અમદાવાદ, તા.25
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની શ્રેણીનો ત્રીજો ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. કોરોના વાયરસ મહામારીને કારણે તમામ ક્રિકેટ બાયો-બબલમાં રમાઈ રહ્યું છે. આવામાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આ શ્રેણી પણ જૈવ સુરક્ષિત વાતાવરણમાં જ રમાઈ રહી છે પરંતુ મેચના પ્રથમ દિવસે જ એક ચાહકે વિરાટ કોહલીને મળવા માટે બાયો-બબલ તોડી નાખ્યું હતું. સોશ્યલ મીડિયા પર આ ચાહકનો વિરાટ કોહલીને મળવા દોડી જતો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
મેચના પ્રતમ દિવસે એક ભારતીય ચાહકે સિક્યોરિટીને ભેદીને મેદાનમાં પ્રવેશ કર્યો અને કોહલીને મળવા પહોંચી ગયો હતો. આ ચાહકો બાયો-બબલ તોડીને ખેલાડીઓની સુરક્ષાને પણ ખતરામાં નાખી હતી. જો કે કોહલીએ સમજદારી દાખવીને ચાહકને પાછો વાળ્યો હતો.કોહલીએ ચાહકને પોતાનાથી દૂર રહેવા કહ્યું અને સાથે જ તે પોતે પણ ચાહકથી દૂર થઈ ગયો હતો. કોહલીની પ્રતિક્રિયા જોયા બાદ ચાહક પણ પરત સ્ટેન્ડ તરફ ભાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સ્ટેડિયમમાં ચાહકોને મેચ જોવાની પરવાનગી અપાઈ હતી. 1.32 લાખ દર્શકોની ક્ષમતાવાળા આ સ્ટેડિયમમાં અડધી સંખ્યામાં ચાહકોને આવવાની પરવાનગી અપાઈ હતી.