સીંગતેલનો ડબ્બો રૂા.2500: બેફામ તેજી

24 February 2021 05:19 PM
Rajkot Business India
  • સીંગતેલનો ડબ્બો રૂા.2500: બેફામ તેજી

ખાદ્યતેલો પરનો જીએસટી પાંચ ટકાથી વધીને આઠ ટકા થવાની અફવા: કપાસીયા-પામતેલ પણ ઉંચકાય છે

રાજકોટ તા.24
ખાદ્યતેલોમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર સતત ચાલુ રહ્યો હોય તેમ આજે સીંગતેલનો ડબ્બો રૂા.2500ને આંબી ગયો હતો. કપાસીયા-પામતેલ જેવા અન્ય ખાદ્યતેલોના ભાવો પણ સતત વધતા રહ્યા છે. રાજકોટમાં આજે દસ કિલો સીંગતેલ લુઝનો ભાવ 1500ના સ્તરે પહોંચ્યો હતો. અત્યાર સુધીના ઈતિહાસમાં કયારેય આટલો ઉંચો ભાવ થયો નથી. ટેકસપેઈડ ડબ્બાનો ભાવ પણ 2500ના નવા સ્તરે પહોંચ્યો હતો. કપાસીયાતેલ ડબ્બે 1925ના નવા ઉંચા સ્તરે પહોંચ્યો હતો. પામોલીન ડબ્બાના 1835 હતા.

વેપારીઓના કહેવા પ્રમાણે ખાદ્યતેલો પરનો જીએસટી વર્તમાન પાંચ ટકાથી વધીને આઠ ટકા થવાની છેલ્લા બે-ત્રણ દિવસથી જોરદાર અફવા છે. આ હકીકત બને તો ડબ્બે રૂા.70થી75 રૂપિયાનો સીધો વધારો થઈ શકે છે. તેજી માટેનું આ નવુ કારણ છે. આ અફવાને કારણે વેચવાલી પણ ઓછી થઈ ગઈ છે. આ સિવાય મગફળીમાં સીંગદાણાના કારખાનાઓની મોટી ખરીદી છે. મગફળીના ભાવ વધતા હોવાથી તેલની પડતર પણ ઉંચે જવા લાગી છે.

મગફળીમાં રાજકોટ યાર્ડમાં આજે 1271 રૂપિયા સુધીના ભાવ પડયા હતા. સરકાર જીએસટીના બે સ્લેબ મર્જ કરીને નવો સ્લેબ નકકી કરવાની તૈયારી કરી રહ્યાની વાત છે જ એટલે ખાદ્યતેલો પર ટેકસ ભારણ વધવાની અફવાને જોર મળ્યું છે. સાઈડતેલોને લાગેવળગે છે ત્યાં સુધી પામોલીનમાં વિશ્ર્વબજારની તેજી કારણરૂપ છે. સાથોસાથ વાયદાબજારમાં નવા ઉંચા ભાવ પણ કારણરૂપ છે. વેપારીઓનો જ એવો સંકેત છે કે ખાદ્યતેલોના ભાવ અત્યારે પણ ધરખમ ઉંચા અને રેકોર્ડસ્તરે છે. ટેકસબોજ વધવાના સંજોગોમાં કયાં પહોંચે અને તેનાથી મોંઘવારી કેટલી વધે તે સવાલ છે.


Related News

Loading...
Advertisement