કોંગ્રેસમાં જેટલા માથા એટલા જુથ; જનતાએ એક ‘ફોર વ્હીલર’માં સમાવી દીધા!

24 February 2021 04:11 PM
Rajkot ELECTIONS 2021 Politics
  • કોંગ્રેસમાં જેટલા માથા એટલા જુથ; જનતાએ એક ‘ફોર વ્હીલર’માં સમાવી દીધા!

રાજકોટ મહાપાલિકામાં વિરોધ પક્ષની કરૂણ હાલત : સન્માનજનક બેઠકો પણ ન મળતા શાસકોની ‘રહેમ’ હેઠળ મળશે હોદ્દા:ડાંગર, રાજયગુરૂ, વસાવડા, રાજપૂત, ત્રિવેદી, રાજાણી, સાગઠીયા, ગાયત્રીબા, વાંકની તાકાતનો પાર્ટીએ કયારેય સરવાળો જ ન કર્યો : સૌએ પોતપોતાના ચોકકા રાખ્યા જુદા : બધાને એકસરખી સજા આપી દેતા મતદારો

રાજકોટ, તા. ર4
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના ગઇકાલે જાહેર થયેલા પરિણામે વધુ એક વખત રાજકોટની પ્રજા અને કોંગ્રેસ વચ્ચે કેટલું અંતર રહી ગયું છે તે દેખાડયું છે. ગઇકાલે મત ગણતરીની છેલ્લી કલાક સુધી કોંગ્રેસનું ખાતુ ખુલ્યુ ન હતું. અંતે વોર્ડ નં.1પએ વિરોધ પક્ષની લાજ રાખી હોય તેમ એક વોર્ડની ચાર બેઠક મળતા આ આંકડા પર જ ર0ર1થી ર0ર6ની ટર્મ સુધી કોંગ્રેસ સમેટાઇને રહેશે. 199પના પરિણામની ગઇકાલે યાદ આવી ગઇ હતી જયારે કોંગ્રેસના એક માત્ર નગરસેવક લાધાભાઇ બોરસદીયા (પટેલ) ભાજપના પ9 નગરસેવક સામે ચૂંટાયા હતા. આ વખતે વોર્ડ નં.1પમાંથી પુરી પેનલ મળતા કોંગ્રેસ એક ફોર વ્હીલરમાં સમાઇને રહી ગઇ છે.


18 વોર્ડની 7ર બેઠક પૈકી 68 સીટ પર ભાજપ અને ચાર બેઠક પર પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાની પેનલનો વિજય થયો છે. સંસદ અને ધારાસભાની પ્રણાલી મુજબ કુલ બેઠકની 10 ટકા સીટ ન મળે તો વિરોધ પક્ષને કાયદેસરની સત્તા અને પદ ગૃહમાં મળતા નથી. પરંતુ કોર્પોરેશનમાં આવુ હોતું નથી. 199પમાં પણ વિપક્ષી નેતાને પદ અપાયું હતું. આ વખતે પણ સત્તાવાર સ્થાન વિપક્ષને મળશે. સ્ટે. કમીટીમાં એક સભ્ય શાસકોની નૈતિક મરજીથી લેવામાં આવે છે. આથી આ ટર્મમાં પદ અને સ્ટેટસ માટે કોંગ્રેસ પક્ષ શાસકોની રહેમ નીચે રહેશે.


રાજકોટમાં છેલ્લા વર્ષોનો મનપાનો ઇતિહાસ જોઇએ તો કોંગ્રેસે પુરી તાકાતથી કયારેય મહાપાલિકામાં એક સાથે શાસકો કે વહીવટી તંત્રને લડાઇ આપી નથી. રાજકોટ કોંગ્રેસમાં ડઝન જેટલા મોટા નામ અને મોટા માથા રહેલા છે. કોંગ્રેસની પ્રથમ વખતની સત્તાના વર્ષ ર000માં ચૂંટાયેલા પૂર્વ મેયર અને ગઇકાલે પ્રમુખ પદેથી રાજીનામુ આપનાર અશોક ડાંગર તાકાતવાર નેતા રહ્યા છે. તેમની વ્યકિતગત ક્ષમતા પર કોઇને શંકા નથી પરંતુ પુરા પક્ષના નેતાઓને સાથે રાખીને ચાલવામાં અનેક કારણોથી તેઓ સફળ થયા નથી. તેઓ કોઇપણ પદ ઉપર આવે ત્યારે સામે ઘણા જુથ બની જાય છે. છેલ્લા વર્ષોમાં કોર્પો.માં પણ આવું જ વાતાવરણ હતું.


રાજકોટ-68ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂની રાજકીય ક્ષમતા પ્રજા પણ જાણે છે. પરંતુ તેમના ધારાસભ્ય કાળ અને તે બાદ રાજકોટ-69માં ચૂંટણી હાર્યા બાદની સ્થિતિએ કોંગ્રેસની સ્થિતિ પણ બગાડી હતી. તેઓએ પણ એક વખત પક્ષ છોડી દીધો હતો. આ ટોચના બે નેતા વચ્ચે કયારેય તમામ મનદુ:ખ દુર થયા નહીં અને તેનો ભોગ પાર્ટી બનતી રહી છે.મહાપાલિકાની વાત કરીએ તો પૂર્વ વિપક્ષી નેતાઓ ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, અતુલભાઇ રાજાણી પોતપોતાના વોર્ડ માટે જેટલી તાકાતથી કામ કરતા રહ્યા છે એટલી તાકાતથી કોંગ્રેસ માટે કામ કર્યુ હોય તેવું લાગ્યુ નથી. સૌ પોતપોતાના વોર્ડમાં સ્વીકાર્ય કોર્પોરેટર હતા. આથી જ ગાયત્રીબા, અતુલભાઇ ઉપરાંત વિજય વાંક, મનસુખભાઇ કાલરીયા, જાગૃતિબેન ડાંગર જેવા કોર્પોરેટરોની હારથી ઘણાને આશ્ર્ચર્ય થયું છે. આ સહિતના તમામ નગરસેવકો કાયમ નહીં તો કમ સે કમ ચૂંટણી વર્ષમાં એક પંજા હેઠળ મોંઘવારી સહિતના મુદે પ્રજા વતી ભાજપ સામે લડયા હોત તો પણ પ્રજામાં ભરોસો વધે તેમ હતો.


પૂર્વ પ્રમુખ મહેશ રાજપૂત અને નવા વરાયેલા કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી સંગઠનમાં પકકડ રાખી શકે તેવા નેતા છે. તો પૂર્વ પ્રમુખ ડો. હેમાંગ વસાવડા અઢી દાયકાથી કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા ગણાય છે. પરંતુ આ તમામ નેતાઓ કયારેય અનિવાર્ય ન હોય તો એક ભાણે જમવા બેઠા નથી. આથી જ તેમના નામ નીચે અલગ અલગ જૂથ વધતા ગયા અને પક્ષના બદલે જે તે જુથની જ તાકાતમાં વધારો ઘટાડો થતો ગયો. હવે કોંગ્રેસ મહાપાલિકામાં ફરી એક આંકડામાં આવી ગઇ છે ત્યારે માત્ર ચાર કોર્પોરેટર પર ડઝન જેટલા નેતાઓ કઇ રીતે બેસશે તે સવાલ છે!


અમુક વોર્ડમાં કોંગ્રેસની પુરેપુરી પેનલ ધોવાઇ ગઇ છે. મવડી અને કોઠારીયા રોડના ગઢ ભાજપના ફ્રેશ ઉમેદવારોએ પણ ભાંગી નાખ્યા છે. વોર્ડ નં.16ના જંગલેશ્વર જેવા વિસ્તારમાંથી ભાજપને મત મળી જાય અને કોંગ્રેસ ગઢ ગુમાવે તે તો પુરી નેતાગીરીની નિષ્ફળતા ગણાય તેમ છે. એકંદરે કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં આશ્ર્વાસન સિવાય કશું બચ્યુ નથી. હવેના પાંચ વર્ષમાં કોંગ્રેસ પોતાની તાકાત કઇ રીતે વધારી શકશે તે વિચારવા માટે પણ હવે કોંગ્રેસે પહેલા મંથન કરવું પડે તેવો સમય આવી ગયો છે. ભાજપ માટે ભરપુર પ્રેમ વચ્ચે પણ પ્રજા સારો વિકલ્પ શોધતી હતી તે પણ આમ આદમી પાર્ટીને અમુક વોર્ડમાં મળેલા મતના આંકડા પરથી સમજાય જાય છે.


Related News

Loading...
Advertisement