વેવાઇનો ફોન આવ્યો, ‘જૂઓ તો જમાઇ શું કરે છે’, માતાએ ઉપરના રૂમમાં જઇ જોયુ તો પુત્ર બેભાન પડયો’તો

26 February 2021 05:43 PM
Rajkot Crime
  • વેવાઇનો ફોન આવ્યો, ‘જૂઓ તો જમાઇ શું કરે છે’, માતાએ ઉપરના રૂમમાં જઇ જોયુ તો પુત્ર બેભાન પડયો’તો

દૂધની ડેરી વિસ્તારની ઘટના : પત્ની 8 માસથી રીસામણે હોવાથી અનવર ઠેબાએ ફીનાઇલ ગટગટાવી લીધું’તું : માતાએ બુમાબુમ કરતા પાડોશી ભેગા થયા અને રૂમનો દરવાજો તોડી અનવરને બહાર કાઢી સિવિલ હોસ્પિટલે ખસેડયો

રાજકોટ તા.26 : ઘર કંકાસના કારણે આપઘાત પ્રયાસના બનાવો વધી રહયા છે ત્યારે શહેરના દુધની ડેરી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એક યુવાને એસીડ ગટગટાવી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્ની રીસામણે હોવાથી આ પગલુ ભર્યુ હોવાનું પ્રાથમિક તારણ છે. વિસ્તૃત વિગત મુજબ દુધની ડેરી વિસ્તારમાં આવેલા ગામેતી હોલ પાસે રહેતા અને ડ્રાઇવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવતા અનવર સુલેમાનભાઇ ઠેબા (ઉ.વ. 35) ગઇકાલે સાંજે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલ ગટગટાવી લીધુ હતુ. જેથી તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. અનવરના માતા અમીનાબેને જણાવ્યું હતુ કે તેમને સંતાનમાં એક માત્ર પુત્ર અનવર છે. લગ્ન બાદ તે તેના પત્ની સાથે ઘરના ઉપરના માળે આવેલા મકાનમાં અલગ રહે છે. અનવરને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. છેલ્લા 8 મહીનાથી અનવરના પત્ની માવતરે રીસામણે ચાલ્યા ગયા છે. ગઇકાલે રાત્રે આઠેક વાગ્યે અમીનાબેનના ફોન પર અનવરના સસરાનો ફોન આવ્યો કે જૂઓ તો અનવર શું કરે છે ? અમીનાબેન તુરંત ઉપરના માળે ગયા અને રુમનો દરવાજો ખખડાવ્યો પણ અનવરે કોઇ પ્રતિસાદ ન આપ્યો કે દરવાજો ખોલ્યો પણ નહીં. બારીમાંથી જોતા અનવર રુમમાં બેભાન પડયો હતો જે જોઇ માતા અમીનાબેને બુમાબુમ કરી હતી. અવાજ સાંભળી આસપાસ રહેતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને રુમનો દરવાજો તોડી રુમમાં પ્રવેશ્યા હતા. અનવર બેભાન હોવાથી તુરંત 108 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સ મારફત અનવરને સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો. બનાવના પગલે થોરાળા પોલીસનો સ્ટાફ હોસ્પીટલે પહોંચ્યો હતો અને હોશમાં આવેલા અનવરનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. અનવરે ફીનાઇલ પીધા પહેલા ફોન પર તેમની પત્ની સાથે વાત કરી હતી. જેમાં કોઇ વાતે બોલાચાલી થઇ હોય અને અનવરે આ પગલુ ભર્યું હોય તેવું પોલીસનું અનુમાન છે.


Related News

Loading...
Advertisement