રાજકોટ એઈમ્સના સેન્ટર હેડ તરીકે ચંદનદેવસિંહ કટોચની નિમણુંક

25 February 2021 04:46 PM
Rajkot Gujarat
  • રાજકોટ એઈમ્સના સેન્ટર હેડ તરીકે ચંદનદેવસિંહ કટોચની નિમણુંક

મદુરાઈ-જમ્મુ-તામિલનાડુ-હિમાચલ પ્રદેશ એઈમ્સમાં પણ મુખ્ય અધિકારીઓને મુકતી સરકાર

રાજકોટ તા.25
કેન્દ્ર સરકારે રાજકોટ સહિત દેશને ચાર રાજયોમાં એઈમ્સ હોસ્પીટલના મુખ્ય અધિકારી તરીકે સીનીયર મોસ્ટ અધિકારીઓની નિમણુંક કરી છે જેમાં રાજકોટ એઈમ્સના સેન્ટર હેડ તરીકે પુના હોસ્પીટલના કર્નલ ચંદનદેવસિંહ કટોચને નિમણુંક આપવામાં આવી હોવાનું જીલ્લા કલેકટર રેમ્યા મોહને ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


કેન્દ્ર સરકારે રાજકોટ એઈમ્સ સહિત દેશના ચાર રાજયોની એઈમ્સ હોસ્પીટલમાં મુખ્ય અધિકારીઓની નિમણુંક કરી છે તેમાં રાજકોટ એઈમ્સ માટે પુનાની આર્મી હોસ્પીટલના રીટાયર્ડ સીનીયર મેડીસીન એન્ડ રેસ્પોરેલોજી વિભાગના પ્રોફેસર તરીકે અગાઉ ફરજ બજાવતા એવા કર્નલ ચંદનદેવસિંહ કટોચને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત જમ્મુ એઈમ્સમાં ડો. શક્તિકુમાર ગુપ્તાને મુકવામાં આવ્યા છે. ડો. શક્તિકુમાર ગુપ્તા દિલ્હી એઈમ્સ ખાતે ફરજ બજાવી રહ્યા છે.


રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે રાજકોટ એઈમ્સ ઉપરાંત તામિલનાડુના મદુરાઈ ખાતે પણ ડો. મંગુ હનુમંથા રાવને એઈમ્સના ડીરેકટર તરીકે મુકતો હુકમ કર્યો છે જયારે હિમાચલ પ્રદેશના બિલાસપુર એઈમ્સમાં ડો.વિરસીંગ નેગીને નિમણુંક આપવામાં આવી છે. રાજકોટ ખાતે મુકવામાં આવેલા ડો. ચંદનદેવસિંગ કચોટ એઈમ્સ જયારથી શરુ થશે તે પુર્વે જ પોતાનો ચાર્જ સંભાળી લેશે અને એઈમ્સ શરુ થયા બાદ પણ જયાં સુધી કેન્દ્ર સરકાર બીજો હુકમ ન કરે ત્યાં સુધી રાજકોટ એઈમ્સના સેન્ટર હેડ તરીકે પોતાની ફરજ બજાવશે.

હાલમાં રાજકોટ એઈમ્સના ટેકનીકલ હેડ તરીકે ડો. શ્રમદીપસિંહ સિન્હાની આ અગાઉ કેન્દ્ર સરકારે નિમણુંક કરી દીધી છે. દરમ્યાન રાજકોટ એઈમ્સનું કામ 2022 સુધીમાં પૂર્ણ થાય તે માટે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. એઈમ્સના મુખ્ય બિલ્ડીંગના પાંચ પ્લાન હાલમાં મંજુરી માટે રૂડા ઓથોરીટીમાં મુકી દેવામાં આવ્યા છે. હવે મહાનગરપાલિકાની ચૂંટણી પુરી થતા આ અગાઉ ચૂંટણી ફરજ હવાલે રહેલા કર્મચારીઓ મુળ કામગીરીમાં પરત ફરી ગયા છે અને એઈમ્સના મુખ્ય બિલ્ડીંગનો પ્લાન ચાલુ મહિનાના અંત સુધીમાં રૂડા ઓથોરીટી દ્વારા મંજુર કરી દેવામાં આવે તેવું પણ જણાવાયું છે.


Related News

Loading...
Advertisement