S.T. બસ પોર્ટનાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીથી કનક રોડનાં વેપારીઓ ત્રસ્ત !

26 February 2021 05:58 PM
Rajkot
  • S.T. બસ પોર્ટનાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીથી કનક રોડનાં વેપારીઓ ત્રસ્ત !

એક સપ્તાહથી નવા બસ સ્ટેન્ડનાં યુરિનલ-ટોયેલેટનું ગંદુ પાણી રોડ ઉપર ઉભરાતા અનેક ધંધાર્થીઓ હેરાન-પરેશાન : એસ.ટી. સતાવાળાઓએ કોન્ટ્રાકટર પાસે તાકીદે રિપેરીંગ કામ શરૂ કરાવ્યુ

ગુજરાતને સતત વિકાસ તરફ દોરી જતા રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ તાજેતરમાં જ રાજકોટને એરપોર્ટ કક્ષાનાં અદ્યતન અને શાનદાર એવા એસ.ટી. બસ પોર્ટની ભેટ આપી છે. જો કે આ બસ પોર્ટનું સંચાલન કરતા કોન્ટ્રાકટરની બેદરકારીનાં કારણે આ નવા બસ સ્ટેન્ડ પાછળનાં વિસ્તારનાં વેપારીઓ છેલ્લા એક સપ્તાહથી અસહય સમસ્યા સાથે વેદના અનુભવી રહયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઢેબર રોડ ઉપર બનેલા નવા બસ પોર્ટનો પાછળનો વિસ્તાર કનક રોડનાં વેપારીઓ નવા બસ પોર્ટની વ્યવસ્થા સંભાળતા કોન્ટ્રાકટરનાં કારણે છેલ્લા એકા’દ સપ્તાહથી ભારે પીડા ભોગવી રહયા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે નવા બસ પોર્ટનો પાછળનો દરવાજો કનક રોડ ઉપર પડે છે. ઉપરાંત બસ પોર્ટનાં યુરિનલ અને ટોયલેટ પણ આ રોડનાં પાછળનાં ભાગે આવેલા છે. આ યુરિનલ અને ટોયલેટનાં ગંદા-ગંધાતા પાણીની કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી ઉભરાઇ રહી છે. અને આ દુર્ગંધયુકત પાણી છલકાઇને કનક રોડ ઉપર પ્રસરી રહયુ છે. આ ગંધાતા અને રોગચાળા તથા મચ્છર ઉત્પાદનને આમંત્રણ સમાન પાણીનાં ભરાવાથી કનક રોડ ઉપરનાં વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અને ભારે દેકારો બોલી ગયો છે. દરમ્યાન આ પ્રશ્ને એસ.ટી. સતાવાળાઓનું ધ્યાન દોરાતા સંબંધીત અધિકારીએ બસ સ્ટેન્ડની વ્યવસ્થા અને સંચાલન સંભાળતા કોન્ટ્રાકટરને આજે તાકીદે નોટીસ ફટકારી આ પ્રશ્ન હલ કરવા સુચના આપતા કોન્ટ્રાકટરને આજથી જ જે યુરિનલ-ટોયલેટની ટાંકીઓ લિકેજ છે. ત્યાં રિપેરીંગનું કામ શરૂ કરાવી દીધુ છે અને આ કામ બે દિવસમાં પૂર્ણ કરી લેવાશે. તેવું રાજકોટ ડેપો મેનેજર નિશાંત વરમોરા એ જણાવેલ હતું.


Related News

Loading...
Advertisement