વોર્ડ નં.11માં કોર્પોરેટરો બદલાયા પણ પાણીના ધાંધીયા કયારે દૂર થશે? રાજદીપ સોસાયટીના બહેનો વેસ્ટ ઝોન કચેરીમાં દોડયા

26 February 2021 06:02 PM
Rajkot
  • વોર્ડ નં.11માં કોર્પોરેટરો બદલાયા પણ પાણીના ધાંધીયા કયારે દૂર થશે? રાજદીપ સોસાયટીના બહેનો વેસ્ટ ઝોન કચેરીમાં દોડયા
  • વોર્ડ નં.11માં કોર્પોરેટરો બદલાયા પણ પાણીના ધાંધીયા કયારે દૂર થશે? રાજદીપ સોસાયટીના બહેનો વેસ્ટ ઝોન કચેરીમાં દોડયા

વર્ષો જુનો પ્રશ્ન જેમનો તેમ : આજની રજૂઆતમાં ન કોંગ્રેસીઓ દેખાયા કે ન ભાજપના નવા નગરસેવકો નજરે પડયા!

રાજકોટ, તા. ર6
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને જનતાએ ભાજપને 7રમાંથી 68 બેઠક જેવી તોતીંગ બહુમતી આપીને કોંગ્રેસને લગભગ નિવૃત જેવી કરી નાંખી છે. પરંતુ ચૂંટણી જીત્યા એટલે પત્યું એવું માનીને ભાજપના કોર્પોરેટરો પણ બેસી શકે તેમ નથી. શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ધાંધીયા અને તકલીફના પ્રશ્ર્નો પાંચ વર્ષ પહેલા પણ હતા અને આજે પણ છે. તેનો દાખલો ફરી મવડી વિસ્તારમાંથી મળ્યો છે.

ન્યુ રાજકોટમાં જે વોર્ડ કોંગ્રેસનો હતો તે ગઢ તોડીને વોર્ડ નં.11માં ભાજપના તમામ કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા છે. આ વોર્ડની રાજદીપ સોસાયટીમાં પાણીના ધાંધીયા સામે આજે વિસ્તારના બહેનોએ કોર્પો.ની વેસ્ટ ઝોન કચેરીએ પહોંચીને કકળાટ ઠાલવતા અધિકારીઓને જવાબ દેવો ભારે પડયો હતો. તો આ રજુઆતમાં ભાજપ કે કોંગ્રેસના કોઇ આગેવાનો જોડાયા ન હોય, આ સમસ્યામાં રાજકારણ નહીં પરંતુ વાસ્તવિકતા જ છે તેવું લાગ્યુ હતું.

150 ફુટ રોડ વોર્ડ નં.11માં રાજદીપ સોસાયટી આવેલી છે. અહીં લાંબા સમયથી અપુરતા અને ધીમા દબાણે પાણી મળવાનો પ્રશ્ર્ન રહેલો છે. આજે સવારે વિસ્તારના બહેનો એકત્ર થઇને બીગ બાઝાર પાછળ આવેલી કોર્પો.ની વેસ્ટ ઝોન કચેરીએ પહોંચ્યા હતા. આ વિસ્તારમાં લાંબા સમયથી પુરતુ પાણી મળતુ ન હોવાની ફરીયાદ સાથે પ્રાંગણમાં બહેનો બેસી જતા અધિકારીઓને પણ દોડાદોડી થઇ ગઇ હતી.

નવાઇની વાત એ છે કે આવા ગંભીર પ્રશ્ર્ને રજુઆતમાં ચૂંટણી હારી ગયેલા કે જીતી ગયેલા કોઇ કોર્પોરેટરો ડોકાયા પણ ન હતા. આ પ્રશ્ર્નનો ઉકેલ કયારે આવશે તે કોઇ કહી શકયું ન હતું. હવે આ વોર્ડમાં કોંગ્રેસનું નહીં પરંતુ ભાજપનું શાસન છે. પરંતુ મતદારોને રાજકારણ સાથે મતલબ નથી. તેમનો પાણી પ્રશ્ન ઉકેલાય તેમાં જ રસ છે. મવડીના રાજદીપ સોસાયટી સહિતના અનેક વિસ્તારોમાં આ સમસ્યા જુની હોય, હવે તેનો ઉકેલ કયારે આવશે તે સવાલ કરવા બહેનો પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં ચૂંટણી જીતેલા ભાજપના ઉમેદવારોમાં ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, વિનુભાઇ સોરઠીયા, રણજીતભાઇ સાગઠીયા અને ચૂંટણી હારી ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરોમાં વસંતબેન માલવી, પારૂલબેન ડેર, પરેશભાઇ હરસોડા, સુરેશ બથવારનો સમાવેશ થાય છે. હવે મુળ પ્રશ્ર્નનો ઉકેલ કયારે આવે છે તે જ મુખ્ય બાબત બની ગઇ છે.


Related News

Loading...
Advertisement