અમદાવાદ ટેસ્ટ: 45 મિનિટમાં 3 વિકેટ ગુમાવતી ટીમ ઈન્ડિયા

25 February 2021 04:49 PM
Sports
  • અમદાવાદ ટેસ્ટ: 45 મિનિટમાં 3 વિકેટ ગુમાવતી ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા 66 રન બનાવી આઉટ: રહાણે, પંત પણ સસ્તામાં ઉડ્યા: લીચની ચાર વિકેટ: ભારતને પાંચ રનની લીડ

અમદાવાદ, તા.25
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમતના પ્રારંભે ઈંગ્લેન્ડનું પલડું ભારે હોય તેવી રીતે ટીમ ઈન્ડિયાએ 45 મિનિટમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. પ્રથમ ઈનિંગમાં 112 રને ઓલઆઉટ થઈ ગયા બાદ ભારતે દિવસની રમતના અંત સુધીમાં 3 વિકેટના ભોગે 99 રન બનાવ્યા હતા. જ્યારે આજે તેમાં 22 રન જોડીને 3 વિકેટ ગુમાવી દેતાં હવે ભારત પ્રથમ ઈનિંગમાં કેટલી લીડ મેળવે છે તે જોવું રસપ્રદ બની રહેશે. દરમિયાન આજે રોહિત શર્મા 66 રન બનાવીને આઉટ થયો હતો તો અજિંક્ય રહાણે 7 અને પંત 1 રન બનાવીને આઉટ થયા હતા.


પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટે 99 રન બનાવ્યા હતા જેમાં શુભમન ગીલ 11, ચેતેશ્ર્વર પુજારા 0 અને વિરાટ કોહલી 27 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે રોહિત શર્મા અને અજિંક્ય રહાણે ક્રિઝ પર હતા. જો કે આ બન્ને વચ્ચે 15 રનની ભાગીદારી નોંધાઈ ત્યાં જ રહાણે લીચની બોલિંગમાં એલબીડબલ્યુ થઈ ગયો હતો. આ પછી ભારતના 115 રનના સ્કોર પર રોહિત શર્મા પણ જેક લીચના બોલ પર જ એલબીડબલ્યુ થઈ જતાં બન્ને દિગ્ગજ બેટસમેનો પેવેલિયન પરત ફરી ગયા હતા. ત્યારપછી પંત પણ લાંબો સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો અને માત્ર એક રન બનાવીને રુટની બોલિંગમાં ફોક્સને કેચ આપી બેઠો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે અશ્ર્વિન 6 અને વોશિંગ્ટન સુંદર 0 રને રમતમાં છે અને ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવી 121 રન બનાવ્યા છે. આ સાથે જ ભારતને 9 રનની લીડ પણ મળી છે. બોલિંગમાં ઈંગ્લેન્ડ વતી જેક લીચે ચાર, જોફ્રા આર્ચરે એક અને જોય રુટે એક વિકેટ મેળવી છે.


Related News

Loading...
Advertisement