જૂનાગઢ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટનો પ્રથમ ગુનો નોંધાયો

25 February 2021 12:27 PM
Junagadh Crime
  • જૂનાગઢ જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એકટનો પ્રથમ ગુનો નોંધાયો

ડેરવણ ગામે સરકારી ખરાબાની જમીન પર કબ્જો કરતા કાર્યવાહી

જૂનાગઢ તા.25
જુનાગઢ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુનો નોંધવામા આવ્યો છે. જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામના એક શખ્શે સરકારી ખરાબામા પેશકદમી કરી તેમાથી માટી ખોદી તેનું વેચાણ કરતા ખનીજ વિભાગે ખનીજ ચોરી પકડી પાડી, પેનલ્ટી ફટકારી પોલીસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામની ખેતીની જમીન ધરાવતા એક શખ્શે તેની બાજુમાં આવેલા સરકારી ખરાબામા પેશકદમી કરી તેમાથી માટી ખોદી તેનું વેચાણ કરવાના પ્રકરણ માં જુનાગઢ મામલતદારે તપાસ હાથ ઘરેલ જેમાં સરકારી જમીન પર કબ્જો હોવાનું બહાર આવતા કલેકટરે ખાણ ખનીજ વિભાગને ફરીયાદ કરવા હુકમ કરેલ હતો. જેના પગલે ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટરે લેખીત ફરીયાદ આપતા પોલીસે લેન્ડગ્રેબીંગ પ્રીવેન્શન એકટ મુજબ ફરીયાદ નોંઘી તપાસ હાથ ઘરી છે.
જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામેથી એક અરજી થતા ખાણ ખનિજ વિભાગે તપાસ કરતા જગુભાઇ બાપુભાઇ ભાટીએ પોતાની ખેતીની જમીનની બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી તેમાંથી 1338.11 ટન સાદી માટી કાઢવામાં આવી હોવાનું સામે આવેલ હતુ. આ પ્રકરણમા ખાણ ખનિજ વિભાગ દ્વારા જગુભાઇ પાસેથી રૂ.34,113 નો દંડ વસુલ કરવા નોટીસ ફટકારતા તે રકમ જગુભાઈએ બાદમાં ભરી દીઘી હતી. ત્યારબાદ આ પ્રકરણમા જૂનાગઢ ગ્રામ્યના મામલતદારે ડીઆઇએલઆર દ્વારા માપણી કરાવતા સર્વે નં.44 ને લાગુ આવેલી લોલ નદી પૈકીની સરકારી જમીનના 511 ચો.મી. જમીન પર ગેરકાયદેસર કબ્જો થયો હોવાનું પણ સામે આવેલ હતું, અને સરકારપક્ષે દબાણ કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ દરમ્યાન ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રીવેન્શન એકટ 2020 ની અમલવારી સંદર્ભે જીલ્લા કલેકટરના અઘ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં કલેકટરએ ખાણ ખનિજ વિભાગને ગુનો દાખલ કરવા હુકમ કરેલ હતો. જેથી ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સપેકટર હિરેન સંડેસરાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડેરવાણાના જગુભાઇ બાપુભાઇ ભાટી સામે લેન્ડ ગ્રેબીંગ પ્રીવેન્શન એકટ 2020 ની કલમ 5 (ગ) મુજબ ગુનો નોંઘી કાર્યવાહી હાથ ઘરી છે.


Related News

Loading...
Advertisement