રાજકોટના ડ્રેનેજ-સૂચિતના કૌભાંડ ત્રંબામાં ગાજવા લાગ્યા! ભૂપત બોદરને નડશે?

26 February 2021 05:03 PM
Rajkot Crime
  • રાજકોટના ડ્રેનેજ-સૂચિતના કૌભાંડ ત્રંબામાં ગાજવા લાગ્યા! ભૂપત બોદરને નડશે?

મતદારો તો ઠીક, ભાજપના જ સ્થાનિક આગેવાનોની નારાજગી વચ્ચે ભાજપને ત્રંબા બેઠકમાં વધુ એક પડકાર:સ્થાનિક-ગ્રામ્ય બેઠક પર રાજકોટથી ઉમેદવારને કેમ થોપી બેસાડવામાં આવ્યા? મતદારોના સવાલોથી લોકલ નેતાઓના પણ મોઢા બંધ: રાજકોટથી કાર્યકરો તેડાવવા પડયા:ત્રંબાની એક બેઠક માટે ખુદ મુખ્યમંત્રીએ સભા કરવી પડી તે પણ ‘સૂચક’ ગામજમણ છતાં બહુ ઓછા લોકોની હાજરીની ચર્ચા

રાજકોટ તા.26
પંચાયતો તથા નગરપાલિકાઓની રવિવારે યોજાનારી ચૂંટણીનો પ્રચાર આખરી તબકકામાં છે તે પુર્વે ભાજપ-કોંગ્રેસ જ નહીં એક અન્ય વર્ગ માટે પણ પ્રતિષ્ઠાજનક બની ગયેલી રાજકોટ જીલ્લા પંચાયતની ત્રંબા બેઠકના પ્રચારમાં રાજકોટના કૌભાંડ ગાજવા લાગ્યા છે. ત્રંબા સીટ રાજકોટના સિમાડાની જ ગણાતી હોવાના કારણોસર પ્રત્યાઘાતો પડવાના ભણકારા છે.રાજકોટ જીલ્લા પચાયત તથા જીલ્લાની રાજકોટ સહીતની તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી 28મીને રવિવારે યોજાવાની છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચારનું વાવાઝોડુ સર્જવા માટે કોઈ કચાશ રખવામાં આવી નથી છતાં મતદારોમાં નિરૂત્સાહ હોવાથી નેતાઓને અકળાવી રહ્યો છે. ખાસ કરીને ભાજપની હાલત કફોડી હોય તેમ રાજકોટના ભૂતકાળના હાડપીંજર કબાટમાંથી બહાર નીકળીને પ્રચારના મુદા બનવા લાગ્યા છે.


ત્રંબાની બેઠક પર ભાજપમાંથી ભુપત બોદરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી સીટીંગ સભ્ય મધુબેન નશીતના પતિ પંકજભાઈ નશીત છે. રાજકીય રીતે તેઓ શક્તિશાળી ગણાય છે જ. પ્રચારના સ્થાનિક મુદાઓમાં ભાજપના આયાતી ઉમેદવારોનો મુદો ગાજી રહ્યો છે. સ્થાનિક મતદારોમાં પણ તેનો પડઘો-નારાજી હોય તેમ પ્રચાર દરમ્યાન સવાલોનો મારો ઉઠી રહ્યા છે. સ્થાનિક-ગ્રામ્ય આગેવાનોને બદલે પેરેશૂટ ઉમેદવાર કેમ થોપી બેસાડવામાં આવ્યા? તેના સવાલ પુછાવા લાગતા ભાજપના મોઢા પણ સિવાય જાય છે. કારણ કે તેનો જવાબ આપવા કોઈ સક્ષમ નથી. આવા જવાબથી સૌ કોઈ વાકેફ છે અને તેનો ધુંધવાટ પણ હોવા છતાં તે ખુલ્લો કરવાની કોઈ હિમત કરી શકતુ નથી.


એમ કહેવાય છે કે ત્રંબા બેઠકની ચૂંટણીમાં રાજકોટના કૌભાડો પણ ગાજવા લાગ્યા છે. દોઢ દાયકા પુર્વે ઢાંકણા ચોરીનું ડ્રેનેજ કૌભાંડ ગાજયુ હતું. ઉપરાંત મોરબી રોડની સૂચિત સોસાયટીઓ પર બુલડોઝર ફેરવાથી દઈને ખાલી કરાવવાના પ્રકરણ પણ પ્રચારના મુદા બનવા લાગ્યા છે. પ્રચારના છેલ્લા તબકકામાં કૌભાંડોના મુદા ઉપસ્થિત થતા મતદારો પણ સમસમી ઉઠવા લાગ્યા છે. એકાએક કૌભાંડો ગજાવવા પાછળનું કારણ ‘અકળ’ હોવા છતાં મતદારો પર તેની વ્યાપક અસર હોવાનું ગણાવાય છે. ખાસ કરીને ભાજપ નેતાગીરીએ સ્થાનિક રાજકારણમાં ચંચુપાત કર્યો હોવાથી ભાજપ તરફી મતદારોને પણ પસંદ પડયો નથી.


મતદારોમાં એવી ચર્ચા છે કે ગ્રામ્ય સ્તરે મુખ્ય પ્રશ્ર્નો રોડ, રસ્તા, પાણી, વિજળી અને સફાઈના હોય છે. અર્ધી રાત્રે પણ પોતાના પ્રતિનિધિનો ડેલો ખખડાવી શકવાની ગ્રામ્ય પરંપરા હોય છે. પરંતુ રાજકોટમાં પણ ‘બહુઓછા’ રહેતા પ્રતિનિધિને ગામડામાં ચૂંટવાથી શું લાભ થશે? તેવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. મતદાર યાદીમાં નામ આવવા માત્રથી કોઈ વ્યક્તિ ગ્રામ્ય નેતા નથી બની શકતો.
બીજી તરફ ભાજપના આગેવાનોમાં પણ ત્રંબાના પ્રવર્તમાન રાજકીય ચિત્રથી હતાશા છે. ‘જશ’ મળી શકવા વિશે તેઓ ખુદ શંકા વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં એવો ગર્ભીત ઈશારો પણ વ્યક્ત કરે છે કે જીલ્લા પંચાયતની માત્ર એક બેઠક માટે મુખ્યમંત્રી જેવા નેતાને સભા કરવા આવવું પડે તે વાસ્તવિકતા જ સાચી પરિસ્થિતિનો ચિતાર આપી દયે છે.

મતદારોની નારાજગી તથા પુછાતા અણીયારા સવાલોને કારણે સ્થાનિક આગેવાનો પ્રચારમાં સાથે રહી શકતા નથી ત્યારે ‘કાંઈક પ્રચાર જેવું લાગે અને કાર્યકરો સાથે દેખાય’ તે માટે રાજકોટની કાર્યકરોને તેડાવવામાં આવી રહ્યાનું કહેવાય છે.એમ પણ કહેવાય છે કે સભા હોય કે રેલી ભાજપ ઉમેદવારના પ્રચારમાં સંખ્યા થતી નથી. બે દિવસ પુર્વે ગામજમણ રાખવામાં આવ્યું હતું છતાં બહુ ઓછી સંખ્યા થતા ભોજન પણ વધી પડયુ હતું.અનેકવિધ ચર્ચા અને તર્ક વિતર્કો વચ્ચે રાજકોટ જીલ્લા પંચાયતની ત્રંબા બેઠક પ્રતિષ્ઠાના જંગ સમી બની જ ગઈ છે. ભાજપ સામે કોંગ્રેસ તો મેદાને છે જ સાથોસાથ ભાજપના જ શક્તિશાળી અસંતુષ્ટો મેદાને પડયા હોવાની રાજકીય ચર્ચા છે.

તાલુકા પંચાયતની બેઠકોમાં પંજો ફરી વળે તો જીલ્લા પંચાયતની બેઠકમાં જીત શકય બને? રાજકીય ગણીત કેવું?

પ્રતિષ્ઠાના જંગ સમી રાજકોટ જીલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર તમામ રાજકીય વર્ગોની નજર છે તેવા સમયે સ્થાનિક રાજકીય ગણીત ઘણુ રસપ્રદ અને સૂચક છે. રાજકીય નિષ્ણાતોએ એવો નિર્દેશ કર્યો છે કે જીલ્લા પંચાયતની કોઈપણ બેઠક જીત માટે ‘સિકયોર’ કરવા તેના હેઠળની તાલુકા પંચાયયતની બેઠકોમાં સ્થિતિ મજબૂત કરવાની હોય છે. ત્રંબાની જીલ્લા પંચાયત બેઠક હેઠળ ગઢકા, સમઢીયાળા જેવી બેઠકો આવે છે. ફોર્મ ભરાયા પુર્વે જ રાજકીય ખેલ ખેલાઈ ગયો હતો. શક્તિશાળી સ્થાનિક આગેવાને પોતાના સમર્થકોને હરીફ છાવણીમાંથી ઉભા રાખી દીધા છે. એ સંજોગોમાં તળીયુ કબ્જે કરવાનું અગત્યનું બને છે. ત્રંબાની બેઠકને લાગે વળગે છે ત્યાં સુધી તળીયુ કોંગ્રેસે મજબૂત રાખ્યું છે ત્યારે જીલ્લા પંચાયતની બેઠકમાં ભાજપ જીતી શકે કે કેમ તે સવાલ છે.


Related News

Loading...
Advertisement