સોનાની રીટેઈલ માંગમાં સળવળાટ છતાં નાના-નિકાસ યુનિટોની હાલત કફોડી

25 February 2021 05:47 PM
Rajkot Business India
  • સોનાની રીટેઈલ માંગમાં સળવળાટ છતાં નાના-નિકાસ યુનિટોની હાલત કફોડી

દસ મહિનામાં ઝવેરાતની નિકાસમાં 64 ટકાનો ધરખમ ઘટાડો: રાજકોટ-અમદાવાદના એકમોને અસર

રાજકોટ તા.25
કેન્દ્ર સરકારના બજેટમાં આયાત જકાતમાં કાપ મુકાયા બાદ સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો છે અને તેના પ્રભાવ હેઠળ રીટેઈલ ઘરાકીમાં સળવળાટથી જવેલર્સોને ઓકસીજન મળી ગયું છે છતાંહજુ નિકાસ મોરચે ગાડી પાટે ચડી નથી એટલે રાજકોટ-ગુજરાતના દાગીના બનાવતા નાના એકમોની હાલત કફોડી જ બની રહી છે.

જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021ના દસ મહિનાના સમયગાળામાં જવેલરી નિકાસ 35.52 અબજ ડોલરની થઈ હતી. જે ગત વર્ષના સમયગાળા કરતા 64 ટકા જેટલી ઓછી છે. નિકાસ ઘટાડાની અસર ઝવેરાત ઉત્પાદન એકમો પર પડવાનું સ્વાભાવિક છે. આવા યુનિટો તથા કારીગરોની હાલત હજુ કફોડી જ બની રહી છે.

ભારતમાં મુંબઈ, ચેન્નઈ તથા કોલકતાથી જ ઝવેરાતની મુખ્યત્વે નિકાસ થાય છે છતાં નિકાસકારો આઉટ સોર્સીંગથી દાગીના મેળવતા હોય છે અને તેમાં ગુજરાતનું મોટુ યોગદાન હોય છે. એક અંદાજ પ્રમાણે ભારતમાંથી ઝવેરાતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 10 ટકાનો છે. અમદાવાદમાં 30-40 જેટલા ઝવેરાત ઉત્પાદન એકમોમાં માત્ર નિકાસ માટેના દાગીના જ બનતા હોય છે. રાજકોટ પણ ઝવેરાત ઉત્પાદન માટેનું મોટુ ઉત્પાદન મથક ગણાય છે.

નિકાસમાં ઘટાડાને કારણે આવા એકમોની ઓર્ડરબુક સામાન્ય છે. ઝવેરીઓના કહેવા પ્રમાણે કોરોનાકાળના પ્રારંભથી જ ઝવેરાત નિકાસને ફટકો પડવા લાગ્યો હતો. દાગીના બનાવતા એકમો તકલીફમાં હતા. રીટેઈલ માર્કેટ તરફ વળ્યા હતા. પરંતુ ત્યાં પણ ખાસ ડીમાંડ ન હતી. જો કે કેન્દ્રીય બજેટ પછી સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી રીટેઈલ માર્કેટમાં ચહલપહલ છે.

આવતા મહિનાઓમાં સારો લગ્નગાળો હોવાથી ઘરાકીની આશા છે છતાં અત્યારે તો એકસપોર્ટ યુનિટોની હાલત કફોડી જ છે. સોનાના ભાવ ઘટાડાથી લગ્નગાળામાં કેવો ફેર પડે છે તેના પર સોનીબજારની નજર છે. અત્યાર સુધી તો ઉંચા ભાવને કારણે ગ્રાહકો ફકસ બજેટ મુજબ ખરીદી પસંદ કરતા હતા અથવા જુનુ સોનુ પરત કરીને નવુ ખરીદવાનો ટ્રેન્ડ હતો.

 


Related News

Loading...
Advertisement