મ્યુનિ. કોર્પોરેશનમાં ફરી મોટા વાવાઝોડાની જેમ ભાજપનું શાસન આવ્યું છે. જનતાએ ખોબલે-ખોબલે મત આપતા 68 બેઠક સાથે ફરી સત્તા મળી છે. પરંતુ આ વખતે ખુરશી પર બેસનારા મોટા ભાગના ચહેરા નવા અથવા બે્રક બાદ ફરી ચૂંટણી લડનારા છે. લગભગ દોઢ-બે દાયકાથી કોર્પોરેશનમાં તમામ પ્રકારની જવાબદારી ઉપાડનાર અને બધો વહીવટ કરનાર સીનીયરોની પેઢી મોટા ભાગે નિવૃત થઇ છે. પરંતુ લોકોએ ચહેરો નહીં પણ કમળ જોઇને મત આપ્યાનું કોંગ્રેસને માત્ર મળેલી ચાર બેઠક પરથી લાગ્યું છે. હવે સંભવત: અઠવાડિયા બાદ નવા પદાધિકારીઓ અને કોર્પોરેટરો પદગ્રહણ કરવાના છે તે પૂર્વે ઘણા દિવસોથી મનપાની શાસક પાંખમાં કોર્પોરેટ રીનોવેશન લાખોના ખર્ચે ચાલી રહ્યું છે. ગ્રાઉન્ડ ફલોરથી પ્રથમ માળ સુધી લોબી, કચેરીઓ કંપની જેવા લુકમાં આવી ગઇ છે. નવી પેઢીના કોર્પોરેટરોનું કોર્પોરેટ સ્વાગત થવાનું છે. પરંતુ જયાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓ બેસે છે તેમની બારીમાંથી પણ દેખાઇ શકે તે રીતે આવેલા સીવીક સેન્ટરમાં રોજ લાગતી અરજદારોની લાઇન કયારેય ઓછી થઇ નથી. કોરોના કાળમાં પણ અનિવાર્ય કામ માટે નાગરિકોએ લાઇનમાં બેસીને જન્મ-મરણના દાખલા લેવા પડે છે. ઇ-ગવર્નન્સની વાતો કરતા તંત્રવાહકોની નજર સામે જ આધાર કેન્દ્રોમાં લાઇન લાગે છે. પરંતુ હાલ કોરોનાના નામે કામ ઘટાડી દેવામાં આવ્યું છે. જયાં સુધી કરદાતાએ રૂપિયા ભરવા લાઇનમાં ઉભુ રહેવું પડે ત્યાં સુધી સિસ્ટમ સફળ ન ગણાય તેવું એક પૂર્વ કમિશ્નર કહેતા ગયા છે. નવા પદાધિકારીઓ તો નવી ટીમ સાથે વૈભવી ઓફિસમાં બેસવાના છે, પરંતુ આ અરજદારોની લાઇન હળવી થાય અને કોઇનો સમય બગાડયા વગર ખુબ અનિવાર્ય એવા દાખલાની કામગીરીમાંથી હેરાનગતિનો ત્રાસ દુર થાય તો કંઇક અંશે ખોબલે-ખોબલે અપાયેલા મતનું વળતર મળ્યાનો સંતોષ નાગરિકોને થશે. ઉપરની તસ્વીરોમાં એક તરફ નાગરિક સુવિધા કેન્દ્રમાં પગથિયા પાસે લાઇનમાં બેઠેલા અરજદારો અને બાજુમાં નવા લુક સાથેનું શાસકોનું બિલ્ડીંગ જોવા મળે છે. નવા પદાધિકારીઓ પાસે નાગરિકોની આવી ઘણી અપેક્ષા રહેવાની છે.