ભારત જ્યારે ઈંગ્લેન્ડ આવશે ત્યારે અમે ‘બહુ સારી’ પીચ તૈયાર કરશું !: જો રૂટ

26 February 2021 11:44 AM
Sports
  • ભારત જ્યારે ઈંગ્લેન્ડ આવશે ત્યારે અમે ‘બહુ સારી’ પીચ તૈયાર કરશું !: જો રૂટ

અમે ઘાસવાળી પીચ બનાવીને હારનો બદલો નહીં લઈએ: પીચ સારી છે કે ખરાબ તેનો નિર્ણય ખેલાડીએ નહીં, આઈસીસીએ લેવાનો છે

અમદાવાદ, તા.26
અમદાવાદમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં સ્પિનર્સ માટે વધુ મદદગાર પીચ બનાવવાના વિવાદ વચ્ચે ઈંગ્લીશ કેપ્ટન જો રુટે એ વાતને ફગાવી છે જેમાં એવું કહેવાઈ રહ્યું હતું કે જ્યારે ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે ત્યારે ત્યાં ઘાસવાળી પીચ બનાવીને આ હારનો બદલો લેવામાં આવશે. રુટે કહ્યું કે ભારત જ્યારે ઈંગ્લેન્ડમાં આવશે ત્યારે અમે ‘બહુ સારી’ પીચ બનાવશું. તેણે ભરોસો વ્યક્ત કર્યો કે ઈંગ્લીશ પીચ ઉપર સીમર્સનો દબદબો જોવા મળશે.


ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીનો ત્રીજો મેચ માત્ર બે દિવસમાં જ પૂરો થઈ ગયો છે. પીન્ક બોલ ટેસ્ટમાં સ્પિનર્સે જોરદાર દમ બતાવ્યો અને 30માંથી 28 વિકેટ હાંસલ કરી છે. બનને ટીમો ચાર ઈનિંગમાં 150નો આંકડો હાંસલ કરી શકી નહોતી. સાથે જ વ્યક્તિગત સ્કોરની વાત કરીએ તો બન્ને ટીમોમાં રોહિત શર્માએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. મેચ બાદ પત્રકાર પરિષદમાં વાત કરતાં રુટે પીચ ફેક્ટરને વધુ મહત્ત્વ આપ્યું નહોતું. તેણે કહ્યું કે સક્ષમ ટીમો દુનિયાના કોઈ પણ સ્ટેડિયમ ઉપર રન બનાવી શકે છે. રુટે કહ્યું કે અમે બહુ સારી વિકેટ બનાવશું.

જો અમે એક ટીમ તરીકે મજબૂત બનવા માંગતા હોઈએ તો ગમે તે ગ્રાઉન્ડ પર રન બનાવવાની આદત પાડવી પડશે. સારી પીચ ઉપર બોલિંગ કરવાની ટેવ પાડવી પડશે અને 20 વિકેટ લેવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પડશે. જ્યારે ક્રિકેટરો ઈંગ્લેન્ડમાં હોય છે ત્યારે ઘણી વખત વાતાવરણ પણ પરિસ્થિતિઓ નક્કી કરતું હોય છે. ત્યારે પણ તમારે જેટલો બની શકે તેટલો લાંબો સમય સુધી બેટિંગ કરવાની હોય છે. મને આશા છે કે ડ્યુક બોલની સાથે અમારા સીમર્સ વધુ વિકેટ મેળવશે. પીચ વિવાદ વિશે રુટે કહ્યું કે અમદાવાદની પીચ સારી છે કે ખરાબ તેનો નિર્ણય કોઈ ખેલાડીએ નહીં પરંતુ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ લેવાનો હોય છે.


Related News

Loading...
Advertisement