સાસરીયાના ત્રાસથી વિપ્ર પરીણિતાએ કરેલા આપઘાત પ્રકરણમાં સાસુ - સસરાના આગોતરા જામીન મંજુર

26 February 2021 05:48 PM
Rajkot Crime
  • સાસરીયાના ત્રાસથી વિપ્ર પરીણિતાએ કરેલા આપઘાત પ્રકરણમાં સાસુ - સસરાના આગોતરા જામીન મંજુર

ઘરકંકાસથી કંટાળી પરીણિતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ફરીયાદ નોંધાઈ’તી : આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કોઈ કેસ પોલીસ બતાવી શકેલ ન હોવાની એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો માન્ય

રાજકોટ, તા.26
રાજકોટના રૈયા રોડ પર ચંદન પાર્કમાં રહેતા આરબીએલ બેંકના મેનેજર હિતેષ તેરૈયા સાથેના ઘરકંકાસથી ત્રાસી પત્ની નીલાબેને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા નોંધાયેલી ફરીયાદમાં સાસુ - સસરાના આગોતરા જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

વિસ્તૃત વિગત મુજબ ગત તા.07/11/2020 ના રોજ ચંદનપાર્ક મેઈન રોડ, રૈયા રોડ પર રહેતા અને આરબીએલ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હિતેષ તેરૈયાના પત્ની નીલાબેન તરૈયાએ પોતાના સાસરે પંખે લટકી જઈ આપધાત કર્યો હતો. જે અંગે મૃતકના ભાઈ ધર્મેશભાઈ દિનેશભાઈ જોષી (રહે. ભાયાવદર)એ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકે નીલાબેનના પતિ હિતેષભાઈ, સસરા મોહનભાઈ નાનજીભાઈ તેરૈયા, સાસુ અનસુયાબેન સામે ફરીયાદ કરી હતી.

ફરીયાદમાં એવા આક્ષેપો કર્યા કે, આરોપીઓએ તેમની બહેન નીલાને ખુબ જ શારીરીક, માનસીક ત્રાસ આપ્યો છે, તેમજ મેણાટોણા માર્યા છે, પતિ હિતેષભાઈને દારૂ પીવાની ટેવ હોય તેમજ પરસ્ત્રી સાથે અફેર હોવાથી સાસુ - સસરા શારીરીક માનસીક દુ:ખત્રાસ આપતા હતા. જેથી કંટાળી નીલાબેનને આત્મહત્યા કરવી પડે તેવા અસહય સંજોગો ઉભા કરતા નીલાબેને પંખા સાથે દુપટેથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેમાં તમામ આરોપીઓએ ગુજરનારને શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી આપધાત કરવા માટેનું દુષ્પ્રેરણા કરી એકબીજાને મદદગારી કરી હતી.

ફરીયાદ થતા ધરપકડ સામે રક્ષણ મેળવવા માટે સાસુ અનસુયાબેન તથા સસરા મોહનભાઈએ તેના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સેશન્સ કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આરોપીઓની જામીન અરજી સુનાવણીર્થે આવતા અરોપી પક્ષે એવી દલીલો કરાઈ કે, મૃતકના અણધાર્યા પગલાથી ખુદ આરોપીઓ વ્યથીત છે અને તેની પાછળનું કારણ જાણવા મથામણ કરી કરી રહયાં છે

ત્યારે તેના પુત્રના સાળાએ પૈસા પડાવવાના હેતુથી મનઘડત આક્ષેપો ઉભા કરી ખોટી ફરીયાદ દાખલ કરી છે. સમગ્ર ફરીયાદ જોતા બનાવના દિવસે સવારના સમયે પુત્રવધુને તેમના પૌત્રના અભ્યાસ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી પરંતુ તેનાથી આરોપીઓએ તેની પુત્રવધુને જીવન ટુંકાવવા માટે કોઈ દુષ્પ્રેરણા આપી હોય તેવું માની શકાય નહીં, તેમ જણાવી દુપ્રેરણના ગુન્હા માટે જરૂરી તત્વો સંદર્ભે સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાઓ રજુ કર્યા હતા અને ફરીયાદીએ કરેલા મનઘડત આક્ષેપોનું ખંડન પૂરાવા સાથે કરી આરોપીઓને આગોતરા જામીન આપવા વિસ્તૃત દલીલો કરી હતી.

સામા પક્ષે સરકારી વકિલે દલીલો કરી હતી કે, આરોપી સાસરીયાઓના અસહ્ય દુ:ખત્રાસ તથા મેણાટોણાના કારણે એક સ્ત્રીનો જીવ ગયો છે, તેમજ ગુન્હો ગંભીર પ્રકારનો છે ત્યારે આગોતરા જામીન ન આપવા દલીલો કરી હતી. બન્ને પક્ષોની દલીલોના અંતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી સાસુ - સસરા તરફે દલીલો માન્ય રાખી, સાસુ અનસુયાબેન તેરૈયા તથા સસરા મોહનભાઈ તેરૈયાને પરવાનગી વિના ભારત દેશ ન છોડવાની શરતે જામીન મુકત કરવા આદેશ કર્યો હતો. આરોપીઓ વતી જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement