નવીદિલ્હી, તા.26
ભારત અને પાકિસ્તાન સીમા પર શાંતિ જાળવી રાખવા માટે 2003માં થયેલી યુદ્ધવિરામ સમજૂતિનું સંપૂર્ણ રીતે પાલન કરવા માટે રાજી થઈ ગયા છે. આ સપ્તાહે બન્ને દેશોના ડાયરેક્ટર જનરલ્સ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે હોટલાઈન પર વાતચીત થઈ હતી. બન્ને દેશો તરફથી એક સંયુક્ત નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. ડીજીએમઓ સ્તરની વાતચીત પાછળ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો મહત્ત્વનો રોલ રહ્યો છે. ડોભાલે માત્ર પાકિસ્તાની સેના જ નહીં પરંતુ ત્યાંની સરકાર સાથષ પણ મહિનાઓ સુધી વાતચીત કરી હતી. વિવિધ અહેવાલો અનુસાર એ ડોભાલ જ હતા જેમના પ્રયત્નોને પગલે બન્નેદ ેશોના સંબંધોપર લાંબા સમયથી જામી ગયેલો બરફ ઓગાળી દીધો છષ અને થોડી-ઘણી વાતચીત શરૂ થઈ છે.
ડોભાલે સુરક્ષા મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના વિશેષ સલાહકાર મોઈન યુસુફ સાથે કોઈ ત્રીજા દેશમાં મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડોભાલે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સાથે વાતચીત માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે. આ બન્નેને વાતચીતમાં સામેલ કરવા એટલા માટે જરૂરી હતા કેમ કે યુસુફ ઈમરાનની અત્યંત નજીક છે અને બાજવાનું મહત્ત્વ ત્યાં સેના પ્રમુખ હોવાને નાતે ઘણું વધુ છે.
ગઈકાલે જ્યારે સંયુક્ત નિવેદન જારી થયું અને ડોભાલ-યુસુફ વચ્ચે મુલાકાતના અહેવાલો આવ્યા તો તેમણે આ મુલાકાતનો ઈનકાર કર્યો હતો. એક ટવીટમાં યુસુફે કહ્યું કે આ પ્રકારની કોઈ જ વાતચીત થઈ નથી અને આવા દાવા પણ આધારહિન છે. જો કે સૂત્રો જણાવી રહ્યા છે કે લોકોની ભાવનાઓને જોતાં ભારત હોય કે પાકિસ્તાન બન્નેમાંથી કોઈ દેશ આ વિશે વિસ્તૃત વિગતો સામે નહીં લાવે. આ મુલાકાતની જાણકારી બહુ ઓછા લોકોને અપાઈ હતી અને આ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર સામેલ હતા.
ડોભાલે ચીન સાથે સીમા પર પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાછલા વર્ષે ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે અંદાજે બે કલાક સુધી વીડિયો કોલ પર વાત કરી હતી. આ વાતચીત બાદ બન્ને દેશો વચ્ચે એલએસી પર સંપૂર્ણ રીતે પાછા ખસી જવાની સહમતિ સધાઈ હતી.
આવું પહેલી વખત નથી બન્યું જ્યારે ભારત-પાકિસ્તાનના ટોચના આર્મી અધિકારીઓ વચ્ચે સીમા પર શાંતિ સ્થાપિત કરવા માટે સહમતિ સધાઈ હોય. આવી એક સમજૂતિ 2018માં થઈ હતી જ્યારે બન્ને દેશો 2003વાળી સમજૂતિને અક્ષરશ: લાગુ કરવા માટે રાજી થયા હતા. જો કે આવું વાસ્તવિક રીતે બની શક્યું નહોતું.