નવીદિલ્હી, તા.26
ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ, ટી-20 અને વન-ડે શ્રેણી બાદ શરૂ થનારી આઈપીએલનું આયોજન પણ ભારતના જ પાંચથી છ શહેરોમાં કરવામાં આવશે. કોરોનાને કારણે આઈપીએલની 13મી સીઝનનું આયોજન પાછલા વર્ષે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં કરવામાં આવ્યું હતું પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વખતે નિર્ણય લીધો છે કે દુનિયાની સૌથી મોંઘી ક્રિકેટ લીગનું આયોજન ભારતમાં જ થશે.
બીસીસીઆઈના એક પદાધિકારીએ કહ્યું કે પહેલાં અમે લોકો ચર્ચા કરી રહ્યા હતા કે એક શડેરમાં લીગ મુકાબલા અને બીજા શહેરમાં નોકઆઉટ મુકાબલા આયોજિત કરીએ. આવામાં અમે માત્ર એક બાયો-બબલ (ખેલાડીઓ માટે બનાવવામાં આવેલો વિશેષ સુરક્ષા માહોલ)માં જ આખી ટૂર્નામેન્ટ રમાડી લેત પરંતુ હવે એવો નિર્ણય લેવાયો છે કે 11 એપ્રિલથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ પાંચથી છ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. આ માટે અમારે પાંચથી છ બાયો-બબલ બનાવવા પડશે.
તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવશે. આ પહેલાં દિલ્હી કેપિટલ્સના સહ માલિક પાર્થ જિંદલે કહ્યું હતું કે ટૂર્નામેન્ટના લીગ મેચ મુંબઈ અને નોકઆઉટ મુકાબલા અમદાવાદમાં રમાઈ શકે છે. મુંબઈમાં વાનખેડે ઉપરાંત બ્રેબોર્ન અને ડી.વાઈ.પાટીલ સ્ટેડિયમ પણ છે. પદાધિકારીએ કહ્યું કે પહેલાં અમે લોકો આવું વિચારી રહ્યા હતા પરંતુ કોરોનાની સ્થિતિ દરરોજ બદલાઈ રહી છે. મુંબઈમાં અમે તમામ મેચની યોજના બનાવી લઈએ અને બાદમાં ત્યાં લોકડાઉન જેવી સ્થિતિ લાગુ પડી જાય તો બધું ખરાબ થઈ જશે.
2019માં આઈપીએલનું આયોજન 9 શહેરો (ચેન્નાઈ, કોલકત્તા, મુંબઈ, જયપુર, દિલ્હી, હૈદરાબાદ, મોહાલી અને વિશાખાપટ્ટનમ)માં થયું હતું. તેમાં આઠ ફ્રેન્ચાઈઝીઓના ઘરેલું મેદાન છે. પદાધિકારીએ કહ્યું કે એટલું તો નક્કી છે કે આ વખતે નવ મેદાનો ઉપર મેચ રમાશે નહીં. ત્યાં સુધી કે તમામ ફ્રેન્ચાઈઝીના ઘરેલું મેદાનો ઉપર પણ મેચ નહીં રમાય પરંતુ અમે વધુમાં વધુ સ્ટેડિયમ પર તેને આયોજિત કરવા માટે વિચારી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે આયોજન સ્થળ ઉપર હજુ પણ ચર્ચા ચાલીરહી છે. આ માટે ફ્રેન્ચાઈઝીઓની પણ સહમતિ જરૂરી છે. મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ, બેંગ્લોર અને લખનૌના નામ પર ચર્ચા થઈ છે. આ ઉપરાંત અન્ય શહેરોના નામ ઉપર પણ વાતચીત થયેલી છે એટલા માટે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.