રાજકોટ, તા.26
શહેરના જયુબીલી નજીક ભાભા હોટેલ પાસેથી ચોરાઉ બાઇક લઇને નીકળેલા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા હતા. બાઇક મિત્ર પાસેથી ખરીદેલુ હોવાનું કબુલાત આપી હતી પરંતુ પોલીસે ખરાઇ કરતા જાણવા મળ્યું હતું કે કબ્જે કરાયેલ બાઇક વાંકાનેરના વ્યકિતનું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત અને ભરતસિંહ પરમાર સહિતનાં સ્ટાફે બાતમીના આધારે જયુબીલી ચોક પાસે આવેલી ભાભા હોટેલ પાસેથી ચિરાગ ધીરજલાલ ત્રાંબડીયા (રહે. ચંદ્રેશનગર ખીજડાવાળો રોડ) અને મીહિરભાઇ વિઠ્ઠલભાઇ બોરસણીયા (રહે. આદિત્ય પાર્ક શેરી નં. 1/6નો ખુણો ખીજડાવાળો રોડ)ને અટકાવી તેની પાસે રહેલા બાઇક વિશે પુછી કાગળો જાણતા તે બાઇક તેમના મિત્ર હાર્દિક પાસેથી બે વર્ષ પહેલા રૂા. ર0 હજારમાં ખરીદ કરેલું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ચેસીસ નંબર અને એન્જીન નંબર લઇ તપાસ કરતાં બાઇકના માલીક પરબત અરજણભાઇ વાઢેર (રહે. વણઝારા ગામ, વાંકાનેર)નું હોવાનું જાણવા મળ્યું હતું અને બાઇક છળકપટથી પડાવી લીધુ હતું. હાલ બાઇક કબ્જે કરી બંનેની પુછપરછ શરૂ કરી છે.