હઝારે ટ્રોફીમાં પૃથ્વીનો ધમાકેદાર ‘શો’: 152 બોલમાં 227 રન ઝૂડી નાખ્યા

25 February 2021 06:35 PM
Sports
  • હઝારે ટ્રોફીમાં પૃથ્વીનો ધમાકેદાર ‘શો’: 152 બોલમાં 227 રન ઝૂડી નાખ્યા

પોંડીચેરી સામે આક્રમક બેટિંગનું પ્રદર્શન કરી સેહવાગનો રેકોર્ડ તોડ્યો: પાંચ છગ્ગા અને 31 ચોગ્ગા ફટકાર્યા: સૂર્યકુમારે 58 બોલમાં 133 રન બનાવ્યા

નવીદિલ્હી, તા.25
વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટમાં મુંબઈના ઓપનિંગ બેટસમેન પૃથ્વી શોનું બેટ જોરદાર ગાજી રહ્યું છે. હવે તેણે લીગ મુકાબલામાં પોંડીચેરી વિરુદ્ધ અણનમ 227 રનની ઈનિંગ રમીને અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં મુંબઈના ઓપનિંગ બેટસમેન પૃથ્વી શોનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે તો સાથે જ તેણે વીરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં તે સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટસમેન બની ગયો છે જ્યારે સેહવાગ હવે ચોથા નંબરે પહોંચ્યો છે. પોંડીચેરી વિરુદ્ધ પૃથ્વી શોએ 152 બોલનો સામનો કરતાં અણનમ 227 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે પાંચ છગ્ગા અને 31 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. પોતાની આ ઈનિંગના દમ પર તે લિસ્ટ ‘એ’ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારો ત્રીજો ભારતીય બેટસમેન બન્યો છે. આ પહેલાં ત્રીજા નંબરે વીરેન્દ્ર સેહવાગ હતો જેણે 219 રન બનાવ્યા હતા.જો કે પૃથ્વી રોહિત શર્માનો 264 રનના સ્કોરનો રેકોર્ડ તોડી શક્યો નહોતો. આ યાદીમાં રોહિત બાદ શિખર ધવનનું નામ આવે છે. પોંડીચેરી વિરુદ્ધ મુંબઈ તરફથી કમાલની બેટિંગ કરતાં મુંબઈએ 50 ઓવરમાં ચાર વિકેટે 457 રન બનાવ્યા હતા. પૃથ્વીએ અણનમ 227 રન બનાવ્યા તો સૂર્યકુમાર યાદવે 58 બોલમાં 133 રનની તોફાની ઈનિંગ રમી હતી.


Related News

Loading...
Advertisement