શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: 2000 પોઈન્ટનો કડાકો

26 February 2021 04:46 PM
Business
  • શેરબજારમાં ‘બ્લેક ફ્રાઈડે’: 2000 પોઈન્ટનો કડાકો

એક જ દિવસમાં ઈન્વેસ્ટરોની પાંચ લાખ કરોડની સંપત્તિ સ્વાહા:અમેરિકી બોન્ડ યીલ્ડ, એરસ્ટ્રાઈક, સોમવારથી 50 ટકા અપફ્રંટ માર્જીન, મોંઘવારીનું જોખમ જેવા કારણોએ ગભરાટભરી વેચવાલીથી તમામ શેરો તૂટયા

રાજકોટ તા.26
શેરબજારમાં છેલ્લા કેટલાંક વખતથી રેકોર્ડબ્રેક તેજીના દોર પછી એકાએક મંદીનો પલ્ટો આવ્યો હતો. આજે માર્કેટ 2000 પોઈન્ટ કરતા ધસી પડયું હતું. બેંક સહિતના ક્ષેત્રોના શેરોમાં કડાકા ભડાકા હતા.શેરબજારમાં આજે માનસ મંદીનું બની ગયું હતું. અમેરિકી બોન્ડ યીલ્ડનું મુખ્ય કારણ હતું. આ સિવાય સોમવારથી અપફ્રંટ માર્જીન 25ને બદલે 50 ટકા થઈ રહ્યું હોવાની પણ અસર વર્તાઈ હતી. આ ઉપરાંત અમેરિકાએ સીરીયામાં એરસ્ટ્રાઈક કર્યાનો ગભરાટ હતો. ઈરાન સમર્થક ઉગ્રવાદીઓને નિશાન બનાવ્યા હતા. જો બાઈડને સતા સંભાળ્યા પછીનું આ પ્રથમ આક્રમણ હોવાથી ગભરાટ હતો. ઈરાન સાથેના સંબંધો વિશે અટકળો વ્યક્ત થવા લાગી હતી. એકથી વધુ નેગેટીવ કારણો સર્જાવાને કારણે સરકારની ખાનગીકરણ ક્ષેત્રે ઝડપી કાર્યવાહી, વિદેશી સંસ્થાઓની લેવાલી જેવા સારા કારણોની કોઈ હકારાત્મક અસર થઈ શકી ન હતી.


મંદીના મોજામાં મોટાભાગના ઉદ્યોગક્ષેત્રોના શેરો ઝપટે ચડી ગયાહતા. બેંક શેરોમાં પ્રચંડ દબાણથી ગાબડા હતા. સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, એકસીસ બેંક, કોટક બેંક ઉપરાંત ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, હીન્દ લીવર, ઈન્ફોસીસ, લાર્સન, મહીન્દ્ર, રીલાયન્સ, ટીસીએસ, બજાજ ઓટો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીન સર્વિસ, ટેલ્કો વગેરેમાં કડાકો હતો. એનટીપીસી, મારૂતી, સેઈલ, ભેલ જેવા શેરોમાં ઘટાડો હતો.


શેરબજારમાં આજના કડાકામાં ઈન્વેસ્ટરોની પાંચ લાખ કરોડની સંપતિનું ધોવાણ થયુ હતું. એકાએક કડાકાથી બ્રોકરો-ટ્રેડરોમાં દોડધામ થઈ હતી. ખાસ કરીને માર્ચ ફયુચરના પ્રથમ દિવસે આ હાલત થતા ગભરાટ હતો.મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 2025 પોઈન્ટના પ્રચંડ કડાકાથી 49013 સાંપડયો હતો. જે ઉંચામાં 50400 તથા નીચામાં 49005 હતો. નેશનલ સ્ટોક એકસજેંજનો નિફટી 598 પોઈન્ટ ગગડીને 14497 સાંપડયો હતો. બેંક નિફટી 1800 પોઈન્ટ ગગડીને 34740 હતો. નેશનલ સ્ટોક એકસચેંજમાં 1209 શેરો પટકાયા હતા જયારે 507 શેરો મજબૂત હતા.


Related News

Loading...
Advertisement