ભૂજ તા.25
કચ્છનો ભૂકંપ કેડો મુકતો નથી પાંચ દિવસમાં 11થી વધુ નાના-મોટા આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી દીધી છે બીજી તરફ મોટા ધરતીકંપની ચેતવણી વચ્ચે રોજ આવતા સંખ્યાબંધ આંચકાઓ વચ્ચે ખખડેલી બહુમાળી ઇમારતો મોટી જાનહાની સર્જશ તેવી દહેશત ફેલાઇ છે.
વિદાય લઇ રહેલા લાંબા અને યાદગાર શિયાળા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે ફરી કચ્છની ધરા અશાંત બની હોય તેમ ધરતીકંપના સંખ્યાબંધ આંચકાઓ પોતાની હાજરી પૂરાવી રહ્યા છે. વિતેલા પાંચ દિવસ દરમ્યાન ભૂકંપના નાના-મોટા 11થી વધુ આંચકાઓ અનુભવાતા કચ્છના લોકોમાં અજંપાની લાગણી ફેલાઈ છે. ભૂકંપ માટે અતિ સંવેદનશીલ વિસ્તાર સમા કચ્છમાં લાંબા સમયથી ભૂ-વિજ્ઞાનીકો સંશોધન કરી રહ્યા છે
જેમાં મળેલા પ્રાથમિક અહેવાલમાં નજીકના ભવિષ્યમાં મોટો ભૂકંપ ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,મહા વિનાશકારી ધરતીકંપ આવ્યે બે દાયકા જેટલો સમય વીતી જવા છતાં પણ કચ્છમાં ખાસ કરીને ભુજ,ગાંધીધામ,માંડવી જેવા શહેરોમાં અનેક પરિવારો ભયજનક મકાનોમાં અને ખખડેલી બહુમાળી ઇમારતોમાં ભયના ઓથાર હેઠળ મજબૂરીમાં રહે છે ત્યારે ભવિષ્યમાં મોટી જાનહાની ટાળવા સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.