ઉનાળા ઋતુની કાળઝાળ ગરમીની મૌસમમાં કેસર કેરી સહીતની અનેક જાતની કેરીનું ધુમ વેચાણ થતુ હોય છે. હાલ શિયાળુ ઋતુની વિદાય પહેલા રાજકોટની ફ્રુટ માર્કેટમાં કેરીનું આગમન થઇ ચુકયુ છે. રાજકોટ ફ્રુટ માર્કેટના વેપારીઓ હાલ અમદાવાદથી હાફુસ અને લાલ બાગની કેરીની પેટીઓ મંગાવી કેરીનુ વેચાણ શરુ કર્યુ છે. માર્કેટમાં હાલ કેરળ રાજયની હાફુસ અને લાલ બાગ જાતની કાચી કેરીનુ વેચાણ થઇ રહયુ છે. સીઝનનાં પ્રારંભે હાલ ઉંચા ભાવે વેચાતી કેરી ઉનાળાની સીઝનમાં સસ્તી થશે તેવા વેપારીઓનો સુર છે.હાલ કેરળ રાજયની હાફુસ, લાલ બાગની કાચી કેરીની આવક થઇ રહી છે. આગામી દિવસોમાં રત્નાગીરીની હાફુસ આવશે. ઉનાળાની સીઝનમાં કેસર કેરીની માંગ રહે છે. કેસર કેરીના આગમન પુર્વે જ અન્ય રાજયોની કેરી રાજકોટ સહીત સૌરાષ્ટ્રની માર્કેટમાં ઠલવાવા લાગી છે. હાલ લાલ બાગ કાચી કેરી પ્રતિ કીલો રૂ.80 થી રૂ.100 અને હાફુસ રૂ.100 થી 3પ0ના ભાવે વેચાણમાં છે. આ વર્ષે ઉનાળાની ઋતુમાં કેસર કેરીની ધુમ આવક થવાની શકયતા છે.