આવો, પ્રાચીન મંગળ પરંપરાઓને પુન: પ્રતિષ્ઠિત કરીએ

27 February 2021 10:47 AM
Dharmik
  • આવો, પ્રાચીન મંગળ પરંપરાઓને પુન: પ્રતિષ્ઠિત કરીએ

શાસ્ત્રો ફરમાવે છે કે સુખ ભોગવવાથી પાપ નથી લાગતું, પરંતુ સુખની ઇચ્છા માત્ર કરવાથી પાપની શરૂઆત થઇ જાય છે

અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માઓ ફરમાવે છે કે અજ્ઞાની વ્યક્તિ એક કરોડ પૂર્વવર્ષ એટલે કે એક પૂર્વ એટલે 70560 અબજ વર્ષ 1 કરોડ વર્ષ સુધી ક્રિયા કરીને જે કર્મ ખપાવે તે જ્ઞાની પુરુષો એક શ્ર્વાસોચ્છવાસમાં ખપાવે છે. એટલે પ્રત્યેક શબ્દ તોલીને બોલવો જોઈએ અને વિચારીને વાપરવો જોઈએ. નહીં તો અસંખ્ય અને અનંત ભવની વૃદ્ધિ "વિણ ખાધા વિણ ભોગવ્યા ન્યાયે થઈ જતી હોય છે.શાસ્ત્રો ફરમાવે છે કે, સુખ ભોગવવાથી પાપ નથી લાગતું પરંતુ સુખની ઈચ્છા માત્ર કરવાથી પાપની શરૂઆત થઈ જાય છે.

તેથી કોઈપણ સુખ ભોગવવા માટેનો અવસર આવવાનો હોય તો એડવાન્સમાં તેનું આયોજન કે તેની વિચારણા કરીને સુખના આનંદની પ્રાપ્તિમાં કેવો આનંદ આવશે તેવો વિચાર ન કરવો જોઈએ. દા. ત. બહારગામ ફરવા જવું છે, રાત્રિભોજન કરવું છે, પિક્ચર જોવા જવું છે. તો તેના આગોતરા વિચારો કરવાથી પાપ ત્યારથી જ શરૂ થઈ જતું હોય છે. અને ભોગવતી વખતે મન, વચન અને કાયાના યોગો ભેગા ન થવા દઈએ તો પાપની ઘનતા ઘણી ઓછી થઈ જતી હોય છે. ધર્મમાં મન, વચન, કાયાને એકાગ્ર કરીને પ્રવૃત્તિ કરવાની છે. તો કર્મક્ષય અઢળક થાય છે. અને સંસારમાં બીલકુલ વિરુદ્ધ મન ભળે તો વચનને ન ભળવા દેવું, વચન ભળે તો કાયાને ન ભળવા દેવી. તે પ્રમાણે ત્રણેય યોગને છૂટા રાખવાથી કર્મબંધ અલ્પ થઈ જતું હોય છે.


જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આપણને સોફ્ટ કોર્નર હોય તે વ્યક્તિ કે વસ્તુ દ્વારા જે કોઈ પાપ થાય તે બધું આપણને લાગી જતું હોય છે. એટલે મનને પ્રત્યેક સમયે ખૂબ કેળવવું પડતું હોય છે. આપણે બીનજરૂરી અવારનવાર એવા સ્ટેટમેન્ટ્સ આપતા હોઈએ છીએ જેમ કે, આ હાઈ-વે બહુ સારા થઈ ગયા જેથી સ્પીડમાં જઈ શકાય છે. આટલી અનુમોદના કરવા માત્રથી આખા વિશ્ર્વમાં જેટલો ડામર ગરમ થતો હોય તે બનાવવામાં જેટલી હિંસા થતી હોય તે બધી આપણને લાગી જતી હોય છે. જુહૂના દરિયા પર માત્ર એટલું બોલીએ કે પવન કેટલો સરસ ઠંડો છે અથવા તો આ સાગરના ઘુઘવવાનો અવાજ કેટલો કર્ણપ્રિય છે. તો અસંખ્ય વાઉકાયના અને અપકાય એટલે કે પાણીના જીવોની કતલ કરવાનું પાપ ન લેવાદેવા લાગી જતું હોય છે. કોઈ ઊંચું બિલ્ડિંગ જોઈએ કે સંસારની અનેકવિધ વસ્તુઓની આપણે અનુમોદના કરતા હોઈએ છીએ. જે જરૂરી નથી હોતી તેનું ભયંકર પાપ અસંખ્ય ભવો સુધી આપણને ભટકાવે છે.


બોલવામાં પણ આપણે જે શબ્દો બોલીએ છીએ તે હિત-મિત-પથ્યમ્-સત્યમ્ સ્વરૂપના હોવા જોઈએ. જેમ કે આપણે અવારનવાર ઓકે બોલીએ છીએ તેને બદલે ભલે શબ્દ વાપરવો જોઈએ. સવારમાં અનેક લોકોને બોલવા દ્વારા કે વોટ્સ એપથી ગુડ મોર્નિંગ કે શુભ સવારના સંદેશાઓ આપણે મોકલતા હોઈએ છીએ તેથી તે સામેવાળો દિવસ દરમ્યાન જેટલા પાપ કરે તે બધા આપણને લાગી જતા હોય છે. તેના બદલે વિમલશ્રી સુપ્રભાતમ્ તે શબ્દ વાપરવો જોઈએ. પેથડશાના પરીવારમાં વિમલશ્રી જ્યારે જિનમંદીરે જતા ત્યારે યાચકોને સવાશેર સોનાના સિક્કા દાનમાં આપતા હતા.

તે દાન એટલું પ્રિય થયું કે યાચકો કોઈપણ ક્ષેત્રમાં હોય તો બેસતા વર્ષે જેમ સબરસનો પોકાર કરીને આપણને મીઠાના ગાંગડા આપતા અને આપણે સામે શુકનનું દ્રવ્ય તેને આપતા. તેવીરીતે સવારમાં આપ કોઈને વિમલશ્રી સુપ્રભાતમ્ એ શબ્દ બોલો તો બોલનાર અને સાંભળનાર બંનેને ત્યાં મંગળ અને કલ્યાણ થાય છે.તે પ્રમાણે કોઈના લગ્નમાં જઈએ કે જન્મ દિવસે કે વ્યવહારકી અભ્યાસમાં ઉત્તિર્ણ થવાથી આપણે કોન્ગ્રેચ્યુલેશન્સ શબ્દથી તેનું અભિવાદન કરતા હોઈએ છીએ. અથવા તો બેસતા વર્ષે હેપ્પી ન્યુ યર કરતા હોઈએ છીએ. એટલે તે વ્યક્તિ વર્ષ દરમ્યાન જે કંઈ પાપ કરે, લગ્ન પછી જેટલા પાપો કરે કે વ્યવહારીક અભ્યાસ પછી જે કંઈ મન, વચન, કાયાના યોગથી કોઈપણ અશુભ પ્રવૃત્તિ કરે તે બધાનો દોષ આપણને લાગી જતો હોય છે.

તેને બદલે મંગલ કામના શબ્દ વાપરવો જોઈએ. જેથી તેની ઉપરોક્ત દરેક પ્રવૃત્તિ દ્વારા આખરે તેના આત્માનું કલ્યાણ થાય તેવો ભાવ મંગલ કામના શબ્દ દ્વારા વ્યક્ત થતો હોય છે. માટે એક નાનકડો સુધારો આપણને અનેક પાપોમાંથી બચાવી શકે છે.આજકાલ અંતિમ યાત્રામાં પણ જય જિનેન્દ્ર શબ્દ વાપરતા હોય છે. અથવા ઘણા તો ડેડબોડી સામે નવકાર કે મોટી શાંતિનો પાઠ કરતા હોય છે. તેનો આપણા આચાર્ય ભગવંતો સ્પષ્ટપણે નિષેધ કરે છે. એક વ્યક્તિ મૃત્યુ પામે પછી તેની આજુબાજુમાં નવકાર જેવા મહામંત્રો વગેરે મોટેથી બોલવાને બદલે મનમાં ગણવા જોઈએ અને અંતિમ યાત્રામાં જય જિનેન્દ્રને બદલે સંસાર અસાર હૈ ધર્મ હી સાર હૈ તેવા સ્લોગનો જીલાવવા જોઈએ.આવો ! આજથી જ અજમાવીએ અને પ્રાચીન પરંપરાઓને પુન: પ્રતિષ્ઠિત કરીએ.


Related News

Loading...
Advertisement