ખૂની હૂમલો કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

26 February 2021 05:45 PM
Rajkot
  • ખૂની હૂમલો કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

રાજકોટ તા.26
જસદણનાં પ્રતાપપુર (નવાગામ)માં મજૂરી અર્થે આવેલા પરપ્રાંતિય યુવાને ઉછીના આપેલા રૂા.2 હજારની માંગણી કરતા બે શખ્સોએ જીવલેણ હૂમલો કર્યો હતો. ખૂની હૂમલાના ગુનામાં એક આરોપીની જામીન અરજી કોર્ટે મંજૂર કરી છે. આ કેસની વિગત મુજબ જસદણ તાલુકાના પ્રતાપપુર (નવાગામ)માં જીતુભાઇ લક્ષમણભાઇ પારખીયાની વાડીએ મજૂરી કામ કરતા મઘ્યપ્રદેશના ગ્યાનસિંગ દેસલભાઇ બગેલે મઘ્યપ્રદેશના વતની અને પ્રતાપપુરમાં મજૂરી કામ કરતા મુકેશ રામસીંગ બાંભણીયાને બે વર્ષ પૂર્વે રૂા.2 હજાર ઉછીના આપ્યા હતાં. જે રૂપિયાની ઉઘરાણી કર્યાનો ખાર રાખી મુકેશ બાંભણીયા અને નિલેશ શંકર દાવરે ગ્યાનસીંગ બગેલ ઉપર દાતરડાથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનની પત્ની કરમબેન બગલે આટકોટ પોલીસ સ્ટેશનમાં ખૂની હૂમલાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં. બંને આરોપી પૈકી આરોપી મુકેશ બાંભણીયાએ જામીન મુકત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટે આરોપીને રૂા.20 હજારના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રણજીત મકવાણા, પંકજ મકવાણા, રાજુ વાળા, ધર્મેશ સેદાણી અને નિલેશ વસાણી રોકાયા હતાં.


Related News

Loading...
Advertisement