ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટેસ્ટ મેચને બનાવ્યો ‘ટૂંકો’: અફઘાન સામેનો રેકોર્ડ તૂટ્યો

26 February 2021 11:38 AM
Sports
  • ટીમ ઈન્ડિયાએ પહેલીવાર ટેસ્ટ મેચને બનાવ્યો ‘ટૂંકો’: અફઘાન સામેનો રેકોર્ડ તૂટ્યો

2018માં બેંગ્લોરના ગ્રાઉન્ડ પર અફઘાનને બે દિવસમાં પરાસ્ત કર્યું પણ ત્યારે બન્ને ટીમ વચ્ચે 170.4 ઓવર રમાઈ’તી: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં 139.4 ઓવરમાં જ પરિણામ આવી ગયું: ભારતે બીજો ટેસ્ટ મેચ બે દિવસમાં પૂરો કર્યો:બે જ દિવસમાં સૌથી વધુ 9 ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ હજુ ઈંગ્લેન્ડના નામે અકબંધ: ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ-આફ્રિકા એક-એક મેચ બે દિવસમાં જીતી ચૂક્યા છે

અમદાવાદ, તા.26
ભારતે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા ત્રીજા ટેસ્ટ મેચના બીજા જ દિવસે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવીને ક્રિકેટના આ ‘લાંબા’ ફોર્મેટને અત્યંત ‘ટૂંકુ’ બનાવી દીધું હતું સાથે સાથે પહેલી વખત આટલા ઓછા સમયમાં મેચ પણ જીતી લઈને અફઘાનિસ્તાન સામેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલાં જૂન-2018માં બેંગ્લોરના ચીન્નાસ્વામી સ્ટેડિયમ પર ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના મેચનું પરિણામ પણ બે દિવસમાં જ આવી ગયું હતું પરંતુ ત્યારે બન્ને ટીમ વચ્ચે 170.4 ઓવર રમાઈ હતી પરંતુ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના આ મેચમાં 139.4 ઓવરમાં જ હાર-જીત થઈ જતાં ભારતે આટલા ટૂંકા સમયમાં મેચ જીત્યો હોય તેવું પહેલી વખત બન્યું છે.


ભારત-અફઘાનિસ્તાન વચ્ચેના મેચની વાત કરવામાં આવે તો એ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 104.5 ઓવરમાં 10 વિકેટે 474 રન બનાવ્યા હતા. આ પછી અફઘાનિસ્તાને બેટિંગ કરતાં 27.5 ઓવરમાં 109 રન જ બનાવી શકતાં તેણે ફોલોઓન હેઠળ બીજી વખત બેટિંગ કરવી પડી હતી અને તેમાં તેણે 38.4 ઓવરમાં 103 રન બનાવી 10 વિકેટ ગુમાવી દેતાં ભારતે એ મેચ એક ઈનિંગ અને 262 રને જીત્યો હતો. એ મેચમાં કુલ 170.4 ઓવરમાં 30 વિકેટ પડી હતી તો 686 રન બન્યા હતા.


જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવ લેતાં 48.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 112 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 53.2 ઓવરમાં 10 વિકેટે 145 રન સ્કોરબોર્ડ પર લગાવી દીધા હતા. આ પછી ત્રીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ 30.4 ઓવરમાં 81 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જ્યારે ભારતે 7.4 ઓવરમાં વિના વિકેટે 49 રન બનાવી મેચને 10 વિકેટે પોતાના નામે કરી લીધો હતો. આમ આ મેચમાં કુલ 139.4 ઓવર ફેંકાઈ હતી જેમાં 387 રન બન્યા હતા તો 30 વિકેટ પડી હતી.


જો કે વિશ્ર્વ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બે દિવસમાં સૌથી વધુ વખત ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે જેણે અત્યાર સુધી નવ વખત બે જ દિવસમાં ટેસ્ટ મેચ જીત્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાએ આઠ વખત બે જ દિવસમાં ટેસ્ટ મેચનું પરિણામ લાવી દીધું છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પણ એક-એક મેચ બે દિવસમાં જ જીતી ચૂકી છે.ઈંગ્લેન્ડની ટીમને ટેસ્ટ ક્રિકેટમાં બીજી વખત ભારત સામે 10 વિકેટના અંતરથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે આ પહેલાં ઈંગ્લેન્ડને પહેલી વખત 10 વિકેટથી 20 વર્ષ પહેલાં હરાવ્યું હતું. ભારતે ડિસેમ્બર-2001માં મોહાલીમાં પણ ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં નવમી વખત 10 વિકેટથી જીત નોંધાવી છે.


ભારતે ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વિરુદ્ધ અત્યાર સુધી બે-બે વખત ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટથી જીત મેળવી છે. આ ઉપરાંત તેણે બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને ઝીમ્બાબ્વે વિરુદ્ધ પણ એક-એક ટેસ્ટ મેચમાં 10 વિકેટે જીત હાંસલ કરી છે. આ ઉપરાંત ત્રણ વખત નવવિકેટથી અને 14 વખત 8 વિકેટથી જીત પોતાના નામે કરી છે.


Related News

Loading...
Advertisement