મોરબી તા.25
મોરબી શહેર, તાલુકા અને જિલ્લા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સર્જાયેલા અકસ્માતના બનાવોમાં ઘવાયેલ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
હાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવલખી હાઇવે ઉપર આવેલ લુંટાવદર ગામના મનસુખભાઈ ડાહ્યાભાઈ વાઘેલા (34) અને કાનજીભાઈ દેવાભાઈ અંબાલીયા (51) બાઈકમાં ડબલ સવારીમાં લજાઇ ગામે ગયા હતા અને લજાઇથી પરત લુંટાવદર જતા હતા ત્યારે લુંટાવદરના પાટીયા નજીક તેમના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા હાથે-પગે અને માથાના ભાગે ઇજા સાથે મનસુખભાઈ અને કાનજીભાઈને સારવાર માટે લઈ જવાયા હતા. જ્યારે લુંટાવદર ગામના જ સવિતાબેન શામજીભાઈ ઝાલરીયા નામની 61 વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને લુંટાવદરથી મોડપર જવાના રસ્તે આવેલ તેમની વાડીએ ગયા હતા અને ત્યાંથી બાઈકમાં પરત ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા થયેલ અકસ્માતમાં ઘવાયેલ સવિતાબેનને પણ સારવારમાં ખસેડાયા હતા.
બાઈક સ્લીપ થતાં ઇજા
મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવવા રાજુભાઈ રામુભાઈ ચૌહાણ નામના 17 વર્ષીય પીલાણા તા.જી.અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી યુવાન ઇજાગ્રસ્ત થયો હતો અકસ્માતમાં તેને ઇજા પહોંચી હતી જેથી તેને હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ સલ્મ કવાટર વિસ્તારમાં રહેતા લાલજીભાઈ ખોડાભાઈ ડાંગીયા નામનો યુવાન ગત તા.21 ના રોજ સાંજે 8 વાગ્યે રાજકોટ તરફથી પોતાના ગામના ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં ટંકારા પાસે રોડ ઉપર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં હાથે-પગે અને ખભાના ભાગે ઇજાઓ થવાથી લાલજીભાઈ ખોડાભાઈ ડાંગીયા નામના યુવાનને અત્રે આયુષ હોસ્પિટલ લવાયો હતો.