‘નીતાભાભી-મુકેશભાઈ સંભલ જાના, અગલી બાર પૂરા સામાન આયેગા’: અંબાણીને ખુલ્લી ધમકી

26 February 2021 11:52 AM
Crime India
  • ‘નીતાભાભી-મુકેશભાઈ સંભલ જાના, અગલી બાર પૂરા સામાન આયેગા’: અંબાણીને ખુલ્લી ધમકી

અંબાણીના ઘર બહાર વિસ્ફોટકો કોણ મુકી ગયું, ગાડી કોની ? ખૂણો-ખૂણો ચકાસતી સુરક્ષા એજન્સીઓ: કારમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી આવી: 9 શંકાસ્પદોની સઘન પૂછપરછ શરૂ: કાર ચોરીની હોવાનો ખુલાસો: અંબાણી પરિવારની સુરક્ષામાં તોતિંગ વધારો: કારનો નંબર અંબાણીના સુરક્ષા કાફલાની કાર સાથે મળતો આવે છે

મુંબઈ, તા.26
દેશના ટોચના ઉદ્યોગપતિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દુનિયાના સૌથી અમીર લોકો પૈકીના એક એવા મુકેશ અંબાણીના મુંબઈસ્થિત ઘર એન્ટલીયા બહાર એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર મળી આવી હતી જેમાં જિલેટીનની 20 સ્ટીક પણ મળતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. ગઈકાલે સાંજથી વિસ્ફોટકો ભરેલી આ કાર મળી આવતાં તે કોની છે, આ હરકત કોણે કરી, શું કોઈ મોટું ષડયંત્ર છે તે સહિતની દિશામાં સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે. બીજી બાજુ અંબાણી પરિવારની સુરક્ષામાં તોતિંગ વધારો પણ કરી દેવામાં આવ્યો છે. ચિંતાની વાત એ છે કે કારમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં ‘નીતાભાભી-મુકેશભાઈ સંભલ જાના, અગલી બાર પૂરા સામાન આયેગા, પૂરે પરિવાર કો ઉડાને કા ઈન્તેજામ હૈ’ લખાયેલું છે.


ગત સાંજે દક્ષિણ મુંબઈના પેડર રોડ વિસ્તારમાં આવેલી એન્ટીલિયા બિલ્ડિંગથી અંદાજે 200 મીટર દૂર એક શંકાસ્પદ કાર ઉભેલી દેખાઈ હતી. લાંબા સમય સુધી ગાડીને એક જ સ્થિતિમાં પડેલી જોઈ અંબાણી બિલ્ડિંગના સુરક્ષાકર્મીઓએ પોલીસને જાણ કરી હતી. ટૂંક સમયમાં જ સ્થાનિક પોલીસ ઉપરાંત સ્નીફર ડોગ સ્કવોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ અને આતંક વિરોધી ટીમ (એટીએસ) સહિતની સુરક્ષા એજન્સીઓ પહોંચીને તપાસ કરતાં ગાડીમાંથી જિલેટીનની 20 સ્ટીક મળી આવી હતી.


ઉલ્લેખનીય છે કે જિલેટીનનો ઉપયોગ વિસ્ફોટ માટે કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ એ વાતની સ્પષ્ટતા કરી છે કે અંબાણીના ઘરની નજીક એક સ્કોર્પિયો કારમાં જિલેટીનની 20 સ્ટીક મળી આવી છે. મુંબઈ પોલીસની અપરાધ વિરોધી શાખા સંપૂર્ણ મામલાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ 9 શંકાસ્પદોને અટકાયતમાં લઈ તેમની સઘન પૂછપરછ ચાલી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં હાજી અલી અને મહાલક્ષ્મી મંદિર ચોકથી ગીરગાંવ ચોપાટી તરફ જનારો વ્યસ્ત માર્ગ પેડર રોડના નામે ઓળખાય છે. આ રોડથી અંદર જતાં કાર્મિકેલ રોડ પર મુકેશ અંબાણીનું એન્ટીલિયા બિલ્ડિઠગ આવે છે.

આ બિલ્ડિંગમાં બે ગેટ છે જ્યાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત રહે છે. સંભવત: એટલા માટે કાર ઉભી રાખનારાએ ઈમારતના ગેટથી અંદાજે 200 મીટરના અંતરે કાર ઉભી રાખી હતી જેથી એન્ટીલિયાના સુરક્ષાકર્મીઓની નજરમાં તે ન આવી જાય. સુરક્ષાકર્મીઓને આ કાર પર શંકા એટલા માટે ગઈ કેમ કે તેની નંબર પ્લેટ મુકેશ અંબાણીના સુરક્ષા કાફલામાં ચાલતી કારના નંબર સાથે મળતો આવતો હતો પરંતુ આ કાર તેના સુરક્ષા કાફલામાં સામેલ નહોતી. જો કે આ ઈમારત ગાંવદેવી પોલીસ સ્ટેશન અંતર્ગત આવે છે પરંતુ મામલાની ગંભીરતા સમજી ક્રાઈમ બ્રાન્ચે સંપૂર્ણ મામલો હાથમાં લઈ લીધો છે.


Related News

Loading...
Advertisement