મોરબી તા.26
મોરબીના ઘૂટું રોડેથી રિક્ષામાં બેસીને રફાળેશ્વર જતાં યુવાનને રફાળેશ્વર નજીક રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચાર શખ્સો દ્વારા છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યો હતો તેની ફરિયાદ નોંધાતા પોલીસે આ લૂંટની ઘટનામાં અગાઉ ત્રણ આરોપીને ત્યારે જ પકડી લીધા હતા અને હાલમાં કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય એક બાળ કિશોરની ધરપકડ કરવામાં આવી છે.
મૂળ યુપીના વતની અને હાલ મોરબીના રફાળેશ્વર નજીક રહેતો સુનીલકુમાર રાજેન્દ્રપ્રસાદ ગૌતમ (33) થોડા દિવસો પહેલા તા.4-2 ના રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે તે રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત અન્ય ત્રણ શખ્સો બેઠેલ હતા અને યુવાનને રફાળેશ્વર ગામ પાસે રીક્ષા ઉભી રાખીને ઉતારવાના બદલે રીક્ષામાં જ બેઠેલા એક શખ્સે છરી બતાવી "મોબાઈલ અને રૂપિયા હોય તે આપી દે" તેવી ધમકી આપી હતી અને એક આરોપીએ તેનો મોબાઈલ ફોન અને રોકડા 700 રૂપિયા લુંટી લીધા હતા અને છરીનો ઘા ઝીકીને લૂંટ ચલાવી હતી.
બાદમાં યુવાને રીક્ષામાંથી નીચે કુદીને અજાણ્યા વાહનની મદદથી રીક્ષા નંબર જીજે 1 એએક્સ 9522 નો પીછો કર્યો હતો જેથી કરીને બનાવ બન્યો હતો તે જ દિવસે કાસીમશા ઈબ્રાહીમશા શાહમદાર રહે,લીલાપર રોડ મુખ્યમંત્રી આવાસ યોજના અને અન્ય એકને પકડવામાં આવ્યા હતા અને બાદમાં પોલીસે આ ગુનામાં અગાઉ વધુ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની ધરપકડ કરી હતી.તેમ કુલ ત્રણને પકડવામાં આવ્યા હતા.
એટલે કે અગાઉ એક પુખ્તવયનો અને બે બાળ આરોપીઓ એમ કુલ ત્રણ ઇસમોની અગાઉ ધરપકડ થઈ હતી જ્યારે લૂંટના ગુનામાં વધુ એક બાળ આરોપી (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર) સંડોવાયેલા હોય મોરબી તાલુકા પીએસઆઈ એ.એ.જાડેજા તથા રાઇટર હર્ષદભાઈએ ગઈકાલે ઉપરોક્ત લૂંટના બનાવમાં સંડોવાયેલા અને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના કવાટરમાં જ રહેતા વધુ એક બાળ આરોપીને પકડ્યો હતો અને તેને હાલ રાજકોટ ઓબ્ઝર્વેશન હોમ (રિમાન્ડ હોમ) માં મોકલી આપવામાં આવ્યો હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળેલ છે.
ગુમ પરત
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઢુવા માટેલ રોડ ઉપરના રેડસ્ટોન સિરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના સજનપુર ગામના રસિકભાઈ ચતુરભાઈ ઝિંઝુવાડીયા જાતે ઠાકોર (ઉંમર 36) ધંધો રીક્ષા ડ્રાઈવિંગ નો દિકરો વિકાસ રસીકભાઇ ઝિંઝુવાડીયા (ઉમર 20) ગત તા.18 ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો જે ગઈ કાલ તા.25-2 રોજ પોતાની મેળે ઘરે આવી ગયો હોય પોલીસ મથકે રજૂ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે પ્રેમ સંબંધને લીધે વિકાસ રસિકભાઈ ઘરેથી ચાલ્યો ગયો હતો..! જે અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.