રાજકોટ: પંચાયતોની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો, પ્રદેશ મંત્રી મનોજ રાઠોડે રાજીનામુ આપ્યું, ભાજપમાં જોડાય તેવી શક્યતા

25 February 2021 09:07 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટ: પંચાયતોની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ફટકો, પ્રદેશ મંત્રી મનોજ રાઠોડે રાજીનામુ આપ્યું, ભાજપમાં જોડાય તેવી શક્યતા

નબળી નેતાગીરી અને ટીકીટ વહેંચણીથી નારાજ થઈ રાજીનામુ ધર્યું

રાજકોટઃ
રાજકોટ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો કર્યા બાદ ભાજપની નજર હવે રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પર છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડયો છે. પ્રદેશ કોંગ્રેસના મંત્રી અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ રાઠોડે પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે.

જિલ્લા કોંગ્રેસની નબળા નેતાગીરી, લોધીકા જિલ્લા પંચાયત બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોગ્રેસ પ્રમુખે ટિકિટ દેવામાં વરવી ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તેમજ લોધિકા તાલુકા કોંગ્રેસના પ્રમુખે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત હારેલા ઉમેદવારની તરફેણ કરી હોવાના આક્ષેપ સાથે નારાજગી દર્શાવી મનોજભાઈ રાઠોડે રાજીનામુ ધરી દીધું છે. તેઓ હવે ભાજપમાં જોડાય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ત્રંબા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધિત કરી હતી ત્યારબાદ આ બેઠકના ઉમેદવાર ભુપત બોદરે જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ગોવિંદભાઇ કિહલાને ભાજપનો ખેસ પહેરવી સ્વાગત કર્યુ હતું. તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ પહેલા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયાએ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુભાષ માંકડીયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું હતું. જેમાંથી સુભાષ માંકડીયા ભાજપમાં જોડાઈ ગયા છે.

રાજકોટ જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી હતી. જોકે આ વખતે ભાજપે અત્યારથી જ રાજકીય દાવ પેચ લગાવી જિલ્લા પંચાયત જીતવા જબરી તૈયારીઓ કરી લીધી છે.


Related News

Loading...
Advertisement