સ્ટાર વોર્સ : ક્રિયેટિવિટી અને ટેકનોલોજીનો અદભુત સમન્વય

27 February 2021 12:07 PM
Entertainment
  • સ્ટાર વોર્સ : ક્રિયેટિવિટી અને ટેકનોલોજીનો અદભુત સમન્વય
  • સ્ટાર વોર્સ : ક્રિયેટિવિટી અને ટેકનોલોજીનો અદભુત સમન્વય

‘સ્ટાર વોર્સ: ધ લાસ્ટ જેડાઈ’ સ્ટાર વોર્સ વર્લ્ડની આઠમી ફિલ્મ છે. 2017ની સાલમાં જ્યારે આ ફિલ્મ આવી, ત્યારે સિને’મા’થી તે ચૂકાઈ ગઈ હોવાને કારણે આ અઠવાડિયે ડિઝની પ્લસ પર જોઈ. વાસ્તવમાં ‘સ્ટાર ફોર્સ’ની સીરિઝ પણ ડિઝની પ્લસ પર રીલિઝ થઈ ચૂકી છે. એમાં સંગતતા જળવાયેલી રહે એ માટે આગલની દરેક ફિલ્મો પૂરી કરી લેવી હિતાવહ છે.1977ની સાલથી ચાલુ કરવામાં આવેલી સ્ટાર વોર્સ સીરિઝને જોઈને જ સિને’માં’એ પોતાનું બાળપણ વિતાવ્યું છે. છેલ્લે 2015માં આવેલી ‘ધ ફોર્સ અવેક્ધસ’ પછી સિને’માં’ ચાતક નજરે આ ફિલ્મની રાહ જોઈ રહી’તી! જેણે-જેણે સ્ટાર વોર્સ ફિલ્મોની સીરિઝ જોઈ છે તેમનાં માટે આ ફિલ્મ એટલે સાક્ષાત સિનેમાદેવનાં દર્શન જ ગણી લ્યો! બીજી વાત, આજની આખી ચર્ચામાં ફિલ્મોનાં રહસ્ય ઉજાગર ન થાય (સ્પોઈલર-ફ્રી) તેવા ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા છે.

છતાંય અમુક વસ્તુ કીધા વગર વાત આગળ વધે તેમ નથી. તો હાલો ઉપડીયે આકાશગંગાની સફરે!રિયાન જોહ્ંસન લિખિત-દિગ્દર્શિત ‘ધ લાસ્ટ જેડાઈ’ની શરૂઆત, રે (ડેઈઝી રિડલે) પોતાનાં લડાઈ લડવાનાં સળિયા (લાઈટ-સેબર)ને લ્યુક સ્કાયવોકર (માર્ક હામિલ)ના હાથમાં સોંપી દે છે તે દ્રશ્યથી થાય છે, જે પાછલી ફિલ્મ (2015માં આવેલી ‘સ્ટાર વોર્સ : ધ ફોર્સ અવેક્ધસ’)નો ક્લાયમેક્સ સીન છે. સ્નોક (એન્ડિ સર્કિસ)નાં નેતૃત્વ હેઠળ ‘ફર્સ્ટ ઓર્ડર’ પોતાની શેતાની તાકતો ભેગી કરવા લાગ્યું છે. ‘રઝિસટન્ટ’નું જૂથ પોતાના જનરલ લેઆ ઓર્ગાના (કેરી ફિશર) સાથે મળીને ડાર્ક સાઈડ સામે લડત આપી રહ્યું હોય છે. રેને પોતાની તાકતોનો અહેસાસ થઈ જાય છે.

લ્યુક સ્કાયવોકર પાસેથી તાલીમ લઈને આકાશગંગાનાં આખરી યોધ્ધા તરીકે રે ની પસંદગી થવી જરૂરી હોય છે, જેથી બ્રહ્માંડનું સમતોલન જળવાઈ રહે. આખી ફિલ્મ, ઉપરોક્ત કથાવસ્તુની ઈર્દગિર્દ ઘુમે છે.ફિલ્મનાં ટેકનિકલ આસ્પેક્ટ પર આવીએ. શું અફલાતુન ફિલ્મ બનાવી છે, સાહેબ! ક્યા શબ્દો અને ક્યા વિશેષણોની ઉપમા આપીને આખી વાત કહેવી તે નક્કી કરવું મુશ્કેલ છે. મગજ ચકરાવે ચડી જાય એવી એવી ટેકનોલોજી અને ટેકનિકનો ઈસ્તેમાલ, બ્લોકબસ્ટર વાર્તા, ખતરનાક એક્શન, લાગણીસભર દ્રશ્યો, ફુલ-ઓન કોમેડી, આંખો પહોળી કરી દે તેવા ટવીસ્ટ તથા ભવ્ય ભૂતકાળનો અદભુત સંગમ એટલે ‘ધ લાસ્ટ જેડાઈ’!

ફિલ્મમાં લેઆ ઓર્ગાનાનું પાત્ર ભજવી રહેલી ઉત્કૃષ્ટ અભિનેત્રી કેરી ફિશર વર્સ: 2016માં મૃત્યુ પામી. તેમનાં કુલ 15 મિનિટનાં દ્રશ્યોમાંથી અમુક ભાગનું શુટિંગ જ થઈ શક્યું હતું. ‘ઈન્ડસ્ટ્રી લાઈટ એન્ડ મ્યુઝિક’ (આઈ.એલ.એમ)ની મદદથી કેરી ફિશરનાં શરીરનાં 5000 બોડી-પોઈન્ટ્સને કમ્પ્યુટર પર સ્કેન કરીને તેનાં થ્રી-ડી હોલોગ્રામ પાસે સમગ્ર અભિનય કરાવવામાં આવ્યો છે! (વિચાર કરો મિત્રો, જે વ્યક્તિ પૃથ્વી પર હાજર જ નથી તેને પણ ટેકનોલોજી વડે જીવિત રાખીને ફિલ્મમાં જબરદસ્ત અભિનય કરતી દેખાડવામાં આવી છે! છે ને કમાલ?)


 CGI  અને થ્રી-ડી ઈફેક્ટ થકી ‘લ્યુકાસ ફિલ્મ્સ’એ ’ધ લાસ્ટ જેડાઈ’ને એક અલગ સ્તર પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. વર્ષો પહેલા સ્ટાર વોર્સ ફિલ્મમાં ચમકેલા માર્ક હામિલનાં અભિનયમાં હજુ પણ કોઈ ફેરફાર નથી આવ્યો. લ્યુક સ્કાયવોકર તરીકે તેમણે ફિલ્મમાં જે પ્રકારે અભિનય કર્યો છે તે અત્યંત પ્રશંસનીય છે. દરેક કલાકારોએ પોતાનું પાત્ર નિભાવવા માટે જાન રેડી દીધી છે. R2D2નું પાત્ર ભજવનારને સો તોપની સલામ છે બાપલિયા! ‘રઝિસસ્ટન્ટ’ જૂથમાં ઉમેરાયેલા નવા પાત્રો એમિલી હોલ્ડો (લોરા ડર્ન) અને રોઝ ટિકો (કેલી મેરિ ટ્રાન)નો અભિનય પણ અફલાતુન છે. ફ્લફી પેંગ્વિન, પોર્ગ તથા ઘોડા જેવાં દેખાતાં પ્રાણીનાં પાત્રોએ ફિલ્મને પૂરતો હાસ્ય-રસ પૂરો પાડ્યો છે.જો તમે પહેલાની સાત ફિલ્મો ન જોઈ હોય તો પણ કોઈ વાંધો નહી. ધ ફોર્સ અવેક્ધસ (2015) જોઈને પછી આ ફિલ્મ જોશો તો ઘણું-ખરૂ (બધું તો નહી જ!) સમજાઈ જશે.
bhattparakh@yahoo.com

કેમ જોવી?: સ્ટાર વોર્સ સીરિઝનાં ચાહક હો તો (અને કદાચ ના હોય તો પણ)
કેમ ન જોવી?: સ્ટાર વોર્સના કિસ્સામાં આ પ્રશ્ર્ન ન પૂછવાનો હોય!

: ક્લાયમેક્સ:
સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટીઝર જોયું કે નહીં? હેટ્સ ઑફ્ફ ટુ ધ પર્ફોમન્સ ઑફ આલિયા ભટ્ટ!


Related News

Loading...
Advertisement