અમદાવાદ, તા.25
પોતાના બીજા ટેસ્ટ મેચમાં 38 રન આપીને 6 વિકેટ ખેડવી ઈંગ્લેન્ડને 112 રને પેવેલિયનમાં મોકલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નડિયાદના અક્ષર પટેલે કહ્યું કે તેને અનુકુળ પરિસ્થિતિઓનો પૂરો ફાયદો મળ્યો છે. અક્ષર ઉપરાંત રવિચંદ્રન અશ્ર્વિને ત્રણ અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને એક વિકેટ મળી છે જેના કારણે ઈંગ્લેન્ડ 47.4 ઓવરમાં જ આઉટ થઈ ગઈ છે. ભારતે તેના જવાબમાં ત્રણ વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા.
અક્ષરે પ્રથમ દિવસની રમતના અંતે કહ્યું કે જ્યારે વસ્તુ તમારા અનુકૂળ હોય ત્યારે તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. મારો લક્ષ્યાંક વિકેટ ટુ વિકેટ બોલિંગ કરવાનો હતો. ચેન્નાઈમાં બોલ ‘સ્કીડ’ નહોતો કરી રહ્યો પરંતુ અહીં કરી રહ્યો છે એટલા માટે વધુ બેટસમેનો એલબીડબલ્યુ આઉટ થયા છે. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડના બેટસમેનો યોગ્ય રીતે રક્ષાત્મક વલણ અપનાવી રહ્યા નહોતા જેથી અમને તેમના પર હાવિ થવામાં મદદ મળી છે.
અક્ષરે કહ્યું કે ટી-20 ક્રિકેટ વધુ હોવાને કારણે તેનો પ્રભાવ ટેસ્ટ મેચ ઉપર પણ દેખાઈ રહ્યો છે અને બેટસમેનો વધુ આક્રમક બની રહ્યા છે એટલા માટે મેં યોગ્ય લાઈન અને લેન્થ પર બોલિંગ કરવાનો જ પ્રયત્ન કર્યો હતો. જો બેટસમેન યોગ્ય રીતે બોલ રમી રહ્યો છે તો તમે બેકફુટ પર ચાલ્યા જાઓ છો પરંતુ જો તે યોગ્ય રીતે બોલ રમી નથી શકતો તેમજ સ્વિપ અને રિવર્સ સ્વિપ કરી રહ્યો છે તો તમને વિકેટ લેવાની તક મળી રહે છે.