રાજકોટ તા.26
શહેરના ભક્તિનગર સોસાયટી શેરી નં.1માં રહેતા જાણીતા બિલ્ડર કિશોરભાઈ હંસરાજભાઈ પરસાણા(ઉ.વ.42)ના વિધવા ભાભી સંગીતાબેનને કોઈકે અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ કરી 72 કરોડની ખંડણી માગી અન્યથા તેમના પરિવારની ત્રણ પુત્રીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેને કારણે ભયભીત પરિવારે તુરંત જ ક્રાઈમબ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પીઆઇ ગઢવી અને સ્ટાફે સતર્કતા દાખવી આરોપીને ફોન નંબરના આધારે દબોચી લઇ વધુ પૂછપરછ શરૂ કરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, બિલ્ડર કિશોરભાઈ પરસાણાએ ફરિયાદમાં જણાવ્યું છે કે,બિલ્ડીંગના વ્યવસાય અને ખેતીકામ સાથે જોડાયેલ છું મારે કુલ ત્રણ ભાઈઓ છે.સૌથી મોટા ગોવિંદભાઈ છે જે તેની સાથે રહે છે. તેની પત્નીનું નામ મંજુલાબેન છે,સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું 2002માં અવસાન થઈ ગયું હતું તેના પત્ની સંગીતાબેન છે તે પણ તેની સાથે રહે છે તેને સંતાનમાં બે પુત્રી ડેનીશા અને દ્રષ્ટિ છે.સૌથી પોતે છે,તેના પત્નીનું નામ જ્યોત્સનાબેન છે તેને સંતાનમાં પુત્ર અને પુત્રી છે.
ગત તા.22/02ના રોજ સાંજે તેના ભાભી સંગીતાબેનને તેને પોતાનો મોબાઈલ બતાવી કહ્યું કે,તેના વોટ્સએપમાં એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે, જેમાં રૂા.72 કરોડ આપવાની ધમકી અપાઈ છે નહીતો તેમની પરિવારની ત્રણેય દીકરીઓને જીવવા નહીં દેવાય તેમ જણાવાયું છે.ત્યારબાદ તેના ભાભી સંગીતાબેનની પુત્રી ડેનીશા અમદાવાદ ખાતે અભ્યાસ કરતી હોવાની ધમકી આપનાર શખ્સને જાણ હોવાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા.તુરંત ડેનીશાને કોલ કરી સાવચેત રહેવા જણાવ્યા બાદ રાજકોટથી ભત્રીજા કેવિનને તેને લેવા અમદાવાદ મોકલ્યો હતો.રાત્રે બંને રાજકોટ આવી ગયા હતા.તેના ભાભી સંગીતાબેનની બીજી પુત્રી દ્રષ્ટિ લંડન અભ્યાસ કરતી હોવાથી ત્યાં સુરક્ષીત હોવાનું જણાતા તેને જાણ કરી નહોતી મોટાભાઈ ગોવિંદભાઈની પુત્રી માનસી કાલાવડ રોડ પર સાસરે છે પરંતુ તે તેના જ ઘરે હોવાથી તેને પણ સાવચેત રહેવા જણાવ્યું હતું.
ત્યારબાદ જે નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો તે નંબર અંગે તેમણે પોતાની રીતે તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો.બિલ્ડર કિશોરભાઈ પરસાણા ક્રાઈમબ્રાંચ ખાતે આવી પીઆઈ વી. કે. ગઢવીને તમામ હકીકત જણાવતા આઈપીસી કલમ 387 અને 507 હેઠળ ગુનો દાખલ ગુનો દાખલ કરાયો હતો.બાદમાં ફરિયાદને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમના પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઈ એચ.બી.ધાંધલ્યા,રાજેશભાઈ બાળા અને શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે મોબાઈલ નંબરના લોકેશન અને આઈપી એડ્રેશ મેળવી તપાસ કરતા ફરિયાદી કિશોરભાઈના ભત્રીજી ડેનિશા જે કોલેજમાં અભ્યાસ કરતી હોય તેની સાથે જ અમદાવાદની જી.એલ.એસ કોલેજમાં અભ્યાસ કરતો પારસ ઉર્ફે પારીયો મહેન્દ્રભાઇ મોણપરા(ઉ.વ.20)(પિતાને પુનિતનગર વાવડી ખાતે સ્ક્રૂનું કારખાનુ અમીધારા ફોર્જીંગ નામથી છે)(રહે.હરિનગર મેઇન રોડ, સીતારામ છાત્રાલય પાસે યુનિવર્સિટી રોડ,"શ્રી રામ મકાન"રાજકોટ) હોવાનું જાણવા મળતાં સ્ટાફે પારસની ધરપકડ કરી પોલીસ મથકે લવાયો હતો.
પારસની પુછપરછ કરતાં કબુલાત આપી હતી,તે અગાઉ 2017માં અમદાવાદની જી.એલ.એસ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે ફરિયાદી કિશોરભાઇની ભત્રીજી ડેનિશા સાથે પરિચય થયો હતો જેથી વાતચીતમાં અને તેનો વિશ્વાસ કેળવી ડેનિશાનું ફેમીલી બેકગ્રાઉન્ડ અને પરિવારના સભ્યોની માહિતી અગાઉથી જ મેળવી લીધી હતી.જે માહિતી પ્રમાણે તેમને ખબર હોય કે ડેનિશા સુખી સંપન્ન પરિવારમાંથી છે તેમજ હાલ પોતે બેકાર હોય પોતાના મોજ શોખ પૂરા કરવા એક ફેક મોબાઈલ નંબર ખરીદી વોટસએપ મેસેજ કરી રૂા.72 કરોડની ખંડણી માંગી હતી.પરંતુ પરિવારે સતર્કતા દાખવી પોલીસને જાણ કરતા ગઠિયા પારસને સફળ થવા દીધો નહોતો.
આરોપી પારસ પટેલ આઈફોન મોબાઈલ અને મોંઘા કપડાં પહેરતો:વૈભવી લાઈફ જીવવા ખંડણી માંગી!
ક્રાઈમબ્રાંચમાં એક 72 કરોડની ખંડણી માંગ્યાની પટેલ બિલ્ડરે ફરિયાદ નોંધાઇ હતી આ મામલે પીઆઇ ગઢવીની રાહબરીમાં આરોપી પારસ પટેલની ધરપકડ કરવામાં આવી છે.પારસ પોતે મોંઘીદાટ કાર તેમજ મોંઘા કપડાં અને આઈફોન જેવા મોંઘા ફોન વાપરતો હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત આરોપી પારસ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાની ટેવ વાળો છે. તેણે પોતાના મોજશોખ પૂરા કરવા માટે આ પ્રકારે તેને ખંડણી માગી હોવાની કબૂલાત આપી છે.તેના પિતા કારખાનું ધરાવતા હોવાનું ખુલ્યું હતું.