મોરબીમાં સિરામીક એકમો પર ત્રાટકતુ ઈન્કમટેકસ: ચેન્નઈ કનેકશનમાં દરોડા

26 February 2021 04:03 PM
Morbi Crime
  • મોરબીમાં સિરામીક એકમો પર ત્રાટકતુ ઈન્કમટેકસ: ચેન્નઈ કનેકશનમાં દરોડા

મોટી કરચોરી- શંકાસ્પદ વ્યવહારો બહાર આવવાની આશંકા

મોરબી તા.26
આવકવેરા ખાતાએ લાંબા વખત બાદ ઓપરેશન હાથ ધર્યુ હોય તેમ આજે મોરબીમાં તેથી વધુ સિરામીક યુનિટોમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોટી રકમની કરચોરી તથા શંકાસ્પદ વ્યવહારો ખુલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. ચેન્નઈમાં આવકવેરા દરોડાના કનેકશનમાં આ કાર્યવાહી હોવાના સંકેત છે.આવકવેરા ખાતાના ટોપ લેવલના સૂત્રોએ એમ કહ્યું હતું કે મોરબીના ઈટાકોન, ટેકેન જેવા સિરામીક યુનિટોમાં આજે સવારથી આવકવેરા ખાતાના અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને મોટાપાયે દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને એકમોમાં ફેકટરી-ઓફીસ સહીતના સ્થળોએ હિસાબી સાહિત્ય સહિતના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.


એવું જાણવા મળ્યું છે કે ચેન્નઈમાં આવકવેરા વિભાગે મુરલી નામના કરદાતા પર દરોડા કાર્યવાહી કરી હતી અને તે તપાસમાં તેમનું મોરબીના સિરામીક યુનિટોમાં રોકાણ હોવાનું બહાર આવ્યું હતું તેના આધારે મોરબીના યુનિટો પણ ઝપટે ચડી ગયા છે. એમ કહેવાય છે કે ચેન્નઈ સ્થિત કરદાતા મુરલી ભુતકાળમાં મોરબીમાં જ વસવાટ કરતા હતા અને તે દરમ્યાન જાણીતી ઘડીયાળ કંપની સાથે સંકળાયેલા હતા. નસીબનો સાથ મળતા ધંધામાં ઝંપલાવ્યુ હતું. ચેન્નઈ શીફટ થયા હતા. મોરબીની ટાઈલ્સ પોતાની બ્રાન્ડ હેઠળ વેચાણ કરે છે.


આવકવેરા અધિકારીઓની દરોડા કાર્યવાહીની વાત વાયુવેગે પ્રસરી જતા સમગ્ર સિરામીક ક્ષેત્રમાં ફફડાટ સર્જાયો હતો અને અનેકવિધ અટકળો-તર્ક વિતર્કો વ્યક્ત થવા લાગ્યા હતા.સૂત્રોના કહેવા પ્રમાણે આવકવેરા ખાતાનુ મૂળ ઓપરેશન ચેન્નઈ કચેરીનું છે અને તમામ કાર્યવહી તેના દ્વારા જ કરાશે. રાજકોટના અધિકારીઓની ટીમને પણ સાથે રાખવામાં આવી છે. દરોડા કાર્યવાહીમાં મોટી કરચોરી તથા શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો બહાર આવવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement