ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે શ્રેણી રાજકોટ અથવા અમદાવાદમાં રમાય તેવી સંભાવના

25 February 2021 04:06 PM
Rajkot Sports Top News
  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની વન-ડે શ્રેણી રાજકોટ અથવા અમદાવાદમાં રમાય તેવી સંભાવના

મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કેસ વધતાં જતાં લેવાઈ શકે છે નિર્ણય: અમદાવાદમાં પાંચ ટી-20 મેચની શ્રેણી પૂર્ણ થયા બાદ વન-ડે મેચ પણ ત્યાં જ અથવા તો રાજકોટમાં રમાડવા બોર્ડની ગંભીરપણે વિચારણા: ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

રાજકોટ, તા.25
કોરોનાના કપરાં કાળ વચ્ચે ભારતમાં ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં બે ટેસ્ટ મેચ રમાઈ ગયા બાદ ત્રીજો ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે.

આ પછી શ્રેણીનો અંતિમ અને ચોથો ટેસ્ટ પણ આ જ સ્ટેડિયમ પર રમાશે અને ત્યારપછી પાંચ ટી-20 મેચની શ્રેણી પણ અમદાવાદમાં રમાશે. ત્યારબાદ બન્ને ટીમો વચ્ચે પૂનામાં ત્રણ વન-ડે મેચની શ્રેણી રમાવાની છે પરંતુ હાલ મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર મચાવવાનું ફરી શરૂ કરી દેતાં ક્રિકેટ બોર્ડ દ્વારા ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ત્રણેય મેચ દેશના અન્ય સ્ટેડિયમ ઉપર રમાડવામાં આવશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

અમદાવાદમાં રમાઈ રહેલો ત્રીજો ટેસ્ટ મેચ 28એ પૂર્ણ થયા બાદ 4 માર્ચથી ચોથો ટેસ્ટ મેચ રમાશે જે 8 માર્ચ સુધી ચાલશે. આ પછી 12 માર્ચથી લઈ 20 માર્ચ સુધી બન્ને ટીમો વચ્ચે અમદાવાદમાં જ પાંચ ટી-20 મેચ રમાશે. ત્યારપછી 23 માર્ચથી લઈ 28 માર્ચ સુધી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે જેના માટે મહારાષ્ટ્રના પૂનાની પસંદગી કરવામાં આવી છે. જો કે મહારાષ્ટ્રમાં દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસ મળવા લાગતાં ક્રિકેટ બોર્ડ પણ ચિંતીત થઈ ગયું છે

જેથી ત્રણ વન-ડે મેચની શ્રેણી અન્ય કોઈ સ્ટેડિયમ ઉપર રમાડવા માટે ગંભીરપણે વિચારણા કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રિકેટ બોર્ડ દ્વારા ત્રણ વન-ડેની આ શ્રેણી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જ રમાડવામાં આવી શકે છે અથવા તો ત્રણ મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિટમને આ શ્રેણીની ફાળવણી કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે

અમદાવાદમાં પાંચ ટી-20 મેચ રમાઈ ગયા બાદ વન-ડે શ્રેણી રમાવાની સંભાવના ઘણેખરે અંશે ઘટી જતી હોવાથી શ્રેણી રાજકોટને મળવાની પૂરી શક્યતા રહેલી છે અને ખાસ કરીને બન્ને ટીમ ટી-20 શ્રેણી રમીને અમદાવાદથી પૂના જવાની હોવાથી જો કાર્યક્રમમાં ફેરફાર થાય તો અમદાવાદથી સીધી રાજકોટ આવી શકે છે અને અમદાવાદથી રાજકોટનું અંતર પૂના કરતાં ઘણું ઓછું હોવાથી રાજકોટ ઉપર પસંદગી ઉતારી શકાય છે.

જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો ન હોય ટૂંક સમયમાં તેની જાહેરાત થઈ શકે છે.


Related News

Loading...
Advertisement