અમદાવાદ, તા.24
આજે ગુજરાત માટે રમત-ગમત માટે એક સુવર્ણ દિવસ હોય તેવી રીતે રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી સહિતનાની ઉપસ્થિતિમાં વિશ્ર્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘નરેન્દ્ર મોદી’ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાની સાથે સાથે દેશના સૌથી મોટા ‘સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ’નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રૂા.4600 કરોડના ખર્ચે 236 એકર (ક્રિકેટ સ્ટેડિયમ સહિત) જમીન પર બનનારા આ સ્પોર્ટસ એન્કવેલમાં કોમનવેલ્થ, એશિયાડ સહિતની નામાંકિત ટૂર્નામેન્ટનું આયોજન પણ કરી શકાશે.
આ સ્પોર્ટસ એન્કલેવમાં 50,000 દર્શકોની ક્ષમતા ધરાવતું ફૂટબોલ સ્ટેડિયમ, 15000 બેઠકોની ક્ષમતા ધરાવતું હોકી સ્ટેડિયમ ઉપરાંત એથ્લેટીક્સ, રગ્બી, સાયકલિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, વોલિબોલ, બેડમિન્ટન, બોક્સિગં, ફેન્સીંગ સહિતની 20 ઓલિમ્પિક રમતો માટેના સ્ટેડિયમ ઉભા કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને વોટર સ્પોર્ટસ માટે બોટિંગ સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. જ્યારે સ્પોર્ટસ સંકુલની આસપાસ 3000 એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે જેમા 12500 ખેલાડીઓ આરામથી રહી શકશે.
ખાસ કરીને ઈનડોર-આઉટડોર સ્વિમિંગ પુલ સાથે 1.20 લાખનું એક્વેટિક સેન્ટર પણ ઉભું કરવામાં આવશે. સ્પોર્ટસ એન્કલેવની આસપાસ પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને એક જ સમયે 7500થી વધુ કાર અને 15000થી વધુ ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે. ખાસ કરીને કોઈ ટૂર્નામેન્ટમાં એક સાથે અઢી લાખ લોકો મુલાકાત લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એકંદરે એક જ સ્થળે 50 જેટલી રમતો રમી શકે તેવી સુવિધા ખેલાડીઓને મળી રહેશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે સ્પોર્ટસ એન્કલેવમાં બનનારા હોકી ગ્રાઉન્ડને ‘મેજર ધ્યાનચંદ’ સ્ટેડિયમ નામ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં જે બનશે તે વિશ્ર્વનું સૌથી મોટું જ બનશે તેવો દૃઢ નિર્ધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો છે અને હવે તેને સાર્થક પણ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે ઓલિમ્પિકની એક પણ એવી રમત નહીં હોય જે આ એન્કલેવમાં નહીં રમાતી હોય. હવે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે અમદાવાદમાં કોમનવેલ્થ, એશિયાડ સહિતની નામાંકિત આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટો રમાતી હશે અને ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ તેમાં મેડલ જીતતા હશે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં સેનાનો ક્વોટા ખાલી જતો હતો પરંતુ હવે એવું બની રહ્યું નથી અને દરેક વખતે ગુજરાતમાંથી સેનાનો ક્વોટા પૂર્ણ થઈ રહ્યો છે. આ ઉપરાંત સ્પોર્ટસ ક્વોટા પણ ફૂલ જ જઈ રહ્યો છે જે ગુજરાતમાં રમત-ગમત કેટલી પ્રિય છે તેનો તાદ્દશ પૂરાવો છે.
ક્રિકેટની રમતમાં હવે ભારત બનશે ‘પાવર હાઉસ’: રામનાથ કોવિંદ
આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના ભાષણની ગુજરાતીમાં શરૂઆત કરતાં કહ્યું હતું કે ‘ભાઈઓ-બહેનો કેમ છો, મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. આ પ્રસંગે હું તમામ ક્રિકેટ સહિતની રમતપ્રેમીઓને અભિનંદન આપું છું.’ આ પછી હિન્દીમાં સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે ક્રિકેટની રમત ક્ષેત્રે ભારત હવે ‘પાવર હાઉસ’ બની રહેશે કેમ કે વિશ્ર્વનું સૌથી મોટું સ્ટેડિયમ અહીં બન્યું હોવાથી વિશ્ર્વની ક્રિકેટ ટીમો અહીં મેચ રમવા માટે આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ રોકાઈ ગયા બાદ અડધો કલાકમાં ગ્રાઉન્ડ સુકાઈ જશે
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી શરૂ થયેલા ડે-નાઈટ ટેસ્ટ મેચ સાથે જ વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સ્ટેડિયમની ખાસિયત એ છે કે વરસાદ પડે અને તે રોકાઈ જાય એટલે અડધો કલાકમાં ગ્રાઉન્ડ સુકાઈ જશે. આ ઉપરાંત ખેલાડીનો પડછાયો ગ્રાઉન્ડ અને પીચ ઉપર ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેના માટે ખાસ એલઈડી લાઈટ ફિટ કરવામાં આવી છે. આ લાઈટ થકી વીજળીની પણ તાતી બચત થશે. આ ઉપરાંત નારણપુરામાં પણ 18 એકરનું એક સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવામાં આવશે.
વિશ્વનો સૌથી મોટો મીડિયારૂમ ‘નરેન્દ્ર મોદી’ સ્ટેડિયમમાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક સ્ટેડિયમમાં એક મીડિયાબોક્સ બનાવવામાં આવે છે પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્ર્વનો સૌથી મોટો અને આધુનિક મીડિયા રૂમ બનાવવામાં આવ્યો છે. અહીં બેસીને મીડિયાકર્મીઓ આરામથી રમત-ગમતનું રિપોર્ટિંગ કરી શકશે. આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.