અમદાવાદ, તા.25
અમદાવાદના નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાઈ રહ્યો છે. ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ માત્ર 112 રન બનાવીને જ સંકેલાઈ ગઈ હતી. ભારત વતી અક્ષર પટેલ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેનારો પ્રથમ ભારતીય સ્પીનર બન્યો છે તો રોહિત શર્માએ પણ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિતે ઘરઆંગણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 6 હજાર રન પૂર્ણ કર્યા છે. તે આવું કરનારો નવમો ભારતીય બન્યો છે. તેના પહેલાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્રસિહ ધોની, મોહમ્મદ અમઝહરુદ્દીન, સૌરવ ગાંગૂલી અને સુનિલ ગાવસ્કર આવું કરી ચૂક્યા છે.
આ ઉપરાંત પણ રોહિતે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ટેસ્ટ, વન-ડે અને ટી-20 ફોર્મેટમાં અઢી હજારથી વધુ રન બનાવનારો ત્રીજો બેટસમેન બન્યો છે. તેના પહેલાં કોહલી અને માર્ટીન ગુપટીલ આવું કરી ચૂક્યા છે. રોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ એક હજાર રન બનાવવાની નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી 10 મેચમાં તેણે 900થી વધુ રન બનાવ્યા છે. ભારત માટે અજિંક્ય રહાણે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં એક હજારથી વધુ રન બનાવનારો બેટસમેન છે. તે અત્યાર સુધી 1061 રન બનાવી ચૂક્યો છે. રોહિત અત્યારે 10મો મેચ રમી રહ્યો છે જેમાં તેણે ચાર સદી અને એક અર્ધસદી બનાવી છે.
રોહિત ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં પણ સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબરે છે. તે ત્રણ ટેસ્ટમાં અત્યાર સુધી 238 રન બનાવી ચૂક્યો છે અને શ્રેણીમાં તેણે એક સદી પણ બનાવી છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નાઈમાં રમાયેલા બીજા ટેસ્ટમાં 161 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ અત્યારે સૌથી વધુ 314 રન બનાવી ચૂક્યો છે.