આંગડીયા પેઢીના કર્મીઓ પાસેથી પાંચ કિલો સોના સહિત 4 કરોડની લૂંટ:ખાલી થેલા ધોળકા પાસેથી મળ્યા

25 February 2021 05:39 PM
Surendaranagar Crime
  • આંગડીયા પેઢીના કર્મીઓ પાસેથી પાંચ કિલો સોના સહિત 4 કરોડની લૂંટ:ખાલી થેલા ધોળકા પાસેથી મળ્યા

વેપારીઓનું સોનુ લઈ અમદાવાદથી એસટી બસમાં રાજકોટ આવતા:છ શખ્સે ઈન્કમટેકસ અધિકારી તરીકે ઓળખ આપી ’ 5 વર્ષનો ટેક્સ ભરવાનો બાકી છે તેમ કહી આંગડીયા પેઢીના કર્મચારીઓને બસમાંથી ઉતાર્યા હતા અને કારમાં બેસાડી ખેડાના વાસણા ગામે બંધક બનાવી મુદ્દામાલ લઈ ફરાર થયા:અમદાવાદ એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો, સીસીટીવી ફુટેજ મેળવાયા:લુંટમાં ગયેલું પાંચ કિલો સોનું રાજકોટના સોની વેપારીઓનું હોવાની શકયતા: બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

(ફારૂક ચૌહાણ)
સુરેન્દ્રનગર, તા.25
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ગઈકાલે એસ.ટી. બસમાં રાજકોટ આવી રહેલા આંગડીયા પેઢીના બે કર્મચારીઓને બંધક બનાવી રૂા.3 કરોડની કિંમતના સોના સહિત 4 કરોડની લુંટ કરવામાં આવી હોવાનું સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો. બગોદરા પોલીસને જાણ થતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, અમદાવાદની રતનપોળ નજીક આવેલી મિર્ચી પોળ સ્થિત, અમદાવાદની રતનપોળ નજીક આવેલી મિર્ચી પોળ સ્થિત અમૃતલાલ માધવલાલ એન્ડ કંપનીના કર્મચારી ચૈનાજી બાલુજી પરમારે (રહે.પાટણ) અને માધવલાલ મગનલાલ એન્ડ કંપનીના કર્મચારી રાજેશ ચેલાભાઈ પટેલ (ઉ.વ.55, રહે. હંસરાજપુરા, નરોડા), અમદાવાદના ગીતા મંદિરથી તા.24 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે એસ.ટી. બસમાં બેસી રાજકોટ આવવા નીકળ્યા હતા. બન્ને કર્મચારીઓ પાસે કુલ રૂા.3 કરોડની કિંમતનું પાંચ કિલો જેટલુ સોનું અને કુલ 4 કરોડની મતા હતી.


આ સોનુ લઈ તેઓ બન્ને રાજકોટ આવી રહ્યા હતા ત્યારે બસ બાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ, કામધેનુ કંપની પાસે પહોંચી તે સમયે એક કારમાં છ શખ્સો આવ્યા અને કાર રોડ પર ઉભી રાખી એસ.ટી.બસને અટકાવી હતી. જેમાંથી બે શખ્સો બસમાં ચડયા હતા અને આંગડીયા પેઢીના બન્ને કર્મચારીઆને પોતે ઈન્કમટેકસ અધિકારી હોવાની ઓળખ આપી પાંચ વર્ષથી ટેક્સ નથી ભર્યો, તપાસ માટે અમારી સાથે આવવું પડશે તેમ કહી ચૈલાજી અને રાજેશભાઈને બસમાંથી ઉતારી કારમાં બેસાડયા હતા.
આંગડીયા પેઢીના કર્મચારીઓ કંઈ સમજે તે પહેલા આ શખ્સોએ કાર હંકારી મુકી હતી

અને બન્નેને ખેડાના વસાણા ગામે લઈ ગયા હતા જયાં બન્ને કર્મચારીઓને કારમાંથી ઉતારી બાધી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ છ શખ્સો અંદાજે 4 કરોડની મતા લઈ કારમાં ફરાર થઈ ગયા હતા. બંધક રહેલા આંગડિયા કર્મીઓએ બૂમબુમ કરતા આસપાસના ખેડૂતો અને વાહન ચાલક આંગડીયા પેઢીના કર્મચારીઓને બાંધેલી હાલતમાં જોઈ જતા બન્નેને છોડી પુછપરછ કરતા લુંટ થઈ હોવાનું સામે આવ્યું હતું.


ભોગ બનનારાઓએ 100 નંબર પર પોલીસને જાણ કરતા સમગ્ર જાણકારી પોલીસને અપાતા અમદાવાદ એસપી વિરેન્દ્રસિંહ યાદવ, ડીવાયએસપી રીના રાઠવા, એલસીબી પીઆઇ આર.જી.ખાંટ, એસઓજી પીઆઇ ડી.એન.પટેલ સહિતના અધિકારી-કર્મચારી દોડી આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ અલગ-અલગ ટીમો બનાવી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ દરમિયાન પોલીસની એક ટીમને ધોળકા નજીક આવેલા રૂપગઢ ગામ પાસેથી મુદામાલના ખાલી થેલા મળી આવ્યા છે. આંગડીયા પેઢીના કર્મચારીઓએ જણાવેલી વિગત મુજબ ગુનો નોંધવા તજવીજ થઇ રહી છે.


બગોદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા પ્રાથમીક માહિતી મળી હતી કે, કોઈ વ્યક્તિએ આંગડીયા પેઢીના કર્મચારીઓ પાસે સોનુ છે તેવી ટીપ આરોપીઓને આપી હોઈ શકે અથવા આરોપીઓ લાંબા સમયથી આંગડીયા પેઢીના કર્મચારીઓની રેકી કરતા હોય તેવું પણ બની શકે છે. હાલ અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સ્થળ આસપાસની સીસીટીવી ફુટેજ કબ્જે કરવામાં આવી રહ્યા છે અને લુંટારુ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement