મનપાએ 200 કરોડથી વધુના 8 પ્લોટ વેચવા કાઢયા : તા.22 થી 25 માર્ચ સુધી હરાજી

25 February 2021 06:30 PM
Rajkot
  • મનપાએ 200 કરોડથી વધુના 8 પ્લોટ વેચવા કાઢયા : તા.22 થી 25 માર્ચ સુધી હરાજી

નાના મવા ચોકના સોનાની લગડી જેવા પ્લોટમાં પ્રતિ ચો.મી. અપસેટ ભાવ રૂા. 1.25 લાખ, નટરાજનગરમાં 92,800, રૈયા રોડ પર 74,500, અયોધ્યા ચોક પાસે 55,000 : કંગાળ તિજોરીને ઓક્સિજન આપશે ઇ-ઓકશન

રાજકોટ, તા.25
રાજકોટ મહાનગરપાલિકાએ ઘણા વર્ષ બાદ પોતાના કિંમતી કોમર્શિયલ પ્લોટ વેચીને આવક ઉભી કરવા અંતે નિર્ણય કરી લીધો છે. રાજકોટના પ્રાઇમ લોકેશનમાં આવેલા સહિતના વેચાણ હેતુના કુલ આઠ પ્લોટ ઇ-ઓકશનથી વેચીને ર00 કરોડથી વધુની આવક ઉભી કરવા હરાજીની તારીખ જાહેર કરી છે. તા.22 માર્ચથી તા.25 માર્ચ સુધી કુલ આઠ પ્લોટ ઇ-ઓકશનથી વેચવામાં આવશે.

જેમાં પ્લોટની પ્રતિ ચો.મી. કિંમત રૂા.55,000થી માંડી રૂા. સવા લાખ જેટલી નકકી કરવામાં આવી છે. કુલ આવકની આશામાં અડધાથી વધુ આવક તો નાના મવા ચોકના મોકાના પ્લોટમાંથી જ થવાની તંત્રવાહકોને આશા છે. મનપાની ટીપી શાખાએ સરકાર તરફથી ટીપી સ્કીમ હેઠળ મળેલા કોમર્શિયલ હેતુના આઠ પ્લોટ હરાજી માટે નકકી કર્યા છે. નાના મવા ટીપી સ્કીમ નં.3, રાજકોટ ટીપી સ્કીમ નં.9, રૈયા ટીપી સ્કીમ નં.1 અને 4માં આ પ્લોટ આવેલા છે.

જે માટે બિલ્ડર સહિતના ખરીદદારો ઓનલાઇન ઓફર મોકલી શકશે અને ઇ.એમ.ડી. ભરી શકશે. તા.રર માર્ચના રોજ સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી એક કલાક માત્ર એક જ પ્લોટની હરાજી રાખવામાં આવી છે. આ પ્લોટ નાના મવા ચોકમાં જ 150 ફુટ રીંગ રોડ પર સિલ્વર હાઇટસ એપાર્ટમેન્ટ સામે આવેલો છે. 9438 ચો.મી.ના વિશાળ પ્લોટમાં પ્રતિ ચો.મી. અપસેટ ભાવ રૂા.1.25 લાખ નકકી કરાયો છે.

તેનાથી ઉંચા ભાવ મળવાની પણ આશા વચ્ચે ભાવોભાવ આ પ્લોટ જાય તો પણ કોર્પો.ને 118 કરોડની તોતીંગ આવક થાય તેમ છે. ટીપી નં.9માં અયોધ્યા ચોકમાં સ્પાયર બિલ્ડીંગ સામે, બંધન પાર્ટી પ્લોટ પાછળ આવેલા 4679 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂા.55,000 અને નજીકમાં જ સિનર્જી હોસ્પિટલ પાસે આસ્થા એવન્યુ રોડ પર આવેલા 3713 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂા.55,000 નકકી કરાઇ છે.

આ ઉપરાંત રૈયા રોડ પર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે મનપાના ત્રણ પ્લોટ આવેલા છે. 1906 અને 634 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂા.74,500 નકકી કરવામાં આવી છે. જયારે 680 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત પણ આટલી જ છે. રૈયા ટીપી નં.1માં હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસે સોમનાથ સોસાયટીમાં 1215 ચો.મી.નો પ્લોટ છે, જયાં અપસેટ કિંમત રૂા. 78,700 છે

તો રૈયા ટીપી નં.4માં યુનિ. રોડ પરના નટરાજનગરમાં સંકલ્પ-3 એપાર્ટમેન્ટ નજીક આવેલા 668 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત 92,000 નકકી કરાઇ હોય, અહીં કોર્પો.ને સવા છ કરોડ જેટલી આવક થવા આશા છે. કુલ આઠ પ્લોટ વેચીને મનપાને 203 કરોડથી વધુની આવક થવાનો અંદાજ છે. કોર્પો.ની ટેકસની આવકમાં પણ આ વર્ષે કોરોના સહિતના કારણોથી ગાબડુ પડયુ છે ત્યારે કંગાળ તિજોરીને ઓકસીજન મળે તેવી ધારણા છે.

જોકે આ સાથે મનપાની સ્થાવર મિલ્કતમાં ઘટાડો થશે પરંતુ કોમર્શિયલ પ્લોટ મનપાના રોજબરોજના વહીવટ અને કામોના ખર્ચ કાઢવા વેચાણ હેતુથી જ સરકાર આપતી હોવાનું તંત્ર કહે છે. નાના મવા ચોકના પ્લોટની હરાજી તા.22, અયોધ્યા ચોકના બે પ્લોટની હરાજી તા.23, રૈયા ટીપીના ત્રણ પ્લોટની હરાજી તા.24, સોમનાથ સોસાયટી અને નટરાજનગરના પ્લોટની હરાજી તા.25 માર્ચના રોજ રાખવામાં આવી છે.


Related News

Loading...
Advertisement