રાજકોટઃ
અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં ચાલતી ટેસ્ટ મેચમાં પોણા બે દિવસમાં ઇંગ્લેન્ડની ટીમને સંકેલી ટીમ ઇન્ડિયાએ 10 વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. હોમ ગ્રાઉન્ડ પર અક્ષર પટેલની ફિરકીમાં 11 અંગ્રેજો ફસાયા હતા. અશ્વિને પણ 7 વિકેટ ખેરવી હતી. 49 રનના આસાન ટાર્ગેટને વિના વિકેટે ભારતીય ટીમે હાંસલ કર્યો હતો. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને યાદગાર જીત આપતી ટીમ ઇન્ડિયા હવે ચોથા ટેસ્ટમાં જીતે અથવા ડ્રો થાય તો ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસીક પ્રારંભ થયો છે. વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગ્સ 81 રનમાં ઓલ આઉટ થઇ ગઇ. ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડનો આ સૌથી ઓછો સ્કોર છે. ભારતને જીતવા માટે 49 રનનો પડકાર મળ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 5, અશ્વિને 4 અને સુંદરે 1 વિકેટ ઝડપી હતી.
આ સાથે આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 400 વિકેટ પુરી કરી છે. અશ્વિન 400 વિકેટ ઝડપનાર ભારતનો ચોથો બોલર બની ગયો છે. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 145 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારતે ઇંગ્લેંન્ડ પર 33 રનની લીડ મેળવી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સૌથી વધુ 66 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 27 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી જ્યારે જેક લીચે 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ થઇ ગયુ છે.