મહાપાલિકાને ટ્રાફિક સમસ્યા વકરે તેમાં જ રસ !: સિવિલનો વધુ એક રસ્તો બંધ કરી દેવાયો

26 February 2021 05:51 PM
Rajkot
  • મહાપાલિકાને ટ્રાફિક સમસ્યા વકરે તેમાં જ રસ !: સિવિલનો વધુ એક રસ્તો બંધ કરી દેવાયો
  • મહાપાલિકાને ટ્રાફિક સમસ્યા વકરે તેમાં જ રસ !: સિવિલનો વધુ એક રસ્તો બંધ કરી દેવાયો
  • મહાપાલિકાને ટ્રાફિક સમસ્યા વકરે તેમાં જ રસ !: સિવિલનો વધુ એક રસ્તો બંધ કરી દેવાયો

સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ સહિતના લોકો મુખ્ય ગેઈટ પર ટ્રાફિકજામથી બચવા પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવેલા ‘બાકોરા’માંથી પસાર થતાં’તા જે મનપાને ન ગમ્યું: રાતોરાત ભંગાર ગોઠવીને રસ્તો બંધ કરી દેતાં જબરો કચવાટ:મેડિકલ કોલેજ પાસેનો ગેઈટ પણ બંધ હોવાથી હવે સિવિલમાં જવા માટે લોકોએ ‘અભિમન્યુના સાત કોઠા વિંધવા’ પડશે

રાજકોટ, તા.26
રાજકોટમાં અત્યારે ઘર એટલા નહીં પરંતુ વ્યક્તિ એટલા વાહનો થઈ જતાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. બીજી બાજુ શહેરમાં અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજના કામ પણ ચાલી રહ્યા હોવાથી સમસ્યામાં તગડો વધારો પણ થઈ રહ્યો છે. જ્યારથી હોસ્પિટલ ચોક પાસે બ્રિજનું કામ શરૂ કરવાથી આવ્યું છે ત્યારથી ટ્રાફિક સમસ્યાએ રીતસરની માજા મુકી હોય તેવી રીતે દરરોજ સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેઈટ પાસે વાહનોના થપ્પા જ આખો દિવસ લાગેલા જોવા મળે છે.

આ બધાની વચ્ચે કલેક્ટર કચેરીની સામેના ભાગે આવેલી જૂન ક્રાઈમ બ્રાન્ચ કચેરીની અંદર ઉભી કરવામાં આવેલી દિવાલમાં લોકોએ બાકોરું પાડીને ત્યાંથી હોસ્પિટલમાં જવાનો માર્ગ બનાવ્યો હોવાથી તે તંત્રના ધ્યાન પર આવી જતાં આજે તેને પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ટ્રાફિક સમસ્યાને વકરવા માટે મોકળું મેદાન મળી ગયું છે.સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની નજીક એક દિવાલ ઉભી કરવામાં આવી હતી પરંતુ લોકોએ દિવાલમાં બાકોરું પાડીને ત્યાંથી વાહનની અવર-જવર શરૂ કરી હતી. આ બાકોરામાંથી પસાર થઈને લોકો સિવિલમાંથી જૂની ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાંથી પસાર થઈને સીધા કલેક્ટર કચેરી પાસે આવેલા માર્ગ પર નીકળતાં હોય

છેલ્લા ઘણા સમયથી સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફ સહિતના લોકો પણ આ બાકોરાનો જ ઉપયોગ કરતા હતા. જો કે અચાનક જ આજે વહેલી સવારથી કોઈએ બાકોરા પાસે ભંગાર ગોઠવીને આડશ ઉભી કરી દેતાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકો ચોંકી ઉઠ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલમાં જવા માટે મેડિકલ કોલેજ સામેનો ગેઈટ અને મુખ્ય ગેઈટ એમ બે રસ્તા છે. જો કે જ્યારથી બ્રિજનું કામ શરૂ થયું છે ત્યારથી મેડિકલ કોલેજનો ગેઈટ બંધ કરી દેવાયો છે જેથી હોસ્પિટલમાં જવા માટે એક જ ગેઈટ હોય છે પરંતુ ત્યાં જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાય છે તે જોઈને લોકો ત્યાંથી પસાર થવાનું જ ટાળે છે. જો કે દર્દી અને તેના પરિવારજને ‘અભિમન્યુના સાત કોઠા વિંધીને’ હોસ્પિટલમાં પ્રવેશ કરવો પડી રહ્યો છે.


Related News

Loading...
Advertisement