રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પંચાયત-પાલિકામાં સાંજે પ્રચાર ભુંગળા શાંત

26 February 2021 10:57 AM
Rajkot ELECTIONS 2021 Politics Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પંચાયત-પાલિકામાં સાંજે પ્રચાર ભુંગળા શાંત

આજ રાતથી વ્યક્તિગત સંપર્ક-પ્રચાર; ગામડાઓમાં શહેર જેવા માહોલ; મંગળવારે મતગણતરી:રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતોની 203, જિલ્લા પંચાયત 36 બેઠકો; ગોંડલ પાલિકાની 44 બેઠકો અને જેતપુરની એક પેટાચૂંટણી માટે કાલે બુથ સંભાળશે સ્ટાફ; વોટિંગ મશીન-સ્ટાફનું રેન્ડેમાઈઝેશન કરાયું; તડામાર તૈયારી:ચૂંટણી ફરજના સ્ટાફને મતદાન સાહિત્યની સાથોસાથ ફેસશિલ્ડ, માસ્ક, સેનીટાઈઝર ઉપરાંત મતદારોને હેન્ડ ગ્લોવ્ઝ સહિતની જરૂરી તમામ સુવિધાઓના થેલાઓ આપી દેવાયા; રિસિવિંગ-ડિસ્પેચીંગ સેન્ટરોમાં ધમધમાટ; રવિવારે મતદાન માટે તૈયારી

રાજકોટ તા.26
રાજકોટ સહિત ગુજરાત રાજયની 231 તાલુકા પંચાયત, 31 જીલ્લા પંચાયત અને નગરપાલીકાઓની સામાન્ય ચૂંટણીમાં આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત પડી જશે. જે તે વિસ્તારમાં બહારની આવેલી વ્યક્તિઓને મતદાનના 48 કલાક પહેલા આ વિસ્તાર છોડી દેવાની રાજય ચૂંટણી પંચે સૂચના આપી છે. બીજી તરફ રવિવારે તાલુકા, જીલ્લા અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજવા માટે મતદાન પ્રક્રિયાની તૈયારી કરવા તમામ વહીવટીતંત્રોએ આગોતરી કામગીરી હાથ ધરી હોવાનું રાજય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું.


રાજકોટ સહિત રાજયની તાલુકા, જીલ્લા અને નગરપાલીકાઓની સામાન્ય ચૂંટણીઓનું રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજવામાં આવશે. રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠક, જીલ્લા પંચાયતની 36 બેઠક, ગોંડલ નગરપાલીકાની 44 બેઠક અને જેતપુર નવાગઢ પાલીકાની વોર્ડ નં.2ની એક બેઠકની પેટાચૂંટણીનું રવિવારે 1100 થી વધુ મતદાન મથકો પર મતદાન યોજવામાં આવશે. આજે રાજકોટ જિલ્લાની તાલુકા-જીલ્લા પંચાયત અને પાલીકાઓની સામાન્ય ચૂંટણીનો જાહેર પ્રચાર સાંજે છ વાગ્યે શાંત થઈ જશે. બીજી તરફ વહીવટીતંત્રએ રવિવારે મતદાન પ્રક્રિયા યોજવા તૈયારીઓનો ધમધમાટ શરુ કર્યો છે.


રાજકોટ જિલ્લાની તાલુકા-જિલ્લા અને પાલીકાની ચૂંટણી માટે જીલ્લા કલેકટર તંત્રએ તૈયારીઓ શરુ કરી છે જેમાં 1100થી વધુ મતદાન મથક પર 10 લાખથી વધારે મતદારો મતદાન કરે તે સંદર્ભે તમામ મતદાન મથક પર ચૂંટણી ફરજના સ્ટાફને કોરોના કાળ વચ્ચે ફેશશિલ્ડ, સેનેટાઈઝર, હેન્ડગ્લોવ્ઝ અને માસ્ક સહિતની તમામ જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સોંપી દીધો છે. જે તે રીટર્નીંગ ઓફીસરો દ્વારા ચૂંટણી ફરજના સ્ટાફ અને વોટીંગ મશીનનું રેન્ડમાઈઝેશન કરી લેવામાં આવ્યું છે. આવતીકાલે સાંજ સુધીમાં તમામ મતદાન સ્ટાફ પોતાના બુથ પર ફરજ સંભાળી લેશે. રવિવારે યોજાનારી મતદાન પ્રક્રિયા સંદર્ભે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોનો હવાલો પોલીસ જવાનોને સોંપી દેવામાં આવ્યો છે.

દરમ્યાન રાજકોટ તાલુકા, જીલ્લા અને પાલીકાની સામાન્ય ચૂંટણીનું રવિવારે યોજાનાર મતદાન સંદર્ભે જીલ્લા કલેકટર તંત્ર દ્વારા ચૂંટણી ફરજના સ્ટાફને જરૂરી તમામ સૂચનાઓ અને તાલીમ આપી દેવામાં આવી છે. ચૂંટણી ફરજનો સ્ટાફ શનિવારે સાંજ સુધીમાં બુથ પર પહોંચી જાય તે માટે થઈને એસટી બસના ઝોનલ રૂટ જે તે રિસીવીંગ ડિસ્પેચીંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે અને રવિવારે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા કરી લેવામાં આવી હોવાનું અંતમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement