વીર સાવરકરની પુણ્યતિથિની પૂર્વ સંઘ્યાએ શબ્દાંજલી પાઠવતા રાજુભાઇ ધ્રુવ

25 February 2021 06:43 PM
Rajkot
  • વીર સાવરકરની પુણ્યતિથિની પૂર્વ સંઘ્યાએ
શબ્દાંજલી પાઠવતા રાજુભાઇ ધ્રુવ

રાજકોટ તા.25
વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી અને આઝાદીનાં મહાન લડવૈયા વિનાયક દામોદર સાવરકરની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે અંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, વિનાયક દામોદર સાવરકર (28 મે 1883 - 26 ફેબ્રુઆરી 1966) ભારતીય સ્વતંત્રતા આંદોલનનાં અગ્રિમ હરોળનાં સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા. સાવરકરજી વિશે એક અદભૂત વર્ણન અટલ બિહારી વાજપેયીજીએ કર્યું છે. અટલજીએ કહ્યું હતું - સાવરકર એટલે તેજ, સાવરકર એટલે ત્યાગ, સાવરકર એટલે તપ, સાવરકર એટલે તત્ત્વ, સાવરકર એટલે તર્ક, સાવરકર એટલે તારુણ્ય, સાવરકર એટલે તીર, સાવરકર અર્થાત્ તલવાર. રાજપુરુષ અટલ બિહારી વાજપેયીજીએ સિંહપુરુષ વીર સાવરકરજીનું સચોટ ચિત્રણ તેમના શબ્દોમાં રજૂ કર્યું છે. દેશહિત કાજે પ્રખર રાષ્ટ્રવાદી વીર સાવરકરજીએ કરેલું ત્યાગ, સમર્પણ અને તપસ્યાનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.
હિંદુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિંદુત્વ)ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયો તેની પાછળ અનેક નાના-મોટા ક્રાંતિકારી લોકોનો પુરુષાર્થ છે. એ નામોની ગણતરી કરીએ ત્યારે સાવરકરનું નામ સૌથી આગળનાં નામોમાંનું એક ગણાશે. માત્ર છવ્વીસ વર્ષનાં યુવાન સાવરકરને પચાસ વર્ષની જેલની સજા થઈ અને એમની છાતી પર ટિંગાડેલા લોખંડી બિલ્લા પર ‘તા. 10 જાન્યુઆરી, 1910થી તા. 10 જાન્યુઆરી, 1960 સુધી’ શબ્દો કોતરાયા હતા.
વીર સાવરકરજીનાં પથચિહ્ન પર ભારતીય જનતા પક્ષનાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અગ્રેસર છે એવું જણાવી રાજુભાઈ ધ્રુવે વીર સાવરકરજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શત શત વંદન સહ અંજલિ પાઠવી હતી.


Related News

Loading...
Advertisement