પ્રાઉડ ઓફ યુ: રાજકોટના બે યુવકોની ભારતીય વાયુસેનામાં પસંદગી

26 February 2021 05:19 PM
Rajkot
  • પ્રાઉડ ઓફ યુ: રાજકોટના બે યુવકોની ભારતીય વાયુસેનામાં પસંદગી

‘કૌન કહતા હૈ, આસમાં મેં સુરાખ નહીં હો સકતા, તબિયત સે પથ્થર તો ઉછાલોં યારોં’:વર્ષોથી રાજકોટમાં ઘર ભાડે રાખીને રહેતાં હર્ષ મકવાણા ઉપરાંત કૃપાલ કણસાગરાએ ‘સામા પૂરે તરીને’ મેળવી સફળતા: આવતાં મહિને ટ્રેનિંગ માટે નલિયા જશે:ફિઝિકલ, ગ્રુપ ડિસ્ક્શન, એબિલિટી સહિતની ત્રણ કપરી ટેસ્ટ પાસ કરીને હાંસલ કર્યો મુકામ

રાજકોટ, તા.26
‘કૌન કહતા હૈ, આસમાં મેં સુરાખ નહીં હો સકતા, તબિયત સે પથ્થર તો ઉછાલોં યારોં’ અર્થાત્ જો દૃઢ નિશ્ર્ચય હોય તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ સફળતા હાંસલ કરી જ શકાય છે, કરી જ શકાય છે અને કરી જ શકાય છે...આ પંક્તિને રાજકોટના બે નવલોહિયા યુવકોએ સાર્થક કરી બતાવી છે. શહેરના હર્ષ પરેશભાઈ મકવાણા (ઉ.વ.19) અને કૃપાલ પ્રકાશભાઈ કણસાગરા (ઉ.વ.21) નામના યુવકોની પસંદગી ભારતીય વાયુસેનામાં થઈ છે. આ બન્ને યુવકોએ ‘સામા પૂરે તરીને’ને સફળતા હાંસલ કરી બતાવી છે અને હવે ટૂંક સમયમાં દેશની સેવા માટે કાર્યરત બની જશે.


આ અંગે હર્ષ મકવાણાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં વડોદરામાં વાયુ સેનાના અલગ-અલગ ગ્રુપમાં સામેલ થવા ઓલ ગુજરાત ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં અને કૃપાલે ગ્રુપ ‘વાય’ કે જે નોન ટેક્નીશ્યન કેટેગરી ગણાય છે તેના માટે ફોર્મ ભર્યું હતું. આ પછી મેરિટ બહાર પડ્યું હતું અને તેમાં અમે પાસ થયા હતા જેથી 4 ઓક્ટોબરે અમારી ફિઝીકલ, ગ્રુપ ડિસ્ક્શન અને એબીલિટી સહિતની ત્રણ ટેસ્ટ લેવામાં આવી હતી.

આ ત્રણેય ટેસ્ટ અમે જોમપૂર્વક આપી હોવાથી પાસ થઈ જવાનો અમને પૂરો વિશ્ર્વાસ હતો. આ પછી અમારું મેડિકલ કરવામાં આવ્યું હતું જેના માટે અમે મુંબઈ ગયા હતા અને ત્યાં પણ અમારા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર થવામાં આવ્યું હતું અને તેમાં બન્ને ખરા ઉતરતાં અમને કોલ લેટર મળી ગયો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા બાદ હવે અમે આવતાં મહિનાથી નલિયા ખાતે ટ્રેનિંગ માટે જશું. જો કે તે પહેલાં 9મી માર્ચે ફરી એક વખત અમારું મેડિકલ થશે અને ત્યારપછી નલિયામાં છ મહિના સુધી તાલીમ અપાશે ત્યારબાદ અમને પોસ્ટીંગ આપવામાં આવશે.


શહેરની એચ.એન.શુક્લા કોલેજમાં અભ્યાસ કરતાં હર્ષે જણાવ્યું હતું કે તે 2018થી એચ.એન.શુક્લા કોલેજમાં સામેલ થયો હતો અને અહીં જોડાતાંની સાથે જ તેણે બે વર્ષ સુધી એનસીસીની સખત તાલીમ પણ મેળવી હતી. અહીં તેને કોલેજના એનસીસી ઓફિસર નિમેષ બી.ભાલોડિયા દ્વારા વિવિધ તાલીમ આપવામાં આવી હતી. દેશ સેવામાં ફરજ મળવા બદલ કોલેજના ટ્રસ્ટી અને વોર્ડ નં.7ના ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લ ઉપરાંત મેહુલભાઈ રૂપાણી, સંજયભાઈ સહિતનાએ હર્ષને શુભકામના આપી હતી.

6.50 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરી
હર્ષ મકવાણાએ કહ્યું કે ફિઝિકલ ટેસ્ટમાં તેણે 6.50 મિનિટમાં 1600 મીટર દોડ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે સમયસર પૂર્ણ કરી લીધી હતી. તેણે કહ્યું તે કે સેનામાં ભરતી થવા માટે 5.50 મિનિટમાં 1600 મીટરનું અંતર પૂર્ણ કરવાનું હોય છે જ્યારે વાયુસેનામાં ભરતી થવા માટેની દોડમાં એક મિનિટનો સમય વધુ મળે છે. જો કે દોડ માટે એક એક સેક્ધડ મહત્ત્વની હોય અમે તેના માટે ઘણી પ્રેક્ટિસ પણ કરી હતી.

હર્ષના પિતા ઈલેક્ટ્રિશ્યન, દરરોજ મોરબી અપ-ડાઉન કરે છે
વાયુસેનામાં પસંદગી પામનાર હર્ષ મકવાણાએ જણાવ્યું હતું કે તેના પિતા ઈલેક્ટ્રિશ્યનનું કામ કરે છે અને દરરોજ મોરબી અપ-ડાઉન કરે છે. તેઓ છેલ્લા પચ્ચીસેક વર્ષથી રાજકોટમાં ઘર ભાડે રાખીને રહે છે. જ્યારે પોતાનો ખર્ચ કાઢવા માટે હર્ષ છેલ્લા દોઢ વર્ષથી સાયબર કાફેમાં નોકરી કરે છે. જો કે હવે તેની વાયુસેનામાં પસંદગી થઈ જતાં ઘરની આર્થિક સ્થિતિ સુધરવાની સાથે સાથે દેશસેવા કરવાની પણ ઉમદા તક મળી હોવાથી હર્ષની ખુશીનો પાર રહ્યો નથી.

મુંબઈમાં મેડિકલ બાદ હર્ષે બેંગ્લોરમાં ‘થીમોસીસ’ સર્જરી કરાવવી પડી
પરીક્ષામાં પાસ થયા બાદ હર્ષ મકવાણાને મુંબઈ મેડિકલ માટે બોલાવવામાં આવ્યો હતો જ્યાં તેની બારીકાઈથી શારીરિક ચકાસણી કરવામાં આવી હતી. જો કે અહીં તેને ‘થીમોસીસ’ સર્જરી મતલબ કે ‘સુન્નત’ કરાવવાનું કહેવામાં આવતાં પહેલાં તો થોડો ડર લાગ્યો હતો પરંતુ દેશસેવા માટે કંઈ પણ કરી છૂટવાનો નિર્ધાર હોવાથી તેણે બેંગ્લોર ખાતે આ સર્જરી સફળતાપૂર્વક કરાવી લીધી હતી. તેણે કહ્યું હતું કે વાયુસેનામાં ભરતી થવા માટે હું કોઈ પણ ટેસ્ટ કે સર્જરી કરાવવા માટે તૈયાર હતો અને ભવિષ્યમાં પણ રહીશ.

રાજકોટના 50 લોકોએ આપી’તી પરીક્ષા
વડોદરા ખાતે યોજાયેલી ભરતીમાં રાજકોટના 50 લોકોએ પરીક્ષા આપી હોવાનું હર્ષ મકવાણાએ જણાવ્યું હતું. જો કે આટલા લોકોમાંથી કેટલા પાસ થયા તે અંગેની તેને જાણ નહોતી.

ગ્રુપ ડિસ્ક્શનમાં લવ-અરેન્જ મેરેજનો વિષય અપાયો !
હર્ષ મકવાણાએ ફિઝિકલ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ ગ્રુપ ડિસ્ક્શન કરવામાં આવ્યું હતું જેમાં તેને લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે ચર્ચા કરવા માટે કહેવાયું હતું. આ ચર્ચાને પણ તેણે વ્યવસ્થિત રીતે પૂરી કરી લેતાં તેને પાસ જાહેર કરવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement