હાશ ! સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં એક્સ-રે મશીન શરૂ કરાયું

26 February 2021 05:46 PM
Rajkot
  • હાશ ! સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં એક્સ-રે મશીન શરૂ કરાયું

જો કે ‘પોર્ટેબલ’ મશીન હોવાથી માત્ર સ્ટ્રેચર પર રહેલા દર્દીનો એક્સ-રે જ કઢાશે બાકીનાને ટ્રોમા સેન્ટર અને પોલીસ ચોકીની બાજુમાં આવેલા વિભાગમાં એક્સ-રે માટે મોકલાશે:હજુ અમદાવાદથી એન્જિનિયરે કોટેશન મોકલ્યું ન હોવાથી તે આવી ગયા બાદ ખર્ચ વધુ જણાશે તો રિપેર નહીં કરાવાય, નવું મશીન મુકાશે

રાજકોટ, તા.26
સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા ત્રણેક દિવસથી એક્સ-રે મશીન બંધ પડી ગયું હોવાથી દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના ‘આળસું’ તંત્રએ સફાળું જાગી જઈને ઓર્થોપેડિક વિભાગમાં પોર્ટેબલ એક્સ-રે મશીન મુકી દીધું છે. જો કે આ મશીનની કામ કરવાની ક્ષમતા પણ બહુ ઓછી હોવાથી ત્યાં માત્ર સ્ટ્રેચર પર આવેલા દર્દીનો જ એક્સ-રે કાઢી આપવામાં આવશે.


આ અંગે હોસ્પિટલના વર્તુળોએ જણાવ્યું હતું કે જે મશીન બગડી ગયું છે તેને રિપેરિંગ કરાવવા માટે અમદાવાદના એન્જિનિયર પાસેથી ખર્ચનું કોટેશન મંગાવવામાં આવ્યું છે પરંતુ તે હજુ સુધી આવ્યું નથી પરંતુ દર્દીઓમાં હોબાળો મચી જતાં હોસ્પિટલ દ્વારા ઓર્થો.વિભાગમાં તુરંત એક પોર્ટેબલ મશીન મુકાયું છે. આ મશીનમાં અત્યારે ચાલી ન શકતાં દર્દીઓનો એક્સ-રે જ કાઢવામાં આવશે જ્યારે બાકીના દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં આવેલા ડિઝિટલ એક્સ-રે રૂમમાં મોકલવામાં આવે છે

અને જો ત્યાં ગીર્દી વધુ થઈ જાય તો પોલીસ ચોકીની બાજુમાં આવેલા 21 નંબરના રૂમમાં કાર્યરત એક્સ-રે વિભાગમાં દર્દીઓને મોકલવામાં આવી રહ્યા છે. ઓર્થોપેડિક વિભાગના મશીન રિપેરિંગનું કોટેશન સાંજ સુધીમાં આવી ગયા બાદ જો તેના રિપેરિંગનો ખર્ચ વધુ જણાશે તો તેને રિપેર કરાવવામાં નહીં આવે અને ત્યાં કોરોના વિભાગમાં પડેલું નવું નક્કોર એક્સ-રે મશીન મુકવામાં આવશે. જો કે આ બધી પ્રક્રિયા પાછળ એક સપ્તાહ જેટલો સમય લાગી જાય તેમ હોવાથી ત્યાં સુધી ટ્રોમા સેન્ટર અને પોલીસ ચોકીની બાજુમાં આવેલા એક્સ-રે વિભાગમાં દર્દીઓને મોકલવામાં વ્યવસ્થા ચાલું રખાશે.


Related News

Loading...
Advertisement