વિજય હઝારે ટ્રોફી: જીતની હેટ્રિક ફટકારવા તરફ સૌરાષ્ટ્રની આગેકૂચ

25 February 2021 05:04 PM
Sports Saurashtra
  • વિજય હઝારે ટ્રોફી: જીતની હેટ્રિક ફટકારવા તરફ સૌરાષ્ટ્રની આગેકૂચ

325 રનના લક્ષ્યાંક સામે બંગાળની 144 રનમાં 6 વિકેટ: સૌરાષ્ટ્ર વતી અર્પિતે 50 બોલમાં 91, અવિ બારોટે બનાવ્યા 83 રન: પ્રેરકની 59, ચિરાગની 33 રનની શાનદાર ઈનિંગ

રાજકોટ, તા.25
વિજય હઝારે ટ્રોફીમાં જોરદાર ફોર્મ સાથે રમી રહેલી સૌરાષ્ટ્રની ટીમ જીતની હેટ્રિક તરફ અગ્રેસર છે. પ્રથમ બેટિંગ કરતાં સૌરાષ્ટ્રે 324 રન ખડકી દેતાં બંગાળની હાલત કફોડી થઈ જવા પામી છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે બંગાળની 144 રનમાં 6 વિકેટ પડી જતાં સૌરાષ્ટ્રની જીત નિશ્ર્ચિ મનાઈ રહી છે.બંગાળે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં સૌરાષ્ટ્રે તેનો આ નિર્ણય ખોટો પાડતાં શરૂઆતથી જ સટાસટી બોલાવીને ફોર્મનો પરચો આપી દીધો હતો. સૌરાષ્ટ્ર વતી અવિ બારોટે 90 બોલમાં 83, વિશ્વરાજસિંહ જાડેજાએ 28 બોલમાં 17, પ્રેરક માંકડે 59 બોલમાં 59, અર્પિત વસાવડાએ 59 બોલમાં 91, ચિરાગ જાનીએ 40 બોલમાં 33 અને જયદેવ ઉનડકટે 9 બોલમાં 13 રન બનાવતાં સૌરાષ્ટ્રે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 324 રન બનાવ્યા હતા. બોલિંગમાં બંગાળ વતી ઈશાન પોરેલે 3, મુકેશ-અક્ષદીપ-શાહબાઝ-અર્નબ-ચેટર્જીને એક-એક વિકેટ મળી હતી.


સૌરાષ્ટ્રે આપેલા 325 રનના જવાબમાં બંગાળની હાલત શરૂઆતથી જ કથળી ગઈ હતી અને તેણે 29.2 ઓવરમાં 131 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી જેમાં શ્રીવત્સ ગોસ્વામી 0, ઈશ્ર્વરન 44, રિત્વીક રોય 18, રિતિક ચેટરજી 14, અનુસ્તુપ મજુમદાર 3 અને શાહબાઝ 27 રન બનાવીને પેવેલિયન પરત થઈ ગયા હતા. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે કૈફ અહેમદ 14 અને અર્નબ નંદી 10 રન બનાવી રમતમાં છે અને બંગાળને જીત માટે 120 બોલમાં 181 રનની જરૂર છે. સૌરાષ્ટ્ર વતી બોલિંગમાં પ્રેરક-કમલેશે બે-બે અને જયદેવ ઉનડકટે એક વિકેટ મેળવી છે.


Related News

Loading...
Advertisement