ભૂજ તા.25
બે દિવસ અગાઉ ભુજ શહેરના ગણેશનગરમાં રહેતી એક પરિણીતાના રહસ્યમય મોતના બનાવમાં પોલીસે કરેલી પ્રાથમિક તપાસ દરમ્યાન ઘર કંકાસથી ત્રાસી ગયેલા પતિએ જ પત્નિને દુપટ્ટા વળે ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દિધી હોવાનું સામે આવતાં ચકચાર ફેલાઈ છે.હત્યારાના સસરાની ફરિયાદ પરથી આરોપી જમાઇ સામે પોલીસે ગુનો નોંધી ઘરપકડ કરી લીધી હતી.
માંડવીના કલવાણ માર્ગ પર રહેતા હતભાગી હિનાબેનના પિતા ગોવિંદપુરી ડુંગરપુરી ગુંસાઇએ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમના જમાઈ દિનેશ રમેશભાઇ ગુંસાઇ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હિના હોવાનું અને બન્ને અપંગ હોવાનું જણાવ્યું હતું. દસ વર્ષ પૂર્વે આરોપીએ ફરિયાદીની દિકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં આરોપી કોઇ કામધંધો કરતો ન હોઇ આખો દિવસ ગામમાં રખડતો હતો.
વારંવાર પત્નિ હિનાને મારકુટ કરી પરાણે પીયરે મુકી જતો હતો.પુત્રીના સંસારને બચાવવા માવતર તેને સમજાવી પતિગૃહે મોકલી આપતા હતા. છેલ્લા દોઢેક વર્ષથી ફરિયાદીની દિકરી જમાઇ સાસુ-સસરાથી અલગ ગણેશનગરમાં જ ભાડેના મકાનમાં રહેતા હતા. માતા-પિતાથી અલગ થવા મુદે આરોપી દિનેશ પત્નિને કહયું હતું કે, હુ મારી જીંદગી મારી રીતે જીવીશ તે, મારા મા-બાપથી મને અલગ કરાવ્યો હું તને માફ નહીં કરું સમય આવે હું તને અહીં જ પતાવી દઇશ તેમ કહી શારિરીક ત્રાસ આપતો હતો. સોમવારે સવારે આઠ વાગ્યાથી બપોરે પોણા બે વાગ્યા વચ્ચે ફરિયાદીની દિકરી હિનાને જમાઇ દિનેશે ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે હતભાગી હિનાબેનના પિતાની ફરિયાદ પરથી આરોપી વિરૂધ 302ની કલમ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.