અમદાવાદ ટેસ્ટ: ઈંગ્લેન્ડની હાલત કફોડી: 27 રનમાં બે વિકેટ ગુમાવી

24 February 2021 05:42 PM
Ahmedabad Gujarat Sports
  • અમદાવાદ ટેસ્ટ: ઈંગ્લેન્ડની હાલત કફોડી: 27 રનમાં બે વિકેટ ગુમાવી
  • અમદાવાદ ટેસ્ટ: ઈંગ્લેન્ડની હાલત કફોડી: 27 રનમાં બે વિકેટ ગુમાવી

ઈશાંતે સીબલી, અક્ષરે બેરીસ્ટોને ખાતું પણ ન ખોલવા દીધું: ટીમ ઈન્ડિયામાં સીરાજના સ્થાને બુમરાહને, કુલદીપના સ્થાને સુંદરનો સમાવેશ

અમદાવાદ, તા.24
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજથી શરૂ થયેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટોસ જીતી ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે તેનો આ નિર્ણય ખોટો પડ્યો હોય તેવી રીતે મહેમાન ટીમે 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લીશ બેટસમેન સીબલી અને બેરીસ્ટો ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી જતાં તેની હાલત ખરાબ થઈ જવા પામી હતી.

ઈશાંત શર્માએ સીબલી તો અક્ષર પટેલે બેરિસ્ટોને આઉટ કરી ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. ઈંગ્લેન્ડ વતી જેક ક્રાઉલી અને સીબ્લીએ દાવની શરૂઆત કરી હતી. જો કે 7 બોલ રમી 0 રને રમી રહેલો સીબલી ઈશાંત શર્માનો છેતરામણો બોલ સમજી ન શકતાં રોહિત શર્માને કેચ આપી આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલો જોની બેરિસ્ટો પણ 9 બોલ રમીને 0 રને ક્રિઝ પર હતો ત્યારે અક્ષર પટેલની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થતાં

ઈંગ્લેન્ડને તેના બે મહત્ત્વના બેટસમેનોને 27 રનમાં જ ગુમાવી દીધા હતા. જો કે ક્રાઉલી અને કેપ્ટન રુટ ધૈર્યપૂર્વકની બેટિંગ કરીને સ્કોરબોર્ડ ફરતું રાખવા માટે પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યા છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે ક્રાઉલી 33 બોલમાં 23 અને રુટ 12 બોલમાં 3 રન બનાવી રમતમાં છે. ભારતે આજે તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે જેમાં કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સીરાજના સ્થાને જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય ચેન્નાઈ ટેસ્ટના ખેલાડીઓની ટીમ જ યથાવત રાખવામાં આવી છે. ખાસ કરીને આજના મેચમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવી હોવાથી ખેલાડીઓના જોમમાં બમણો વધારો થયો હતો.

રાષ્ટ્રધ્વજને સ્ટેડિયમમાં ન લઈ જવાતાં ક્રિકેટરસિકોનો હોબાળો
આજથી શરૂ થયેલા ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની છૂટ આપવામાં આવી હોવાથી મેચ શરૂ થાય તે પહેલાં જ મોટાભાગના ક્રિકેટરસિકો સ્ટેડિયમ પર પહોંચી ગયા હતા. જો કે ગેઈટ પર રહેલા સિક્યુરિટી ગાર્ડે ક્રિકેટરસિકોને રાષ્ટ્રધ્વજને અંદર લઈ જવાની ના પાડી દેતાં હોબાળો થઈ ગયો હતો. જો કે તંત્રએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ માથાકૂટ અટકી શકી નહોતી. અંતે મેચ શરૂ થવાનો સમય આવી જતાં ક્રિકેટરસિકો રાષ્ટ્રધ્વજ લીધા વગર જ સ્ટેડિયમમાં પ્રવેશ્યા હતા.


Related News

Loading...
Advertisement