર્દથી પિડાતા 45 વર્ષ કે તેથી વધુના વ્યકિતઓને સોમવારથી વેકસીનેશનમાં સામેલ કરાશે

રાજકોટ, તા.27
ગુજરાતમાં સોમવારથી ચાલુ થઇ રહેલા વેકસીનેશનના બીજા તબકકામાં સામાન્ય નાગરીકો કે જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તથા હૃદયરોગ સહિતની ગંભીર બિમારીથી પીડાતા 45 વર્ષ કે તેથી વધુના વ્યકિતઓને પણ આ વેકસીનેશનના તબકકામાં સામેલ કરી લેવા લેવાયેલા નિર્ણયમાં રાજય સરકારે પ્રથમ વખત ખાનગી ક્ષેત્રને પણ વેકસીનેશનમાં સામેલ કર્યુ છે અને સરકારની માન્ય ખાનગી હોસ્પિટલોમાં રૂા.250માં વેકસીનનો ડોઝ આપવામાં આવશે.

રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે એક ટવીટ કરીને જાહેર કર્યુ હતું કે ભારત સરકારે ખાનગી હોસ્પિટલોમાં રૂા.150ના ભાવમાં લોકોને વેકસીન ઉપલબ્ધ બનાવવા નિર્ણય લીધો છે અને ગુજરાતમાં પણ તે અમલમાં મુકાયો છે. રાજયના આરોગ્ય વિભાગ દ્વારા માન્ય હોસ્પિટલોમાં સરકાર દ્વારા નકકી કરાયેલ કેટેગરીના વ્યકિતઓ પોતાની રીતે વેકસીનના રૂા.150 અને રૂા.100નો વહીવટી ચાર્જ એટલે કે કુલ રૂા.250 ચુકવીને વેકસીન લઇ શકશે.

નીતિનભાઇ પટેલે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં પણ આ માહિતી આપતા જણાવ્યું કે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે વેકસીન આપવામાં આવશે. વેકસીનનો જે 150નો ભાવ નિશ્ર્ચિત થયો છે અને રૂા.100નો જે વહીવટી ચાર્જ નકકી થયો છે તે એક ડોઝનો છે અને પ્રથમ ડોઝ લીધા બાદ વ્યકિતને ર8 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે અને તે સમયે અલગથી રૂા.250નો ચાર્જ વસુલાશે. જયારે સરકારી હોસ્પિટલોમાં કોઇપણ ચાર્જ વગર વેકસીન આપવામાં આવશે.

આમ રાજયમાં તા.1થી વેકસીનેશનનો જે તબકકો શરૂ થવાનો છે તેમાં સરકાર દ્વારા અત્યંત વ્યાજબી ભાવે વેકસીન આપવાની તૈયારી કરવામાં આવી છે અને ટુંક સમયમાં ખાનગી સેન્ટરોમાં વેકસીન કયાં મળશે તેની યાદી પણ સરકાર જાહેર કરવાની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજયમાં ભારતમાં ઉત્પાદિત બંને પ્રકારની એટલે કે કોવિડશીલ્ડ અને કોવિડસીન બંને પ્રકરની વેકસીન ઉપલબ્ધ છે અને કેન્દ્ર સરકાર જે રીતે ફાળવશે તે વેકસીન રાજયમાં આપવામાં આવશે.

પ્રથમ વખત જે વેકસીન આપવામાં આવી હશે તે જ વેકસીનનો બીજો ડોઝ અપાશે અને જયાં પ્રથમ ડોઝ લીધો હશે તે જ હોસ્પિટલમાં બીજો ડોઝ પણ મળશે. જેમાં કોઇ ફેરફાર થશે નહીં. નાગરીકોએ તેના ઓળખના પ્રમાણપત્ર જેમાં તેમની જન્મ તારીખ હોય તે રજૂ કરવાનું રહેશે. ઉપરાંત ગંભીર દર્દની બીમારીમાં તબીબી સર્ટીફીકેટ પણ આપવાનું રહેશે.


Related News

Loading...
Advertisement