‘સાઈકલ ડે’; મોંઘા ઇંધણ-પર્યાવરણ બચાવવામાં નવા કોર્પોરેટરોને રસ પડશે?

26 February 2021 05:40 PM
Rajkot
  • ‘સાઈકલ ડે’; મોંઘા ઇંધણ-પર્યાવરણ બચાવવામાં નવા કોર્પોરેટરોને રસ પડશે?

સતત 21માં દિવસે કમિશ્નરની સાઈકલ સવારી : સંભવિત પદાધિકારીઓએ દાખલો બેસાડવાની જરૂર..:યુવા નગરસેવકો પાસે કાળઝાળ મોંઘવારીમાં પીડાતા મતદારોને અપેક્ષા : કોઇ નેતા-કોર્પોરેટરોએ સાઈકલ સબસીડીનો લાભ લીધો? માત્ર વાતોથી ગ્રીન સીટી નહીં બને

રાજકોટ, તા. 26
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં પાંચ મહિના કરતા વધુ સમયથી ‘સાયકલ ડે’ની ઉજવણી ચાલી રહી છે અને દર શુક્રવારે અચુક સાયકલ લઇને કચેરીએ જઇ, પર્યાવરણ રક્ષા, ગ્રીન સીટી અને મોંઘા ઇંધણની બચતનો સંદેશો આપવામાં કમિશ્નર ઉદિત અગ્રવાલ આગળ રહ્યા છે. કોઇને કોઇ કારણથી અમુક અધિકારીઓ કયારેક સાયકલ પર, પગપાળા આવે છે. પરંતુ આ સ્વૈચ્છિક છતાં પુરા શહેરમાં પર્યાવરણનું રક્ષણ કરી શકે તેવી મહત્વની બાબતમાં આજ સુધીમાં કયારેય ચૂંટાયેલા કોઇ પ્રતિનિધિ જોડાયા નથી તે હકીકત છે.


આજે પણ સતત ર1માં શુક્રવારે કમિશ્નર તથા અન્ય અધિકારીઓ સાયકલ પર ઓફિસે આવ્યા હતા. હવે આ વખતની ચૂંટણીમાં લોકોએ ભાજપને માંગ્યા કરતા વધુ પ્રેમ આપ્યો છે અને નવી યુવા પેઢીને પણ ચૂંટી કાઢી છે. ગ્રીન સીટીની કાયમ વાતો મનપામાં ચાલી છે, પરંતુ ગ્રીન બિલ્ડીંગ પણ સંપૂર્ણપણે બની શકયુ નથી ત્યારે નવા કોર્પોરેટરો અને નવા યુવા પદાધિકારીઓ રાજકોટની પ્રજાને સાયકલ ડેનો મેસેજ આપવા સપ્તાહમાં એક દિવસ અથવા ઇચ્છા હોય તો વધુ દિવસ સાયકલ પર આવશે તે પણ પ્રાસંગિક સવાલ બન્યો છે.


ભાજપમાંથી આ વખતે મોટા ભાગના સીનીયર ચૂંટણી લડયા ન હતા. નવી ટર્મમાં યુવા કોર્પોરેટરોની સંખ્યા વધુ છે. છતાં હેલ્થ અને ફિટનેસ માટે પણ તેઓએ જવાબદારી અદા કરીને યોગદાન આપવાના છે. હાલ છેલ્લા સમયમાં સાયકલને સરકાર અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ખુબ મહત્વ આપે છે. કોરોના કાળમાં તો સાયકલ ઇમ્યુનિટી વધારી શકે તે વાત પણ સ્વીકારવામાં આવી છે. આજથી ર1 શુક્રવાર પૂર્વે કમિશ્નર ઉદિત અગ્રવાલની આગેવાનીમાં આ સાયકલ ફ્રાઇ ડે શરૂ થયો હતો. પરંતુ ધીમે ધીમે તેમના સાથીદારોની સંખ્યા ઘટતી રહી છે.

આ ખોટ હવે નવા કોર્પોરેટરો પુરી કરી શકે તેમ છે.
કોર્પો.માં ફુલ એસી, કોર્પોરેટ લાઇટીંગ સહિતની સુવિધા તો ચૂંટાયેલા લોકોને પ્રજાના ખર્ચે મળવાની છે. પરંતુ રાજકોટમાં પ્રદુષણનો પ્રશ્ર્ન હળવો થાય, પર્યાવરણની રક્ષા થાય, ફીટ ઇન્ડિયા હિટ ઇન્ડિયાનો વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો સંદેશો વધુ ફેલાઇ તે માટે કમ સે કમ સપ્તાહમાં એક વખત સાયકલ પર આવવાની નૈતિકતા દેખાડવી પડશે. તેના વિકલ્પમાં કમ સે કમ એક દિવસ ધુમાડો બંધ રાખીને સીટી બસમાં પણ કોર્પોરેટરો આવી શકે છે. ઘણા કર્મચારી શુક્રવારે ચાલીને પણ આવે છે. શહેરી પરિવહનમાં મેટ્રો ટ્રેન સહિતની વાતો થવા લાગી છે ત્યારે કોર્પોરેટરો કયારેય બસમાં બેઠા છે તે કોઇ જાણતું નથી.


ગત વર્ષથી મેઇક ઇન ઇન્ડિયા સાયકલની ખરીદી પર મનપા રૂા.એક હજારની સબસીડી આપે છે. આ યોજનાને સારો એવો પ્રતિસાદ પણ મળ્યો છે. પરંતુ કોઇ કોર્પોરેટર, નેતાએ આ યોજનાનો લાભ લીધાનું કોઇના ધ્યાનમાં નથી. ઘણાના ઘરે સાયકલ હશે પરંતુ લોકોને મેસેજ મળી શકે તે રીતે નગરસેવકો કયારેય કચેરીએ આવતા નથી. મહિલા કોર્પોરેટરો સીટી બસનો ઉપયોગ કરી શકે છે. જોકે મનપા જગ્યા જ એવી છે કે મોટા ભાગનાને સાયકલ, સ્કુટર તો ઠીક થોડા સમય બાદ મોટર વગર ફાવતું નથી. આથી લોકોને શિખામણ આપીને પર્યાવરણનો પ્રશ્ર્ન ઉકેલાવાનો નથી. ભાજપની નવી પેઢી પાસે મતદારોને આવી ઘણી હાઇજેનિક અપેક્ષા રહેલી છે તે ખુરશી પર બેસતા પહેલા નવા કોર્પોરેટરોએ સમજવું પડશે. આજે કમિશ્નર સાથે સાયકલ સવારીમાં ડે.કમિશ્નર સિંહ, નંદાણી, આસી. કમિશ્નર ચુડાસમા, કાથરોટીયા વગેરે જોડાયા હતા.મહાપાલિકામાં હવે સાયકલ પર આવતા અધિકારીઓની સંખ્યા ઓછી થઇ રહી છે. એકમાત્ર કમિશ્નર સતત પાંચ મહિનાથી નિયમિત સાયકલ ડે મનાવે છે.


Related News

Loading...
Advertisement