રાજકોટ જી.એસ.ટી. વિભાગમાં વેટ આકારણી પૂર્ણતાનાં આરે: સેંકડો નોટીસો ઈશ્યુ

25 February 2021 06:46 PM
Rajkot
  • રાજકોટ જી.એસ.ટી. વિભાગમાં વેટ આકારણી પૂર્ણતાનાં આરે: સેંકડો નોટીસો ઈશ્યુ

48 હજારથી વધુ કેસોનો નિકાલ થયો: ઉભી થયેલી કરોડો રૂા.ના વેરાની ડિમાન્ડ અંતર્ગત ઢગલાબંધ વેપારીઓને નોટીસો ફટકારાતા ‘મંદી’નો સામનો કરતા વેપાર જગતમાં કચવાટ

રાજકોટ તા.25
રાજકોટ જીએસટી વિભાગમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વેટ આકારણીનાં વર્ષો જુના પડતર કેસોના નિકાલની ઝુંબેશ ચાલી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે હવે રાજકોટ જીએસટી વિભાગમાં જુદા જુદા વર્ષના વેટ આકારણીના કેસો પૂર્ણતાના આરે આવી ગયા છે. હજારો કેસોનો નિકાલ થઈ ગયો છે.

આ સાથોસાથ વેટ આકારણીના કેસો પુર્ણ થયા બાદ જંગી રકમની વેરાની ડિમાન્ડ પણ નીકળી છે. આ ડિમાન્ડના પગલે રાજકોટ જીએસટી વિભાગે આકારણીની કરોડો રૂપિયાની વસુલાત માટે પણ શસ્ત્રો સજાવી લીધા છે અને બાકી વસુલાત માટે ઢગલાબંધ વેપારીઓને નોટીસો પણ આપી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જીએસટી વિભાગમાં વર્ષ 2015-16, 16-17 અને 17-18ના વેટ આકારણીના 52 હજારથી વધુ કેસો પડતર હતા.

આ કેસોના નિકાલ માટે છેલ્લા કેટલાક મહિનાઓ દરમ્યાન રાજયના મુખ્ય કમિશ્ર્નરની સૂચનાથી જબરી ઝુંબેશ ચાલી હતી. જીએસટીના અધિકારીઓએ દિવસ-રાતના ઉજાગરા કરી વેટ આકારણીના આ કેસોનો નિકાલ કર્યો હતો અને આજ સુધીમાં આ 52200 પૈકી 48000થી વધુ વેટ આકારણીના નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું રાજકોટ જીએસટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

રાજકોટ જીએસટી વિભાગના હજુ પણ 4000 જેટલા વેટ આકારણીના નાના-મોટા કેસો બાકી રહ્યા છે તેનો પણ આગામી તા.31/3ના રોજ પુરી થતી મુદત સુધીમાં નિકાલ થઈ જશે તેવું જીએસટી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વેટ આકારણીનાં આ કેસોના અત્યાર સુધીના થયેલ નિકાલ અંતર્ગત કરોડો રૂપિયાના વેરાની ડિમાન્ડ પણ ઉભી થવા પામી છે.

આ ડિમાન્ડની વસુલાત માટે રાજકોટ જીએસટી તંત્રએ અત્યારથી જ શસ્ત્રો સજાવી લીધા છે અને બાકી વસુલાત માટે ઢગલાબંધ નોટીસો પણ કાઢી છે. અનેક વેપારીઓને બાકી વેરાની વસુલાત માટે આ નોટીસો આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. સંબંધીત વેપારીઓને આપવામાં આવેલી બાકી વસુલાતની આ નોટીસોમાં તંત્ર દ્વારા એવી પણ ચીમકી આપવામાં આવી છે કે જરૂર પડયે વેપારીના બેન્ક ખાતા ટાંચમાં લેવામાં આવશે ઉપરાંત વેપારીની જમા વેરા શાખ પણ ટાંચમાં લેવામાં આવશે.

જો સમયસર વેપારી દ્વારા બાકી વેરો જમા નહી કરાવાય તો ઉપર મુજબના કડક પગલા તંત્ર દ્વારા લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી તંત્ર દ્વારા હાલમાં આપવામાં આવી રહેલી આ નોટીસોના પગલે અનેક વેપારીઓમાં રોષની લાગણી પણ ફેલાઈ છે. કારણ કે હજુ પણ કોરોનાકાળને કારણે વેપાર-ધંધાની ગાડી પુરતી પાટે ચડી નથી ત્યારે જ તંત્ર દ્વારા બાકી વેરા માટે આવી પઠાણી ઉઘરાણી કરાતા અનેક વેપારીઓમાં નારાજગી સાથે રોષની લાગણી ફેલાઈ છે.


Related News

Loading...
Advertisement